Home National Raja Raghuvanshi Ketan Agrawal Case Similarities

Crime Storiesરાજા રઘુવંશી અને કેતન અગ્રવાલના મર્ડર કેસની ભયાનક સમાનતાઓ : જેમના પર આખી જિંદગીનો મૂક્યો હતો ભરોસો, તેમણે જ પ્રેમીઓ સાથે મળીને પતિનો કર્યો અંત

Raja Raghuvanshi and Ketan Agarwal Murder Case
Image Credit: AI
Published by: Aryan Shah
Last Updated: Jun 24, 2026, 02:08 PM IST

Raja Raghuvanshi and Ketan Agarwal Murder Case : જ્યારે ગુનાની દુનિયામાં બે અલગ અલગ રાજ્યો, બે અલગ અલગ વર્ષ અને બે તદ્દન ભિન્ન પરિવારો વચ્ચે એક સરખી કડીઓ જોડાવા લાગે, ત્યારે કાયદાના રક્ષકો પણ આશ્ચર્યમાં મુકાઈ જાય છે. ઇન્દોરના રાજા રઘુવંશીની રહસ્યમય હત્યાના બરાબર 1 વર્ષ પછી જ્યારે પુણેના કેતન અગ્રવાલના મોતનું સત્ય બહાર આવ્યું, ત્યારે સમાજ અને પોલીસ બંને સ્તબ્ધ થઈ ગયા હતા. આ બંને યુવાનો પોતાના જીવનના સૌથી સુંદર અને મહત્વના તબક્કામાં પ્રવેશ કરી રહ્યા હતા. એકના લગ્ન હજી હમણાં જ થયા હતા અને તે પત્ની સાથે સોનેરી ભવિષ્યના સપના જોઈ રહ્યો હતો, જ્યારે બીજો યુવાન થોડા જ મહિનામાં ખૂબ જ શાહી અંદાજમાં લગ્નગ્રંથિથી જોડાવાનો હતો. બંને સમૃદ્ધ અને પ્રતિષ્ઠિત પરિવારોમાંથી આવતા હતા, પરંતુ ભાગ્યએ એવો ક્રૂર વળાંક લીધો કે જે મહિલાઓને તેમણે પોતાના જીવનસાથી તરીકે પસંદ કરી હતી, તેમની પર જ આ આયોજિત હત્યાઓનો મુખ્ય માસ્ટરમાઇન્ડ હોવાનો આરોપ લાગ્યો છે. આ જ કારણ છે કે પુણેના કેતન અગ્રવાલ કેસની તુલના હવે મેઘાલયના ચર્ચિત રાજા રઘુવંશી હત્યાકાંડ સાથે કરવામાં આવી રહી છે.

અકસ્માતનો દાવો અને પૂર્વનિયોજિત કાવતરું : બે ગુનાની એક સમાન પેટર્ન

પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં જે વિગતો સપાટી પર આવી છે તે આ બંને કેસોને સામાન્ય ગુનાઓ કરતા વધુ ઘાતકી અને આઘાતજનક બનાવે છે. રાજા રઘુવંશીના કિસ્સામાં જે હનીમૂન ટ્રીપ જીવનભરની મીઠી યાદો બનવાની હતી, તે પળવારમાં મોતના ભયાનક ખેલમાં ફેરવાઈ ગઈ હતી. બીજી તરફ, કેતન અગ્રવાલના કેસમાં જન્મદિવસની ઉજવણી અને ટ્રેકિંગ ટ્રીપને જ હત્યાના કાવતરાનો એક હિસ્સો બનાવી દેવામાં આવી હતી. આ બંને કિસ્સાઓમાં ગુનેગારોની મોડસ ઓપરેન્ડી (ગુનો કરવાની રીત) એકદમ સમાન હતી. શરૂઆતમાં બંને ઘટનાઓને ખૂબ જ કુશળતાપૂર્વક માત્ર એક સામાન્ય અકસ્માત તરીકે મીડિયા અને પરિવાર સમક્ષ રજૂ કરવામાં આવી હતી. બંને કેસમાં વાર્તા એવી બનાવવામાં આવી હતી કે યુવાનનો પગ લપસી ગયો અને તે ઊંડી ખીણમાં ખાબક્યો, પરંતુ સત્ય લાંબો સમય છુપાયેલું ન રહ્યું. ટેકનિકલ એનાલિસિસ, મોબાઇલ લોકેશન અને CCTV ફૂટેજે આ અકસ્માત પાછળ છુપાયેલા મર્ડર પ્લાનને ખુલ્લો પાડી દીધો અને જાણવા મળ્યું કે બંને મહિલાઓના જીવનમાં લગ્ન પહેલાથી જ અન્ય પુરુષો સામેલ હતા.

