Home Gujarat Panchmahal Vejlapur Highway Triple Accident Death Injured

પંચમહાલના વેજલપુર નજીક ભયાનક ત્રિપલ અકસ્માત : GRD જવાન સહિત બેના મોત, અનેક ઘાયલ

પંચમહાલના વેજલપુર નજીક ભયાનક ત્રિપલ અકસ્માત
Published by: OBS Bureau
Last Updated: Mar 17, 2026, 10:22 AM IST

પંચમહાલ જિલ્લામાં ગોધરા-વડોદરા હાઈવે પર આવેલા વેજલપુર-ખરસલીયા ચોકડી પાસે રાત્રિના સમયે ભયાનક ટ્રિપલ અકસ્માત સર્જાતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. આ અકસ્માતમાં GRD જવાન સહિત બે લોકોના મોત થયા છે, જ્યારે 8 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

મળતી માહિતી અનુસાર, કન્ટેનર, આઈશર, ટ્રેલર અને એક વાન વચ્ચે અચાનક અથડામણ થતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે વાનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને તેમાં સવાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

મૃતકોમાં 32 વર્ષીય જગદીશ મફતભાઈ બારિયા, જે વેજલપુર ખાતે GRD જવાન તરીકે ફરજ બજાવતા હતા, તેમજ 30 વર્ષીય અશરફ રશીદ પઠાણ, જે લુણાવાડાના રહેવાસી અને વાન ચાલક હતા, તેમનો સમાવેશ થાય છે. બંનેનું ઘટનાસ્થળે જ દુઃખદ નિધન થયું હતું.

આ અકસ્માત સમયે લુણાવાડાનો એક પરિવાર વાનમાં સવાર થઈને વેજલપુરથી ગોધરા તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન બનેલી ઘટનામાં એક જ પરિવારના ચાર બાળકો, ચાર મહિલાઓ અને એક પુરુષ સહિત ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે.

ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. ઇજાગ્રસ્તોને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો દ્વારા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વેજલપુર પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી ચાલુ છે. આ ઘટનાથી વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now