Home Gujarat Gujarat Heavy Rain South Gujarat Umargam Monsoon Update June 24

દક્ષિણ ગુજરાતમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા : આગામી 7 દિવસ કેવો રહેશે વરસાદ, હવામાન વિભાગની મોટી આગાહી

વરસાદના દ્રશ્યો
Published by: Chintan Chavda
Last Updated: Jun 24, 2026, 06:25 AM IST

અમદાવાદ : દેશના અનેક રાજ્યોમાં પ્રી-મોન્સૂન વરસાદી માહોલ વચ્ચે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ આખરે મુંબઈમાં સત્તાવાર એન્ટ્રી કરી છે. સામાન્ય રીતે 10 જૂનની આસપાસ મુંબઈ પહોંચતું ચોમાસું આ વર્ષે લગભગ 13 દિવસના વિલંબ બાદ 24 જૂને શહેરમાં પહોંચ્યું. ચોમાસાના આગમન સાથે જ મુંબઈના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો, જેના કારણે શહેરમાં વરસાદી માહોલ જામ્યો હતો.

ગુજરાતમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી ગતિવિધિઓ તેજ બની રહી છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે જાહેર કરેલી આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે, જ્યારે અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

અમદાવાદ સહિત 13 જિલ્લામાં વરસાદની શક્યતા

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 24 જૂને અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, ખેડા અને દાહોદ સહિતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે.

દક્ષિણ ગુજરાતના વડોદરા, ભરુચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં અનેક સ્થળોએ સારો વરસાદ પડી શકે છે. આગામી દિવસોમાં પણ આ વિસ્તારોમાં વરસાદી ગતિવિધિઓ સક્રિય રહેવાની શક્યતા હોવાથી સ્થાનિક તંત્રને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો: ખેડૂતો માટે મોટી ખુશખબર! : હવે કૃષિ હરાજી થશે સંપૂર્ણ ડિજિટલ, અમિત શાહ લોન્ચ કરશે NAFEX.in પોર્ટલ; જાણો ખેડૂતોને શું મળશે લાભ

દક્ષિણ ગુજરાતમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલા વરસાદી આંકડા મુજબ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લાનો ઉમરગામ તાલુકો રાજ્યમાં સૌથી વધુ વરસાદ મેળવનાર વિસ્તાર રહ્યો છે, જ્યાં 4.33 ઇંચ વરસાદ નોંધાયો હતો.

વલસાડ જિલ્લાના કપરાડામાં 1.46 ઇંચ અને વાપીમાં 1.42 ઇંચ વરસાદ પડ્યો હતો. સતત વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

ડાંગ જિલ્લાના આહવા-ડાંગ વિસ્તારમાં 3.07 ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે તાપી જિલ્લાના ઉકાઈ વિસ્તારમાં 1.10 ઇંચ વરસાદ પડ્યો હતો. દક્ષિણ ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ યથાવત રહ્યો હતો.

સુરત જિલ્લાના માંડવી, અરેઠ, માંગરોળ અને ઉમરપાડા તાલુકાઓમાં તેમજ નવસારી જિલ્લાના ચીખલી, ગણદેવી, નવસારી અને જલાલપોર વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં નોંધાયા હતા.

સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની હાજરી

દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની સારી હાજરી જોવા મળી હતી. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં 2.13 ઇંચ વરસાદ નોંધાયો હતો, જે આ વિસ્તાર માટે નોંધપાત્ર ગણાય છે. કોટડા સાંગાણીમાં પણ 0.79 ઇંચ વરસાદ પડ્યો હતો. હળવાથી મધ્યમ વરસાદને કારણે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો અને ખેડૂતોમાં વાવણી અંગે આશાવાદ વધ્યો છે. ચોમાસાની સત્તાવાર ગતિ આગળ વધતા આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદની તીવ્રતા વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: 'રથયાત્રા દરમિયાન વીજળીના કડાકા સાથે વરસાદ' : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી

ખેડૂતો અને શહેરી વિસ્તારો માટે મહત્વપૂર્ણ સપ્તાહ

હાલના વરસાદી માહોલને જોતા ખેડૂતો માટે આગામી સપ્તાહ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. પૂરતો વરસાદ થવાથી ખરીફ પાકની વાવણીને વેગ મળશે. બીજી તરફ શહેરી વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો, ડ્રેનેજ વ્યવસ્થા અને ટ્રાફિક વ્યવસ્થાપન અંગે તૈયારી શરૂ કરવામાં આવી છે. હવામાન વિભાગે લોકોને વીજળીના કડાકા-ભડાકા દરમિયાન ખુલ્લા મેદાનોમાં ન જવા, વૃક્ષોની નીચે આશરો ન લેવા અને જરૂરી હોય ત્યારે જ મુસાફરી કરવાની સલાહ આપી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now