આ પણ ખાસ વાંચો : 5-સ્ટાર હોટેલમાં 70 રૂમ બુક કરનાર સિયાનો ખોફનાક ચહેરો : જન્મદિવસની ઉજવણી પહેલા જ લોહગઢની ખીણમાં ખેલાયો લોહિયાળ ખેલ

ઇન્દોરના રાજા રઘુવંશી કેસની હકીકત : હનીમૂન ટ્રીપ પર ખેલાયો મોતનો ખેલ

રાજા રઘુવંશી ઇન્દોરના એક અત્યંત પ્રતિષ્ઠિત અને આર્થિક રીતે સક્ષમ પરિવારનો પુત્ર હતો. તેમનો પરિવાર મોટો ટ્રાન્સપોર્ટ બિઝનેસ ચલાવતો હતો, જેને રાજા પોતાના ભાઈઓ સાથે મળીને ખૂબ જ સફળતાપૂર્વક સંભાળતો હતો. રાજાની મુલાકાત સોનમ રઘુવંશી સાથે એક કોમ્યુનિટી મેટ્રિમોનિયલ ડિરેક્ટરીના માધ્યમથી થઈ હતી. બંને પરિવારો આ સંબંધથી ખૂબ ખુશ હતા અને રીત-રિવાજ મુજબ 11 મે 2025 ના રોજ તેમના ધૂમધામથી લગ્ન થયા હતા. લગ્નના માંડ 9 દિવસ વીત્યા બાદ તેઓ પોતાના હનીમૂન માટે મેઘાલયની સુંદર વાદીઓમાં ગયા હતા. પરંતુ કોણ જાણતું હતું કે આ સફર રાજાની અંતિમ સફર બની જશે. 2 જૂન 2025ના રોજ રાજાનો મૃતદેહ માથાના ભાગે ગંભીર ઇજાઓ સાથે એક અત્યંત ઊંડી ખીણમાંથી મળી આવ્યો હતો. આ ઘટના બાદ સોનમ રહસ્યમય રીતે ગુમ થઈ ગઈ હતી. પોલીસે જ્યારે ઊંડાણપૂર્વક તપાસ કરી ત્યારે સામે આવ્યું કે સોનમ રાજ કુશવાહા નામના યુવકના પ્રેમમાં પાગલ હતી અને તે બંનેએ ભેગા મળીને રાજાને રસ્તામાંથી હટાવવા માટે આ હનીમૂન ટ્રીપ ગોઠવી હતી અને તેની હત્યા કરી દીધી હતી.

પુણેના કેતન અગ્રવાલ કેસની વિગત : શાહી લગ્ન પહેલા જ મંગેતરે ખેલ ખતમ કર્યો

બરાબર આવી જ હૃદયકંપાવનારી કહાની પુણેના જાણીતા ઉદ્યોગપતિ વિશાલ અગ્રવાલના 20 વર્ષીય પુત્ર કેતન અગ્રવાલ સાથે દોહરાવવામાં આવી હતી. કેતનની સગાઈ સિયા ગોયલ નામની યુવતી સાથે થઈ હતી અને નવેમ્બર 2026માં ઉદયપુરના એક આલીશાન લોકેશન પર તેમના ખૂબ જ ભવ્ય અને શાહી લગ્નનું આયોજન ચાલી રહ્યું હતું. પરિવારે આ લગ્નને યાદગાર બનાવવા માટે જયપુરમાં અંદાજે 17 કરોડ રૂપિયાના ખર્ચે એક આખો મહેલ બુક કર્યો હતો અને દેશ-વિદેશથી આવનારા ખાસ મહેમાનો માટે 2 પ્રાઈવેટ જેટની પણ વ્યવસ્થા કરી રાખી હતી. ઘરમાં લગ્નની શરણાઈઓ વાગે અને ખુશીઓનો માહોલ જામી રહ્યો હતો, ત્યાં જ 18 જૂનના રોજ લોહાગઢ કિલ્લા પર ટ્રેકિંગ દરમિયાન કેતનનું શંકાસ્પદ સંજોગોમાં મોત થઈ ગયું. શરૂઆતમાં સિયાએ રડતા-રડતા આને ટ્રેકિંગ દરમિયાન પગ લપસવાનો અકસ્માત ગણાવ્યો હતો, પરંતુ કેતનના પરિવારની શંકાના આધારે પોલીસે જ્યારે તપાસની દિશા બદલી, ત્યારે આ મામલો સીધો મર્ડરમાં ફેરવાઈ ગયો હતો.

આ પણ ખાસ વાંચો : હત્યાના ગણતરીના કલાકોમાં જ સિયાનો ઇન્સ્ટાગ્રામ પર ડ્રામા : મોતનો ખેલ ખેલાયો અને સોશિયલ મીડિયા પર મગરના આંસુ

