Home Gujarat Surat Surat Nasir Nagar Demolition Commissioner Statement High Court

સુરતના નાસીરનગરમાં કોર્પોરેશને જ કર્યું હતું ડિમોલિશન : સુરતના મ્યુનિસિપલ કમિશ્નરે મોડે મોડે કબુલ્યું, 'ડિમોલિશન ખાનગી કે બિનઅધિકૃત નહોતું'

સુરત નાસીરનગર ડિમોલિશન
Published by: Dviti Panchal
Last Updated: Jun 20, 2026, 05:45 PM IST

સુરત: કથિત નકલી ડિમોલિશનના આરોપો વચ્ચે સુરત પાલિકા કમિશ્નરે આપ્યું મહત્વપૂર્ણ નિવેદન, મામલો હાલ ગુજરાત હાઇકોર્ટમાં હોવાથી વધુ ટિપ્પણીથી દૂર રહ્યા

સુરતના નાસીરનગર વિસ્તારમાં કથિત નકલી ડિમોલિશન મામલે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા વિવાદ વચ્ચે સુરત મહાનગર પાલિકાના કમિશ્નરે મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. કમિશ્નરે જણાવ્યું છે કે જે ડિમોલિશનની કામગીરી અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે, તે કામગીરી સુરત મહાનગર પાલિકા દ્વારા જ કરવામાં આવી હતી અને તે કોઈ ખાનગી અથવા બિનઅધિકૃત કાર્યવાહી નહોતી.

કમિશ્નરના જણાવ્યા અનુસાર, લાઇનદોરીના અમલીકરણ અને ડીમાર્કેશનની કામગીરી દરમિયાન પાલિકા દ્વારા નિયમિત પ્રક્રિયાના ભાગરૂપે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેથી આ સમગ્ર પ્રક્રિયાને ‘નકલી ડિમોલિશન’ તરીકે રજૂ કરવાના દાવાઓ અંગે પાલિકાનું વલણ સ્પષ્ટ છે.

મામલો હાઇકોર્ટમાં, પાલિકા પણ પક્ષકાર

પાલિકા કમિશ્નરે વધુમાં જણાવ્યું કે આ સમગ્ર મુદ્દો હાલમાં ગુજરાત હાઇકોર્ટમાં વિચારાધીન છે. આથી કોર્ટમાં કેસ પેન્ડિંગ હોવાના કારણે જાહેરમાં વધુ વિગતવાર ચર્ચા કરવી અથવા મામલાના ગુણદોષ અંગે ટિપ્પણી કરવી યોગ્ય ગણાતી નથી. તેમણે કહ્યું કે સુરત મહાનગર પાલિકા પણ આ અરજીમાં પક્ષકાર તરીકે સામેલ છે અને હાઇકોર્ટ સમક્ષ જે કોઈ જરૂરી દસ્તાવેજો, પુરાવા અથવા રજૂઆતો કરવાની રહેશે તે કાયદેસરની પ્રક્રિયા મુજબ કરવામાં આવશે. પાલિકા કોર્ટ સમક્ષ પોતાનો પક્ષ મજબૂત રીતે રજૂ કરશે. કમિશ્નરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ગુજરાત હાઇકોર્ટ દ્વારા જે પણ અંતિમ નિર્ણય આપવામાં આવશે તેનું સંપૂર્ણ અને ચુસ્ત પાલન કરવામાં આવશે. પાલિકા કાયદા અને ન્યાયિક પ્રક્રિયા પ્રત્યે પ્રતિબદ્ધ છે અને કોર્ટના આદેશોને સર્વોચ્ચ માનશે.

રાજકીય માહોલ ગરમાયો

નાસીરનગર ડિમોલિશન મુદ્દો માત્ર વહીવટી કાર્યવાહી પૂરતો મર્યાદિત રહ્યો નથી, પરંતુ તે રાજકીય ચર્ચાનું કેન્દ્ર પણ બની ગયો છે. છેલ્લા કેટલાક દિવસોમાં આ મુદ્દે વિવિધ રાજકીય પક્ષોના નેતાઓએ એકબીજા સામે આક્ષેપો અને પ્રત્યારોપો કર્યા હતા. કેટલાક નેતાઓ જાહેર મંચો પર સામસામે આવી ગયા હતા અને મામલો વધુ ગરમાયો હતો.

આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન ડિમોલિશનની કામગીરીને લઈને અનેક પ્રકારના દાવાઓ અને પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. જોકે પાલિકા કમિશ્નરના તાજેતરના નિવેદન બાદ પાલિકાનું સત્તાવાર વલણ હવે સ્પષ્ટ રીતે સામે આવ્યું છે. કમિશ્નરે પરોક્ષ રીતે રાજકીય વિવાદો પર પણ ટિપ્પણી કરતાં જણાવ્યું કે કેટલાક લોકો દ્વારા આ મુદ્દાનો ઉપયોગ રાજકીય લાભ મેળવવા અથવા પોતાનો રાજકીય રોટલો શેકવાના પ્રયાસ તરીકે કરવામાં આવ્યો હોવાનું દેખાઈ રહ્યું છે. જોકે તેમણે કોઈ વ્યક્તિ કે પક્ષનું નામ લીધું નહોતું.

હવે નજર હાઇકોર્ટના નિર્ણય પર

હાલ સમગ્ર વિવાદનો અંતિમ નિર્ણય ગુજરાત હાઇકોર્ટના હાથમાં છે. કોર્ટમાં બંને પક્ષો દ્વારા રજૂ થનારા પુરાવા અને દલીલો બાદ જ મામલાની કાનૂની સ્થિતિ વધુ સ્પષ્ટ થશે. ત્યાં સુધી પાલિકાની સત્તાવાર સ્પષ્ટતા અને કોર્ટની કાર્યવાહી આ કેસના સૌથી મહત્વના પાસા રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now