નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્ર (UN)ના મંચ પરથી ભારતે ફરી એકવાર પાકિસ્તાનને આકરા શબ્દોમાં જવાબ આપતાં સ્પષ્ટ કર્યું છે કે જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ છે અને તે હંમેશા ભારતનું જ રહેશે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની બેઠક દરમિયાન ભારતના સ્થાયી પ્રતિનિધિ રાજદૂત પી. હરીશે પાકિસ્તાન દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓનો કડક વિરોધ કર્યો હતો અને સાથે જ દાયકાઓ જૂના બની ચૂકેલા UN ઠરાવો અને મધ્યસ્થતાના માળખાની સમીક્ષા કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
ચીન અને પાકિસ્તાનની સહ-અધ્યક્ષતામાં યોજાયેલી UNSCની 'એરિયા ફોર્મ્યુલા' બેઠકમાં ભારતે પોતાના વલણને ફરી સ્પષ્ટ કરતાં કહ્યું કે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓ સમય સાથે બદલાતી રહે છે, તેથી જૂના સંદર્ભોમાં બનેલા ઠરાવો અને વ્યવસ્થાઓને હંમેશા માટે પ્રાસંગિક માનવી યોગ્ય નથી.
જૂના ઠરાવોની સમીક્ષા જરૂરી: ભારત
ભારતના પ્રતિનિધિ પી. હરીશે પોતાના સંબોધનમાં સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના ચેપ્ટર-6 અને ચેપ્ટર-7 હેઠળ પસાર થતા ઠરાવો વચ્ચેનો મહત્વપૂર્ણ તફાવત સમજાવ્યો હતો. તેમણે જણાવ્યું કે ચેપ્ટર-7 હેઠળના ઠરાવો આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે ઊભા થતા જોખમો, આક્રમણ અથવા સંઘર્ષ જેવી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. આવા ઠરાવો અમલમાં મૂકવા માટે સભ્ય દેશો પર ચોક્કસ જવાબદારીઓ પણ હોય છે.
બીજી તરફ ચેપ્ટર-6 હેઠળના ઠરાવો મુખ્યત્વે ચર્ચા, વાટાઘાટો, સમાધાન અને મધ્યસ્થતા દ્વારા વિવાદોના શાંતિપૂર્ણ ઉકેલ માટે રચવામાં આવે છે. તેમણે જણાવ્યું કે આવા ઠરાવો તે સમયની રાજકીય પરિસ્થિતિઓના આધારે તૈયાર કરવામાં આવ્યા હોય છે, તેથી સમયાંતરે તેમની પ્રાસંગિકતાની સમીક્ષા થવી જરૂરી છે.
પાકિસ્તાનને આડકતરી રીતે સંદેશ
ભારતે પોતાના નિવેદનમાં કોઈ દેશનું નામ લીધા વગર લાંબા સમયથી લટકતા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો હતો. રાજદૂત હરીશે ફિલિસ્તીનના મુદ્દાનું ઉદાહરણ આપતાં જણાવ્યું કે સમય સાથે પરિસ્થિતિ બદલાય છે અને તેના અનુસંધાને મધ્યસ્થતાની પદ્ધતિઓમાં પણ ફેરફાર જરૂરી બની જાય છે.
