Home Gujarat Gandhinagar Revenue Department Chintan Shibir Bhupendra Patel

ગાંધીનગરમાં મહેસૂલ વિભાગની ત્રિ-દિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ : ગાંધીનગરમાં મહેસૂલ વિભાગની ત્રિદિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ

Gandhinagar News
Published by: Viral Patel
Last Updated: May 05, 2026, 02:55 PM IST

Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના મહેસૂલ વિભાગની ત્રિદિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે ચિંતન શિબિર એ પોતાની જાત સાથે સંવાદ અને નાનામાં નાના માનવીના સુખાકારી કલ્યાણના ચિંતનનું સક્ષમ માધ્યમ છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકારના મહત્વપૂર્ણ એવા મહેસૂલ વિભાગ અને જિલ્લાના વહિવટી વડા તરીકે કલેક્ટરોની સામૂહિક તાકાતથી સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા કાર્યમંત્રને આપણે ગુજરાતમાં સુપેરે પાર પાડીએ.

મહેસૂલ વિભાગ દ્વારા અડાલજના ત્રિમંદિર પરિસરમાં આ ત્રિદિવસીય ચિંતન શિબિર કોલોબરેટ, ઈનોવેટ એન્ડ ટ્રાન્સફોર્મ ફોર બેટર લેન્ડ ગવર્નન્સની વિષય વસ્તુ સાથે યોજાઈ રહી છે. રાજ્યના જિલ્લા કલેક્ટરો અને મહેસૂલ વિભાગના અધિકારીઓ આ ચિંતન શિબિરમાં સહભાગી થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશા લોકોની સુખાકારી અને લોકહિત કામો કરવાની વ્યવસ્થાઓ વિકસાવીને દેશનું ગૌરવ વધાર્યુ છે તેનો ઉલ્લેખ મુખ્યમંત્રીએ આ તકે કર્યો હતો. તેમણે ઉમેર્યુ કે, કલેક્ટરો પાસે વિશાળ સત્તાઓ છે અને લોક કલ્યાણના કામો માટે જ આપણે બેઠા છીએ ત્યારે ચિંતામુક્ત રહીને સ્પષ્ટતા અને સંવેદના સાથે પ્રશ્નોનું નિવારણ થાય તે જ આપણું દાયિત્વ હોવું જોઈએ.


રીલ જોઈને ‘ડબલ પૈસા’ના ચક્કરમાં ફસાયા વિદ્યાર્થીઓ : વડોદરાની ખાનગી યુનિવર્સિટીના 5 સ્ટુડન્ટ નકલી નોટ કેસમાં જેલભેગા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસૂલી અધિકારીઓને તેમની પાસે આવતા લોકોને કોઈ ખચકાટ ન રહે અને સંતોષની અનુભૂતિ થાય તેવા વર્તન-વ્યવહાર હસતા મ્હોએ કરવાની પણ શીખ આપી હતી. આ અંગે તેમણે દાદા ભગવાનના બોધને ટાંકતા જણાવ્યું કે, દુનિયા કઈ રીતે ચાલે છે તે સમજણ આપણે કેળવવી પડે અને બધું હું જ કરું છું તેવો આત્મશ્લાઘા ભાવ ત્યજીને સૌ સાથે મળીને કામ કરવાના વલણથી જ સમસ્યાઓનું સમાધાન થઈ શકે. મુખ્યમંત્રીએ રાજ્યના વિકાસમાં મહેસૂલ વિભાગ અને જિલ્લા કલેક્ટરોના યોગદાનની પ્રશંસા કરતા કહ્યું કે, નાગરિકોની સમસ્યાના નિવારણ માટે ઝીરો ટોલરન્સની દિશામાં સૌ સાથે મળીને સામૂહિક ચિંતન-મંથનથી કાર્યરત રહીએ. તેમણે વિકસિત ભારત 2047ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા સંકલ્પને વિકસિત ગુજરાતથી સાકાર કરવા સંપૂર્ણ કાર્યનિષ્ઠા અને જનસેવાની પ્રતિબદ્ધતા સાથે સેવારત રહેવાનું પ્રેરક આહવાન પણ શિબિરાર્થીઓને કર્યું હતું. ચિંતન શિબિરના શુભારંભ પ્રસંગે પૂજ્ય દીપક દેસાઈએ કર્મ અને સેવા સાથે આદ્યાત્મને જોડવા રાજ્ય સરકારના મહેસૂલી અધિકારી-કર્મચારીઓને પ્રોત્સાહિત કરતું પ્રેરણાદાયી પ્રવચન કર્યું હતું.

આધ્યાત્મ, વ્યવહાર તથા આચાર- વિચાર વિશે પૂજ્ય શ્રી દીપકભાઈએ પોતાનું દ્રષ્ટાંત રજૂ કરતા કહ્યું હતું કે, કર્મના સિદ્ધાંતો તથા કાર્યના હેતુને જાણીને દાદા ભગવાને આપેલા વિચારો જેવા કે, ચોરી ન કરવી, સેવા ભક્તિના માર્ગ પર ચાલવું, પરોપકાર કરવો, દાન કરવું, શુદ્ધ વ્યવહાર, કર્મને સમજવુ, સ્વ-કર્મને સમજીને વ્યવહાર જ્ઞાન મેળવવું તથા ધર્મ અને સંસ્કાર સાથેના માર્ગ પર ચાલવું ખૂબ જ જરૂરી છે. તેમણે સામાન્ય જીવનમાં મહત્વ ધરાવતા આર્થિક વ્યવહારો વિશે નીતિથી લક્ષ્મી મેળવવા, માતા-પિતા સાથેના વ્યવહાર, કોઈપણને લેશમાત્ર નુકસાન કે દુઃખ ન પહોંચે તે રીતે વ્યવહાર કરવા અને ક્રોધ-લોભ-માયાથી મુક્ત થવા અને પૂર્વજન્મના કર્મ તથા જન્મ-મરણના ચક્રમાંથી બહાર નીકળવાના ઉદ્દેશ્ય સાથે જીવન જીવવા વિશેની પ્રેરણા આપી હતી.

