Surat Railway Godown Bridge News: સુરત શહેરમાં રેલવે ગોડાઉન વિસ્તારમાં બનેલા એક બ્રિજને લઈને મંગળવારે ચિંતાજનક ઘટના સામે આવી હતી. બ્રિજના બે પિલર વચ્ચે આવેલો ગડર (ગર્ડર) અચાનક નમી પડતા સ્થાનિકો અને તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સંબંધિત વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને સુરક્ષાના ભાગરૂપે નમી પડેલા ભાગને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની કે ઇજા થવાની ઘટના બની નથી. જોકે, જાહેર માળખાકીય સુવિધાઓની ગુણવત્તા અને સુરક્ષાને લઈને લોકોમાં અનેક સવાલો ઊભા થયા છે.
બે પિલર વચ્ચેનો ગડર આખેઆખો ઝૂકી ગયો
પ્રાથમિક માહિતી મુજબ બ્રિજના બે પિલર વચ્ચેનો ભાગ અચાનક નમી પડ્યો હતો. ગડર ઝૂકી જતાં આસપાસના વિસ્તારમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં જ તંત્ર દ્વારા અસરગ્રસ્ત ભાગને દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. સ્થળ પર પહોંચેલા અધિકારીઓએ સમગ્ર માળખાનું નિરીક્ષણ કર્યું હતું અને અન્ય ભાગોની પણ તપાસ હાથ ધરી હતી જેથી ભવિષ્યમાં કોઈ જોખમ ઊભું ન થાય.
તંત્રનો ખુલાસો: ડિઝાઇનમાં ફેરફારને કારણે ઉતારાયો ગડર
આ મામલે અધિકારી હેમંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, બ્રિજના ગડરને ડિઝાઇનમાં જરૂરી ફેરફાર કરવા માટે ઉતારવામાં આવ્યો છે. તેમના જણાવ્યા અનુસાર, આ કોઈ અકસ્માત કે માળખાકીય ધરાશાયી થવાની ઘટના નથી, પરંતુ ટેક્નિકલ કારણોસર કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અધિકારીએ વધુમાં જણાવ્યું કે, સુરક્ષાને પ્રાથમિકતા આપીને તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે અને લોકોને ગભરાવાની જરૂર નથી.
આ પણ વાંચો: સુરતના સરથાણામાં દંપતીનો જીવન ટૂંકાવવાનો પ્રયાસ : હોટલના રૂમમાં ઝેરી દવા પીતા પત્નીનું મોત, પતિ સારવાર હેઠળ
કોઈ જાનહાની નહીં, તપાસ બાદ સ્પષ્ટ થશે કારણ
ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, જે સૌથી મોટી રાહતની બાબત છે. તેમ છતાં, બ્રિજનો ભાગ નમી પડવાની ઘટનાએ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. હવે તંત્ર દ્વારા ટેક્નિકલ તપાસ બાદ જ સ્પષ્ટ થશે કે ગડર ખરેખર ડિઝાઇનમાં ફેરફાર માટે ઉતારવામાં આવ્યો હતો કે અન્ય કોઈ કારણ જવાબદાર હતું. હાલ તંત્ર સમગ્ર મામલે નજર રાખી રહ્યું છે અને જરૂરી તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.