લોહાગઢ કિલ્લા પર કાવતરું : જન્મદિવસના બહાને રચાયું ડેથ ટ્રેપ

આ હાઈ પ્રોફાઈલ કેસની તપાસ કરી રહેલા પોલીસ ઇન્સ્પેક્ટર દિનેશ તાયડેના જણાવ્યા અનુસાર, સિયા ગોયલ અંદરથી આ લગ્નથી બિલકુલ ખુશ નહોતી કારણ કે તે પહેલાથી જ ચેતન ચૌધરી નામના યુવક સાથે ગંભીર પ્રેમ સંબંધમાં જોડાયેલી હતી. તે કેતન સાથે લગ્ન કરીને પોતાની જીંદગી બગાડવા નહોતી માગતી, તેથી તેણે પોતાના પ્રેમી સાથે મળીને કેતનને જ દુનિયામાંથી વિદાય આપવાનું નક્કી કર્યું. પોલીસે દાવો કર્યો છે કે સિયાએ આ ભયાનક કાવતરાને અંજામ આપવા માટે લોહાગઢ કિલ્લા જેવા દુર્ગમ સ્થળની પસંદગી કરી હતી. પોલીસ તપાસમાં એ પણ સાબિત થયું છે કે ગુનો કરતા પહેલા આરોપીઓએ આ સમગ્ર વિસ્તારની ઘણી વખત રેકી કરી હતી જેથી પ્લાનિંગમાં કોઈ ખામી ન રહી જાય. 18 જૂનના રોજ સિયાનો જન્મદિવસ હતો, તેથી તેણે અગાઉથી જ મહાબળેશ્વર જવાનો એક આભાસી પ્લાન બનાવ્યો હતો, પરંતુ તે જ સાંજે તેણે કેતનને લોહાગઢ કિલ્લા પર જવા માટે ભારે જિદ્દ કરી હતી, જેથી તેને એકાંત મળી શકે અને તે પોતાના પ્લાનને અંજામ આપી શકે.

ટેકનોલોજી અને CCTVએ ખોલ્યો મર્ડરનો ભેદ : પરફેક્ટ ક્રાઈમનો ફિયાસ્કો

કેતન મર્ડર કેસમાં ગુનેગારો પોતાને ખૂબ જ હોશિયાર સમજતા હતા, પરંતુ પુણે ગ્રામીણ પોલીસની ટેકનિકલ ટીમે તેમની તમામ ચાલ નિષ્ફળ બનાવી દીધી હતી. આરોપી ચેતન ચૌધરીએ ડિજિટલ પુરાવાઓથી બચવા માટે પોતાનો મોબાઇલ ફોન ઘરે જ છોડી દીધો હતો જેથી તેનું લોકેશન ટ્રેક ન થઈ શકે. એટલું જ નહીં, તેણે લોહાગઢ કિલ્લાની આસપાસ ધોમધખતા કડક તડકામાં પણ પોતાની ઓળખ છુપાવવા માટે માથા પર હૂડી અને કાનમાં હેડફોન ભરાવી રાખ્યા હતા. પરંતુ કહેવાય છે ને કે ગુનેગાર ગમે તેટલો શાણો હોય, કોઈને કોઈ ભૂલ કરી જ બેસે છે. હાઈવે પરના ટોલ પ્લાઝા પર લાગેલા CCTV કેમેરામાં ચેતન ચૌધરી અને તેનું ટુ-વ્હીલર સ્પષ્ટ રીતે કેદ થઈ ગયા હતા. પુણે ગ્રામીણ પોલીસ અધિક્ષક સંદીપ સિંહ ગિલે પત્રકારોને જણાવ્યું કે, CCTV ફૂટેજ અને લોકેશન લિંક્સના આધારે ઘટનાસ્થળે ચેતનની હાજરી 100 ટકા સાબિત થઈ ગઈ હતી અને સઘન પૂછપરછ બાદ બંને આરોપીઓએ કેતન અગ્રવાલની હત્યાનું કાવતરું ઘડવાની અને તેને ખીણમાં ધકેલી દેવાની કબૂલાત કરી લીધી છે.

આ પણ ખાસ વાંચો : કોણ છે શાતિર સિયા? : ઉદયપુરમાં ભવ્ય લગ્ન થવાના હતા પણ કરોડોની વારસદારે મોતનો ખેલ ખેલ્યો

સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો : સંબંધોમાં પારદર્શિતા કેમ જરૂરી છે

આ બંને કિસ્સાઓ માત્ર ગુનાખોરીના ઉદાહરણો નથી, પરંતુ આજના આધુનિક સમાજ, અરેન્જ મેરેજની પદ્ધતિ અને કૌટુંબિક દબાણ જેવા ગંભીર વિષયો પર એક બહુ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ઉભો કરે છે. આજના સમયમાં પણ ઘણા પરિવારો બાળકોની મરજી વિરુદ્ધ કે સામાજિક પ્રતિષ્ઠા ખાતર તેમના પર અરેન્જ મેરેજ માટે ભારે દબાણ લાવતા હોય છે. સમાજશાસ્ત્રીઓ અને કાનૂની નિષ્ણાતોનું માનવું છે કે જો કોઈ વ્યક્તિ સંબંધ અથવા લગ્નથી ખુશ ન હોય, તો તેણે કોઈપણ ડર વિના સમયસર પરિવાર સામે પોતાની વાત સ્પષ્ટ કહી દેવી જોઈએ. ખોટા સામાજિક દબાણ હેઠળ લેવાયેલા નિર્ણયો અથવા સત્ય છુપાવવાની આદત ક્યારેક આવા ભયાનક કાવતરાઓનું સ્વરૂપ લઈ લે છે, જે અંતે બે હસતા-રમતા પરિવારોને કાયમ માટે બરબાદીના આરે લાવીને મૂકી દે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now