મહેસૂલ રાજ્ય મંત્રી સંજયસિંહ મહીડાએ જણાવ્યું હતું કે, વહીવટી પ્રક્રિયાને નાગરિકોની સેવા ગણીને છેવાડાના માનવીના પ્રશ્નો ઉકેલવા એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. ગુજરાત સરકારે IORA અને ઇ-ધરા જેવા માધ્યમો દ્વારા 'ફેસલેસ' અને 'પેપરલેસ' ગવર્નન્સ અપનાવી ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સાધ્યું છે. ઉદ્યોગો અને જાહેર હેતુઓ માટે જમીન ફાળવણીમાં 'ઝીરો ડીલે'ની નીતિ અને પારદર્શક વહીવટને કારણે ગુજરાત આજે વૈશ્વિક રોકાણકારો માટે પ્રથમ પસંદગીનું રાજ્ય બન્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ભૂતકાળની રીસર્વેની ક્ષતિઓ સુધારવા માટે હવે ડ્રોન ટેક્નોલોજી અને સેટેલાઇટ ઇમેજરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ૧૩૫-ડીની નોટિસ, વારસાઈ હક અને હકપત્રકની પ્રક્રિયાઓને વધુ સરળ અને ઝડપી બનાવવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'ઝીરો ટોલરન્સ' નીતિના વિઝન સાથે, જમીનના રેકોર્ડ્સનું રિયલ ટાઈમ અપડેટ અને સંપૂર્ણ ડિજિટલાઇઝેશન કરી, જૂના કાયદાઓમાં આધુનિક સુધારાઓથી ગુજરાતને વધુ ઉન્નત બનાવ્યું છે.

મુખ્ય સચિવ મનોજકુમાર દાસે મહેસૂલી તંત્રની કામગીરીને બિરદાવતા વિકસિત ભારત@૨૦૪૭ના લક્ષ્યને સાકાર કરવા માટે ટેકનોલોજી અને પારદર્શિતા અપનાવવા પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, છેલ્લા થોડા સમયમાં મહેસૂલ વિભાગે વિકાસ પ્રોજેક્ટ્સ માટે જમીન ફાળવણીની કામગીરીમાં રેકોર્ડબ્રેક પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને રિન્યુએબલ એનર્જી, વિન્ડ એનર્જી અને સોલર સેક્ટરમાં ગુજરાત આજે દેશમાં અગ્રેસર છે, તેના મૂળમાં મહેસૂલ વિભાગનો મહત્વપૂર્ણ ફાળો છે.

ગુજરાત બોર્ડ ધોરણ-10નું પરિણામ આવતીકાલે સવારે 8 વાગ્યે જાહેર થશે : કેવી રીતે ચેક કરશો? વોટ્સએપથી પણ મળશે રિઝલ્ટ

દાસે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રીએ વહીવટી પ્રક્રિયાને વધુ સુદ્રઢ બનાવવા જિલ્લાઓમાં એડિશનલ કલેક્ટરની નવી જગ્યાઓ મંજૂર કરી છે. આ ઉપરાંત મહેસૂલી તંત્રના પાયાના માળખાને મજબૂત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા તલાટી અને સર્વેયરની નવી ભરતી પણ કરવામાં આવી છે. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિએ ચિંતન શિબિરના સંપૂર્ણ આયોજન અંગેની વિસ્તૃત ભૂમિકા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, વહીવટમાં માત્ર લોજિક કે વિજ્ઞાન જ નહીં, પરંતુ આંતરિક સંતુલન અને આધ્યાત્મિક ઉર્જાનો સમન્વય અનિવાર્ય છે. દાદા ભગવાનના સાનિધ્યમાં આ શિબિર યોજવાનો હેતુ એ જ છે કે, અધિકારીઓ આધ્યાત્મિક ઉર્જા સાથે પોતાના કર્તવ્યને એક 'યોગ' સમજી કામ કરે, તેથી ગમે તેવા પડકારો વચ્ચે પણ કામ કરવાની અપાર શક્તિ પ્રાપ્ત થાય.

ભારતમાં કલેક્ટર સંસ્થાના ૨૫૪ વર્ષના ગૌરવશાળી ઇતિહાસનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે, આજે પણ જનમાનસમાં કલેક્ટરની એક વિશિષ્ટ ઓળખ છે. નવા નાણાંકીય વર્ષના પ્રારંભે આ શિબિર યોજવા પાછળનું કારણ વહીવટમાં વધુ ચોકસાઈ અને પારદર્શિતા લાવવાનું છે. આ શિબિર માત્ર ચર્ચા પૂરતી મર્યાદિત ન રહેતા, મહેસૂલ વિભાગમાં એક ગુણાત્મક પરિવર્તન લાવશે, જેનો સીધો લાભ રાજ્યના નાગરિકોને મળશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now