Home Gujarat Gujarat Agriculture Potato Farmers Issues Raghavji Patel Khedut Sahay

બટાકાના ભાવ ઘટતા ખેડૂતો મુશ્કેલીમાં : ભાવ તળિયે અને કોલ્ડ સ્ટોરેજમાં જગ્યા નથી, કિસાન સંઘની સરકારને રજૂઆત

બટાકાના ભાવ ઘટતા ખેડૂતો મુશ્કેલીમાં
Published by: OBS Bureau
Last Updated: Mar 17, 2026, 12:45 PM IST

ગુજરાતમાં બટાકા પકવતા ખેડૂતો અત્યારે બેવડી મુસીબતનો સામનો કરી રહ્યા છે. એક તરફ બજારમાં બટાકાના ભાવ તળિયે બેસી ગયા છે, તો બીજી તરફ કોલ્ડ સ્ટોરેજમાં જગ્યાના અભાવે ખેડૂતોને હાલાકી ભોગવવી પડી રહી છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખીને ભારતીય કિસાન સંઘ (ગુજરાત પ્રદેશ) દ્વારા રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

ખેડૂતોની મુખ્ય સમસ્યાઓ શું છે?

પત્રમાં જણાવ્યા અનુસાર, હાલમાં બટાકાના ઉત્પાદકો પર મંદીનો મોટો ફટકો પડ્યો છે. ખેડૂતોની વેદના રજૂ કરતા કિસાન સંઘે મુખ્ય ત્રણ મુદ્દાઓ પર ભાર મૂક્યો છે:

  1. બજારમાં નીચા ભાવ: બજારમાં બટાકાના ભાવ ખૂબ જ નીચે ચાલ્યા ગયા છે, જેના કારણે ખેડૂતોને તેમનો ઉત્પાદન ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બન્યો છે.

  2. કોલ્ડ સ્ટોરેજની સમસ્યા: જ્યારે ખેડૂતો પોતાના બટાકા સાચવવા માટે કોલ્ડ સ્ટોરેજ જાય છે, ત્યારે માલિકો 'જગ્યા નથી' તેમ કહી ખેડૂતોને પાછા મોકલી રહ્યા છે. આ તકનો લાભ ઉઠાવી વેપારીઓ નીચા ભાવે ખરીદી કરી રહ્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.

  3. સંગ્રહ શક્તિનો અભાવ: બટાકા એ નાશવંત પાક હોવાથી તેને લાંબો સમય ખુલ્લામાં રાખી શકાતો નથી, પરિણામે નાના ખેડૂતો મજબૂરીમાં સસ્તા ભાવે માલ વેચી રહ્યા છે.

કિસાન સંઘની સરકાર પાસે માંગણી

ભારતીય કિસાન સંઘના પ્રદેશ મહામંત્રી આર.કે. પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગમાલ આર્ય દ્વારા માંગ કરવામાં આવી છે કે, સરકાર તાત્કાલિક ધોરણે બટાકા પકવતા ખેડૂતોની વહારે આવે અને વિશેષ સહાય પેકેજ જાહેર કરે. જે નાના અને સીમાંત ખેડૂતોએ મજબૂરીમાં નીચા ભાવે બટાકા વેચી દીધા છે, તેમને પણ આ સહાય યોજનાનો લાભ મળે તેવું આયોજન કરવામાં આવે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now