Home Gujarat Surat Surat Mmth Bridge Girder Incident Western Railway Clarification

સુરત MMTH પ્રોજેક્ટમાં ગર્ડર નમવાનો મામલો : રેલવેના ખુલાસાથી સીટકોના દાવા પર ઉઠ્યા સવાલ, સીટકોએ નકાર્યું, રેલવેએ સ્વીકાર્યું

ગર્ડરની છબી
Image Credit: OBS Bureau
Published by: Niraj Chokshi
Last Updated: Jun 24, 2026, 07:46 AM IST

SURAT NEWS: સુરત શહેરમાં નિર્માણાધીન મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબ (MMTH) ફેઝ-2 પ્રોજેક્ટ અંતર્ગત બની રહેલા એલિવેટેડ રોડ સાથે જોડાયેલી એક ઘટના ફરી ચર્ચામાં આવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં રેલવે ગોડાઉન વિસ્તારમાં નિર્માણાધીન બ્રિજનો એક ભાગ નમી જતો અને તૂટી પડતો હોવાનું જોવા મળ્યું હતું. શરૂઆતમાં પ્રોજેક્ટ સાથે સંકળાયેલા સીટકો (SITCO)ના અધિકારીઓએ ઘટનાને નકારી કાઢી હતી, પરંતુ પશ્ચિમ રેલવે દ્વારા સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવતા સમગ્ર ઘટનાનું સાચું ચિત્ર સામે આવ્યું છે.

માહિતી અનુસાર, વાયરલ થયેલો વીડિયો તાજેતરનો નહીં પરંતુ 17 મે, 2026ના રોજ બનેલી ઘટનાનો હોવાનું પશ્ચિમ રેલવે દ્વારા જણાવાયું છે. આ ઘટના સુરત MMTH ફેઝ-2 હેઠળ ચાલી રહેલા એલિવેટેડ રોડ પ્રોજેક્ટના પિયર SP-31 પર બની હતી, જ્યાં પિયર કેપ અને પોર્ટલ બીમના કોંક્રિટિંગ દરમિયાન ટેમ્પરરી સ્ટેજિંગમાં ખામી સર્જાઈ હતી.

આ પણ વાંચો: અમરેલીમાં સગા ભાઈએ ભાઇનું ઢીમ ઢાળ્યુ : સામાન્ય તકરાર તરીકે શરૂ થયેલા વિવાદનો કરૂણ અંત

સીટકોના અધિકારીઓના નિવેદન પર ઊભા થયા સવાલ

ઘટના સામે આવ્યા બાદ મીડિયાએ પ્રોજેક્ટ સાથે જોડાયેલા અધિકારીઓનો સંપર્ક કર્યો હતો. સીટકોના અધિકારી રાહુલ રાઘવે દાવો કર્યો હતો કે કોઈ ગર્ડર તૂટ્યો નથી અને સોશિયલ મીડિયા પર ફરતો વીડિયો સુરતનો જ નથી. તેમણે સમગ્ર ઘટનાને નકારી કાઢવાનો પ્રયાસ કર્યો હતો.

બીજી તરફ, સ્ટ્રક્ચર ડીપીએમ હેમંત અગ્રવાલે પણ જણાવ્યું હતું કે ડ્રોઇંગમાં ફેરફાર થવાને કારણે સંબંધિત ભાગને દૂર કરવામાં આવી રહ્યો છે અને તે કોઈ દુર્ઘટના કે બેદરકારીનો મુદ્દો નથી. જોકે, ત્યારબાદ પશ્ચિમ રેલવેના અધિકારીઓએ જે માહિતી જાહેર કરી તે સીટકોના પ્રારંભિક દાવાથી અલગ હતી.

આ વિરોધાભાસને કારણે સમગ્ર મામલે અનેક સવાલો ઊભા થયા છે. ખાસ કરીને ઘટનાસ્થળે હાજર અધિકારીઓએ શરૂઆતમાં હકીકત જાહેર કેમ ન કરી અને ઘટનાની સાચી વિગતો છુપાવવાનો પ્રયાસ કેમ થયો તે અંગે ચર્ચા શરૂ થઈ છે.

આ પણ વાંચો: 2-4 નહીં, એક સાથે અનેક સિંહોની લટાર : અમરેલીની આ તસવીરમાં સિંહની સંખ્યા ગણવામાં તમે પણ 100% ખાશો થાપ

રેલવે CPROએ આપી સત્તાવાર માહિતી

પશ્ચિમ રેલવેના સીપીઆરઓ વિનીત અભિષેક અને પીઆરઓ અનુભવ સક્સેનાએ સત્તાવાર રીતે જણાવ્યું કે ઘટના ખરેખર સુરત MMTH પ્રોજેક્ટ સાથે સંકળાયેલી હતી. તેમના જણાવ્યા અનુસાર, પિયર SP-31 પર પિયર કેપના કોંક્રિટિંગ દરમિયાન સ્કેફોલ્ડિંગ પાઇપના કેટલાક સાંધા ખસી જતાં ભીના કોંક્રિટના વધારાના વજનને કારણે ટેમ્પરરી સ્ટેજિંગનો મધ્ય ભાગ નીચે બેસી ગયો હતો.

