Home Gujarat Rajkot Rajkot School Van Overloading Children Dangerous Video Viral

રાજકોટમાં સ્કૂલ વાન ચાલકની ઘોર બેદરકારી! : તૂટેલા કાચ સાથે 1 જ વાનમાં 25 બાળકોને ઘેટાં-બકરાંની જેમ ખીચોખીચ ભર્યા

Rajkot News
Published by: OBS Bureau
Last Updated: Jun 24, 2026, 06:36 AM IST

Rajkot News: શહેરમાં માસૂમ વિદ્યાર્થીઓની સુરક્ષા સામે ફરી એકવાર મોટા સવાલો ઊભા થયા છે. રાજકોટમાં સ્કૂલ વાન ચાલકો દ્વારા નિયમોને નેવે મૂકીને માસૂમ બાળકોના જીવ જોખમમાં મૂકવામાં આવ્યા હોવાનો એક સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વાલીઓ અને તંત્રમાં ભારે ફફડાટ ફેલાયો છે.

ચોમાસાને લઈ અંબાલાલની કડાકા-ભડાકાવાળી આગાહી! : 28 જૂનથી 7 જુલાઈ વચ્ચે ગુજરાતમાં અનરાધાર વરસાદ, નદી-નાળા છલકાઈ જશે!

નિયમો હવામાં ઉડ્યા: ક્ષમતા કરતાં વધુ બાળકો ભર્યા

સામાન્ય રીતે સ્કૂલ વાનમાં બાળકોને બેસાડવા માટે આરટીઓ (RTO) દ્વારા ચોક્કસ નિયમો અને ક્ષમતા નક્કી કરવામાં આવી હોય છે. પરંતુ આ વાન ચાલકે તમામ કાયદા-કાનૂનને ઘોળીને પી લીધા હોય તેમ, ક્ષમતા કરતાં ક્યાંય વધારે એટલે કે એક જ સ્કૂલ વાનમાં ૨૦ થી ૨૫ જેટલા માસૂમ બાળકોને ઘેટાં-બકરાંની જેમ ખીચોખીચ બેસાડવામાં આવ્યા હતા. બાળકો શ્વાસ પણ સરખો ન લઈ શકે તેવી સ્થિતિમાં વાનમાં કેદ જોવા મળ્યા હતા.

તૂટેલા કાચના સહારે બેઠેલા માસૂમો: હૃદયકંપાવનારા દ્રશ્યો

વાયરલ થયેલા વીડિયોમાં સૌથી વધુ ચોંકાવનારી અને હૃદયકંપાવનારી બાબત એ સામે આવી છે કે, આ સ્કૂલ વાનનો પાછળનો કાચ આખો તૂટેલો હતો. માસૂમ બાળકો એ તૂટેલા કાચની ખાલી જગ્યાને પકડીને અત્યંત જોખમી રીતે બેઠેલા જોવા મળ્યા હતા. ગાડી ચાલુ હોય ત્યારે રસ્તા પરના ઝટકા કે સ્પીડ બ્રેકરના કારણે જો કોઈ બાળકનો હાથ છૂટી જાય, તો બાળક સીધું ચાલુ વાહને રોડ પર ફેંકાઈ શકે તેવી ભયાનક સ્થિતિ સર્જાઈ હતી. જો ચાલુ ગાડીએ કોઈ મોટી દુર્ઘટના કે અકસ્માત સર્જાય, અને કોઈ માસૂમનો જીવ જાય તો આ જિંદગીનો જવાબદાર કોણ? વાન ચાલક, સ્કૂલ વહીવટી તંત્ર કે પછી આંખ આડા કાન કરતું તંત્ર?

દક્ષિણ ગુજરાતમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા : આગામી 7 દિવસ કેવો રહેશે વરસાદ, હવામાન વિભાગની મોટી આગાહી

આરટીઓ અને પોલીસ તંત્ર ક્યારે જાગશે?

ભૂતકાળમાં આવી બેદરકારીના કારણે અનેક માસૂમોએ પોતાના જીવ ગુમાવ્યા છે, છતાં આવા નફ્ફટ વાન ચાલકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. માત્ર કાગળ પર ઝુંબેશ ચલાવતી પોલીસ અને આરટીઓ (RTO) આ વાયરલ વીડિયોના આધારે કડક પગલાં લેશે કે કેમ? આવા બેજવાબદાર ચાલકનું લાયસન્સ રદ કરીને તેને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવશે કે ફરી કોઈ મોટી હોનારતની રાહ જોવાશે? તે હવે જોવાનું રહ્યું. વાલીઓએ પણ જાગૃત થઈને પોતાના બાળકો કઈ સ્થિતિમાં શાળાએ જાય છે તેની તપાસ કરવી એટલી જ જરૂરી બની ગઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now