Home Gujarat Acb Trap Khambhat Piploi Talati Vce Bribe Case

આણંદમાં ACBનો સફળ ટ્રેપ : તલાટી અને VCE ને લાંચ લેતા રંગે હાથ ઝડપ્યા

ACB એ ઝડપેલા આરોપીઑ
Published by: Chintan Chavda
Last Updated: Jun 24, 2026, 11:09 AM IST

આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના પીપળોઈ ગ્રામ પંચાયત ખાતે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB)એ સફળ ટ્રેપ ગોઠવી તલાટી કમ મંત્રી અને વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર (VCE)ને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. પેઢીનામું તૈયાર કરી આપવા બદલ લાંચની માંગણી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ACBની કાર્યવાહીના પગલે સ્થાનિક વહીવટી તંત્રમાં ચર્ચા જાગી છે.

ACB પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ફરિયાદી એક જાગૃત નાગરિક છે, જેમના મૂળ વતનમાં વડીલોપાર્જિત જૂની શરતની ખેતીની જમીન આવેલી છે. આ જમીનમાં ફરિયાદી તેમજ તેમના ભાઈ-બહેનોના નામ દાખલ કરવા માટે પેઢીનામું તૈયાર કરાવવાની જરૂરિયાત હતી. આ કામ માટે પીપળોઈ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી કૈવન બીપીનભાઈ શાહ અને VCE શૈલેષ રામભાઈ મકવાણાએ ફરિયાદી પાસેથી લાંચની માંગણી કરી હતી.

પ્રાથમિક વિગતો મુજબ, બંને આરોપીઓએ શરૂઆતમાં રૂ.10 હજારની લાંચ માગી હતી. જોકે, ફરિયાદી સાથે થયેલી રકઝક બાદ રૂ.8 હજાર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ફરિયાદી લાંચની રકમ ચૂકવવા ઇચ્છતા ન હોવાથી તેમણે ACBના ટોલ ફ્રી નંબર 1064 પર સંપર્ક કર્યો હતો અને આણંદ ACB પોલીસ સ્ટેશન ખાતે સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો: 2-4 નહીં, એક સાથે અનેક સિંહોની લટાર : અમરેલીની આ તસવીરમાં સિંહની સંખ્યા ગણવામાં તમે પણ 100% ખાશો થાપ

ACB એ ગોઠવ્યું છટકું

ફરિયાદના આધારે ACB દ્વારા 24 જૂન, 2026ના રોજ લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. આયોજન મુજબ ફરિયાદી આરોપીઓના સંપર્કમાં રહ્યા હતા. ટ્રેપ દરમિયાન બંને આરોપીઓએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી અને અગાઉ નક્કી કરાયેલી લાંચની રકમ સ્વીકારવાની પ્રક્રિયા હાથ ધરી હતી. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી નંબર-2 શૈલેષ મકવાણાએ ફરિયાદી પાસેથી રૂ.8 હજારની રકમ સ્વીકારી હતી. ત્યારબાદ આરોપી નંબર-1 કૈવન શાહના કહેવાથી તે રકમમાંથી રૂ.2 હજાર ફરિયાદીને પરત કરવામાં આવ્યા હતા. અંતે બંને આરોપીઓએ મળીને રૂ.6 હજારની લાંચ સ્વીકારી હોવાનું ACBએ નોંધ્યું છે.

રંગેહાથ ઝડપાયા

ACBની ટીમે પૂર્વનિયોજિત સંકેત મળતા જ કાર્યવાહી હાથ ધરી હતી. બંને આરોપીઓ પાસેથી સ્વીકારેલી રૂ.6 હજારની લાંચની રકમ કબજે કરવામાં આવી હતી. તપાસ એજન્સીના જણાવ્યા મુજબ, બંને આરોપીઓ એકબીજાની મદદગારીથી લાંચ સ્વીકારવાના ગુનામાં સંડોવાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ACBએ જણાવ્યું છે કે આરોપી કૈવન બીપીનભાઈ શાહે રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરીને ગુનાહિત ગેરવર્તણૂક આચરી હોવાનું પ્રાથમિક રીતે જણાઈ આવ્યું છે. બંને આરોપીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની સંબંધિત જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવાની અને વધુ તપાસ હાથ ધરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: અમરેલીમાં સગા ભાઈએ ભાઇનું ઢીમ ઢાળ્યુ : સામાન્ય તકરાર તરીકે શરૂ થયેલા વિવાદનો કરૂણ અંત

ACBની ટીમે કરી કાર્યવાહી

આ સમગ્ર ટ્રેપની કામગીરી આણંદ ACB પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન. વિરાણીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. ટ્રેપ દરમિયાન ACBની ટીમે તમામ કાયદાકીય પ્રક્રિયાઓનું પાલન કરીને કાર્યવાહી સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. આ કાર્યવાહીનું સુપરવિઝન અમદાવાદ ACB એકમના મદદનીશ નિયામક એમ.એચ. પુવાર દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે સમગ્ર કામગીરીના ઇન્ચાર્જ તરીકે નાયબ નિયામક હરેશ મેવાડા જોડાયા હતા. ભ્રષ્ટાચાર સામે લડતના ભાગરૂપે ACBએ નાગરિકોને અપીલ કરી છે કે સરકારી કામ માટે કોઈપણ અધિકારી અથવા કર્મચારી લાંચની માંગણી કરે તો તાત્કાલિક ACBના ટોલ ફ્રી નંબર 1064 પર સંપર્ક કરી જાણ કરવી. ACB દ્વારા ફરિયાદીની ઓળખ ગુપ્ત રાખીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now