આ ઘટના સંપૂર્ણપણે બાંધકામ સ્થળ સુધી મર્યાદિત રહી હતી. સ્થળ જૂના ગુડ્સ યાર્ડ વિસ્તારમાં આવેલું હોવાથી ત્યાં સામાન્ય લોકોની અવરજવર નહોતી. પરિણામે કોઈ જાનહાનિ, ઈજા કે જાહેર સુરક્ષાને જોખમ સર્જાયું નહોતું. રેલવેના જણાવ્યા અનુસાર, ઘટનાની જાણ થતાં જ સાઇટ સુપરવાઇઝરોએ કામ તાત્કાલિક બંધ કરાવ્યું, વિસ્તારને સુરક્ષિત બનાવ્યો અને અસરગ્રસ્ત ભાગને અલગ કરી દીધો હતો.

ટ્રેન વ્યવહાર અને મુસાફરો પર કોઈ અસર નહીં

પશ્ચિમ રેલવે દ્વારા ખાસ ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે કે ઘટનાની કોઈ અસર ટ્રેન સંચાલન, મુસાફરોની અવરજવર અથવા રેલવે સેવાઓ પર પડી નહોતી. કારણ કે ઘટના નિયંત્રિત બાંધકામ વિસ્તારની અંદર બની હતી અને સમગ્ર વિસ્તાર પહેલેથી જ બેરીકેડિંગ કરીને બંધ કરવામાં આવ્યો હતો.

રેલવેના જણાવ્યા મુજબ, સલામતી પ્રોટોકોલનું પાલન કરવામાં આવતા કોઈ મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાના તુરંત બાદ અસરગ્રસ્ત ભાગને સંપૂર્ણપણે ડિસમેન્ટલ કરવામાં આવ્યો હતો અને સ્થળ પર વધારાની તકેદારી રાખવામાં આવી હતી.

આ પણ વાંચો: નર્મદાના સાગબારામાં મેઘતાંડવ : પ્રથમ વરસાદે નદીઓમાં પૂર જેવી સ્થિતિ, મધરાતથી ધોધમાર વરસાદના કારણે સેલંબા-મહારાષ્ટ્ર હાઈવે બંધ

ડિઝાઇન ચકાસણી બાદ જ ફરી શરૂ થશે કામ

રેલવે અધિકારીઓએ જણાવ્યું છે કે અસરગ્રસ્ત ભાગનું પુનઃનિર્માણ તાત્કાલિક કરવામાં આવશે નહીં. તે પહેલાં ટેમ્પરરી સ્ટેજિંગની ડિઝાઇન, સ્ટ્રક્ચરલ ગણતરીઓ અને ગુણવત્તા સંબંધિત તમામ પાસાઓની વિગતવાર ચકાસણી કરવામાં આવશે. સંબંધિત સક્ષમ અધિકારીઓ દ્વારા નિરીક્ષણ પૂર્ણ થયા બાદ જ ફરીથી બાંધકામ શરૂ કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન સલામતી અને ગુણવત્તાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવશે. રેલવેના જણાવ્યા મુજબ, આ ઘટના પ્રોજેક્ટની ગુણવત્તા નિયંત્રણ વ્યવસ્થાની અસરકારકતા પણ દર્શાવે છે, કારણ કે ખામી દેખાતાં જ કામ રોકી દેવામાં આવ્યું હતું અને જોખમી ભાગ દૂર કરવામાં આવ્યો હતો.

₹496 કરોડના પ્રોજેક્ટ પર સૌની નજર

સુરતમાં વધતી ટ્રાફિક સમસ્યાને હળવી કરવા માટે સહારા દરવાજા વિસ્તારથી લઈને સુરત રેલવે સ્ટેશનના પાછળના ભાગ અને વરાછા લંબે હનુમાન રોડ સુધી આશરે 5 કિલોમીટર લાંબો એલિવેટેડ રોડ બનાવવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ₹496 કરોડ છે અને તેનું નિર્માણ સીટકો કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ શહેરના ટ્રાફિક દબાણમાં નોંધપાત્ર ઘટાડો થવાની અપેક્ષા છે. જોકે, તાજેતરની ઘટનાએ નિર્માણ કાર્યની ગુણવત્તા, દેખરેખ અને જવાબદારી અંગે નવા પ્રશ્નો ઉભા કર્યા છે.

રેલવે દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને સમગ્ર મામલો માત્ર બાંધકામ પ્રક્રિયા દરમિયાન સર્જાયેલી ટેકનિકલ ખામી સુધી મર્યાદિત હતો. તેમ છતાં, શરૂઆતમાં આપવામાં આવેલા વિરોધાભાસી નિવેદનોને કારણે પ્રોજેક્ટ સંચાલન અને માહિતી વ્યવસ્થાપન અંગે ચર્ચા તેજ બની છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now