સુરતના એક યુવકના કતારમાં થયેલા ગેસ પ્લાન્ટ બ્લાસ્ટ બાદ લાપતા થવાના અહેવાલે પરિવાર અને સ્વજનોમાં ભારે ચિંતા ફેલાવી છે. મળતી માહિતી મુજબ કતારમાં આવેલા ગેસ પ્લાન્ટમાં થયેલા ભયંકર વિસ્ફોટ બાદ સુરતના સની પટેલનો પરિવાર સાથેનો સંપર્ક તૂટી ગયો છે. ઘટનાને પગલે પરિવારજનો સતત તેમના સમાચાર મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરિવારના જણાવ્યા મુજબ બ્લાસ્ટ પહેલાં સની પટેલે પોતાની પત્ની સાથે છેલ્લી વખત ફોન પર વાત કરી હતી. તે સમયે તેમણે પત્નીને કહ્યું હતું કે, “હું નોકરી પર જઉં છું.” ત્યારબાદથી તેમની સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નથી. આ ઘટનાએ પરિવારને ચિંતામાં મૂકી દીધો છે.
નાઈટ શિફ્ટમાં ફરજ પર હોવાનું સામે આવ્યું
પ્રાથમિક માહિતી મુજબ સની પટેલ ઘટનાના સમયે નાઈટ શિફ્ટમાં ફરજ પર હતા. બ્લાસ્ટ બાદ અનેક કર્મચારીઓના સંપર્ક તૂટી ગયા હોવાના અહેવાલો સામે આવ્યા છે, જેમાં સની પટેલનું નામ પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સની જે ટીમ સાથે કામ કરતા હતા તેમાં ગુજરાતના નવસારી અને દમણ વિસ્તારના કેટલાક અન્ય યુવાનો પણ સામેલ હતા. જોકે બ્લાસ્ટ બાદ તેમની સ્થિતિ અંગે હજુ સુધી સ્પષ્ટ માહિતી મળી નથી.
આ પણ વાંચો: કતારના વિશ્વના સૌથી મોટા ગેસ પ્લાન્ટમાં ભીષણ વિસ્ફોટ : ભારતીયો સહિત 13 લોકોના કરૂણ મોત, 66 કર્મચારીઓ ઘાયલ
પરિવાર સારા સમાચારની રાહમાં
સુરતમાં સની પટેલના પરિવારજનો સતત કતાર સ્થિત કંપનીના અધિકારીઓ, ઓળખીતાઓ અને સંબંધિત એજન્સીઓનો સંપર્ક કરી રહ્યા છે. પરિવારને આશા છે કે સની સુરક્ષિત હશે અને ટૂંક સમયમાં તેમના સમાચાર મળશે. ઘટનાના સમાચાર મળતા જ સ્વજનો અને મિત્રવર્તુળમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. પરિવારના સભ્યો સતત સત્તાવાર માહિતીની રાહ જોઈ રહ્યા છે.
બ્લાસ્ટમાં અનેક ઘાયલ, કેટલાક હજુ લાપતા
પ્રાપ્ત અહેવાલો અનુસાર ગેસ પ્લાન્ટમાં થયેલો વિસ્ફોટ અત્યંત ગંભીર હતો. ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા હોવાનું અને કેટલાક કર્મચારીઓ હજુ પણ લાપતા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જોકે સત્તાવાર રીતે તમામ લાપતા અને અસરગ્રસ્ત લોકોની યાદી જાહેર કરવામાં આવી છે કે નહીં તેની સ્પષ્ટ માહિતી હજુ ઉપલબ્ધ નથી. સ્થાનિક તંત્ર અને સંબંધિત એજન્સીઓ દ્વારા બચાવ અને શોધખોળની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે. બ્લાસ્ટના કારણો અંગે પણ તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો: સુરતના સરથાણામાં દંપતીનો જીવન ટૂંકાવવાનો પ્રયાસ : હોટલના રૂમમાં ઝેરી દવા પીતા પત્નીનું મોત, પતિ સારવાર હેઠળ
સત્તાવાર પુષ્ટિની રાહ
સની પટેલ અંગે હાલ ઉપલબ્ધ માહિતી પરિવાર અને પ્રાથમિક સૂત્રો પર આધારિત છે. તેમની સ્થિતિ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ સામે આવી નથી. પરિવાર અને સ્વજનો આશાવાદી છે કે બચાવ કામગીરી દરમિયાન સની અંગે સારા સમાચાર મળશે. આ ઘટનાએ વિદેશમાં રોજગાર માટે ગયેલા ગુજરાતી પરિવારોની ચિંતા વધારી છે. હવે સૌની નજર કતારની સત્તાવાર એજન્સીઓ અને કંપની તરફથી આવનારી માહિતી પર ટકેલી છે.