તેમણે કહ્યું કે જૂના માળખા અને વ્યવસ્થાઓને અંધપણે લાગુ રાખવાને બદલે તેમની અસરકારકતા અને વર્તમાન સમયમાં તેમની ઉપયોગિતા અંગે પુનઃવિચાર થવો જોઈએ. રાજદ્વારી વર્તુળોમાં આ નિવેદનને ખાસ કરીને પાકિસ્તાન દ્વારા વારંવાર જમ્મુ-કાશ્મીર મુદ્દે દાયકાઓ જૂના UN ઠરાવોના ઉલ્લેખના જવાબ તરીકે જોવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: અમૃતસર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ પાકિસ્તાનમાં ઘૂસી : મુસાફરોને કલાકો સુધી રાહ જોવી પડી
કાશ્મીર ભારતનો આંતરિક મુદ્દો
બેઠક દરમિયાન સૌથી વધુ ચર્ચિત ક્ષણ ત્યારે આવી જ્યારે ભારતે સીધો પાકિસ્તાનના પ્રતિનિધિના નિવેદનનો જવાબ આપ્યો. રાજદૂત પી. હરીશે પાકિસ્તાન પર સંયુક્ત રાષ્ટ્રના મંચનો રાજકીય ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે ચર્ચાના મૂળ વિષય સાથે કોઈ સંબંધ ન ધરાવતા મુદ્દાઓ ઉઠાવીને પાકિસ્તાન મંચનું રાજકીયકરણ કરી રહ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જમ્મુ-કાશ્મીર સંપૂર્ણપણે ભારતનો આંતરિક મુદ્દો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે 'જમ્મુ-કાશ્મીર હંમેશા ભારતનો ભાગ હતો, આજે પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે.' ભારતના આ નિવેદનને આંતરરાષ્ટ્રીય સ્તરે તેના લાંબા સમયથી ચાલતા સત્તાવાર વલણની પુનરાવર્તન તરીકે જોવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: PM મોદીને ઈરાનથી ખાસ આમંત્રણ! : જાણો આખરે કયા મોટા કાર્યક્રમમાં બોલાવાયા
ભારતે UN સુધારાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો
ભારતે આ પ્રસંગે સંયુક્ત રાષ્ટ્રમાં ચાલી રહેલા સુધારાના પ્રયાસોનો પણ ઉલ્લેખ કર્યો હતો. રાજદૂત હરીશે UN80 પહેલનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે સુરક્ષા પરિષદના જૂના ઠરાવો અને પ્રક્રિયાઓ પણ સમયાંતરે સમીક્ષા હેઠળ આવવી જોઈએ.
ભારતનું માનવું છે કે વૈશ્વિક રાજકારણ અને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં થયેલા પરિવર્તનોને ધ્યાનમાં રાખીને UNના માળખામાં સુધારા અનિવાર્ય બની ગયા છે. નવી ભૂરાજકીય વાસ્તવિકતાઓને અનુરૂપ સંસ્થાઓ કાર્ય કરે તે માટે સુધારા જરૂરી છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે ફરી રાજદ્વારી તણાવ
આ સમગ્ર ચર્ચાએ ફરી એકવાર આંતરરાષ્ટ્રીય મંચો પર ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા રાજદ્વારી મતભેદોને ઉજાગર કર્યા છે. પાકિસ્તાન સતત કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીય મંચો પર ઉઠાવવાનો પ્રયાસ કરે છે, જ્યારે ભારત આ મુદ્દાને પોતાનો આંતરિક વિષય ગણાવીને દ્વિપક્ષીય સ્તરે જ ચર્ચાનો આગ્રહ રાખે છે. ભારતનું કહેવું છે કે બંને દેશો વચ્ચે થયેલા શિમલા કરાર અને લાહોર ઘોષણાપત્ર જેવા દ્વિપક્ષીય કરારો બાદ કાશ્મીર મુદ્દે કોઈ તૃતીય પક્ષની ભૂમિકા સ્વીકાર્ય નથી.
વૈશ્વિક મંચ પર ભારતનું મજબૂત વલણ
તાજેતરના વર્ષોમાં ભારતે આંતરરાષ્ટ્રીય મંચો પર પોતાના રાષ્ટ્રીય હિતો અને સંપ્રભુતાના મુદ્દે વધુ સ્પષ્ટ અને આક્રમક વલણ અપનાવ્યું છે. સંયુક્ત રાષ્ટ્રમાં આપવામાં આવેલા આ નિવેદનને પણ તે જ દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
વિશ્વ સમક્ષ ભારતે ફરી સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જમ્મુ-કાશ્મીર અંગે તેની નીતિમાં કોઈ ફેરફાર થવાનો નથી અને આ મુદ્દે દેશનું વલણ અડગ છે. સાથે જ ભારતે જૂના આંતરરાષ્ટ્રીય માળખાઓ અને ઠરાવોની સમીક્ષા કરીને વર્તમાન સમયને અનુરૂપ વ્યવસ્થા ઊભી કરવાની માંગ પણ પુનરોચ્ચાર કરી છે.





