Vadodara News: વડોદરાની જાણીતી ખાનગી યુનિવર્સિટીના પાંચ વિદ્યાર્થીઓ ટૂંકા રસ્તે વધુ પૈસા કમાવવાની લાલચમાં નકલી નોટોના નેટવર્કમાં ફસાઈને જેલના સળિયા પાછળ પહોંચી ગયા છે. એચડીએફસી (HDFC) બેંકના કેશ ડિપોઝિટ મશીનમાં રૂ. 500ના દરની 20 નકલી નોટો જમા થયા બાદ વડોદરા એસઓજી (SOG) પોલીસે આખા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે રાજસ્થાનના એક મુખ્ય સાગરીત સહિત કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે.
રીલથી શરૂ થયો ગુનાખોરીનો રસ્તો
પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, અમદાવાદ ક્રાઈમ બ્રાંચે પકડેલા સુરતના પ્રદીપ ગુરુજીની રીલ જોઈને એક વિદ્યાર્થીને નકલી નોટોના ધંધામાં ઉતરવાનો વિચાર આવ્યો હતો. સોશિયલ મીડિયાના માધ્યમથી આ વિદ્યાર્થીઓ રાજસ્થાનના અક્ષય ગોયેલ અને મનોહર ઉર્ફે મુન્ના ગુજ્જરના સંપર્કમાં આવ્યા હતા. સ્કીમ એવી હતી કે રૂ. 10,000 અસલી નોટ સામે રૂ. 20,000 નકલી નોટો મેળવવી. એકના ડબલ કરવાની લાલચમાં ધનિક પરિવારના આ યુવકોએ ગુનાખોરીની દુનિયામાં પગ મૂક્યો હતો.
PM મોદીનો 11 મેના રોજ ગુજરાત પ્રવાસ : સોમનાથથી વડોદરા સુધી તડામાર તૈયારીઓ, રોડ શોની શક્યતા
બેંકની સતર્કતાથી ભાંડો ફૂટ્યો
ગત 28 એપ્રિલના રોજ વાઘોડિયા રોડ પર આવેલી એચડીએફસી બેંકના મશીનમાં 20 નકલી નોટો પકડાઈ હતી. આ મામલે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાતા તપાસ એસઓજીને સોંપાઈ હતી. પીઆઈ બી.ડી. જીતીયાની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે પ્રથમ સાગર મારૂને ઝડપ્યો હતો. સાગરની પૂછપરછમાં નિસર્ગ પટેલ, ધનુષ હલ્લીકેરી, ભાવેશ શર્મા અને તીર્થ લીખીયાના નામ ખુલ્યા હતા. આ તમામ યુવકો વડોદરાની ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે અને મૂળ વલસાડ તથા મોરબીના રહેવાસી છે.
કુલ રૂ. 11.89 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે રૂ. 500ના દરની 85 નકલી નોટો, રોકડા રૂ. 2.27 લાખ, એક હ્યુન્ડાઈ ક્રેટા કાર અને 5 મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 11,89,500 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે રાજસ્થાનથી મુખ્ય આરોપી અક્ષય ગોયેલની ધરપકડ કરી છે, જ્યારે મનોહર ઉર્ફે મુન્નો હાલ ફરાર છે.
ધનિક પરિવારના નબીરાઓ
પકડાયેલા તમામ પાંચેય વિદ્યાર્થીઓ સંપન્ન પરિવારમાંથી આવે છે અને તેમના પિતા બિઝનેસ સાથે સંકળાયેલા છે. તેમ છતાં, મોજશોખ પૂરા કરવા અને ઝડપથી પૈસા કમાવવા માટે તેઓએ આ ગેરકાયદે માર્ગ અપનાવ્યો હતો. હાલમાં પોલીસ ફરાર મનોહરની શોધખોળ કરી રહી છે અને આ નોટો ક્યાં છપાતી હતી તે દિશામાં તપાસ તેજ કરી છે.





