સુરતના જ્વેલરી હબ ગણાતા મહિધરપુરા વિસ્તારમાં 67.78 લાખ રૂપિયાની સોનાની છેતરપિંડીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જી.સી. જવેલર્સના નામે વેપાર કરતા દંપતિએ ત્રણ અલગ-અલગ વેપારીઓ પાસેથી 445 ગ્રામ 24 કેરેટ સોનું દાગીના બનાવી આપવાના બહાને લીધા બાદ પરત ન આપતા અને બાદમાં દુકાન બંધ કરી ફરાર થઈ જતા વેપારી વર્તુળમાં ખળભળાટ મચી ગયો છે.
આ મામલે મહિધરપુરા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપી દંપતિની શોધખોળ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ વિશ્વાસ કેળવી વેપારીઓ પાસેથી લાખો રૂપિયાનું સોનું મેળવ્યું હતું.
દાગીના બનાવવાના બહાને લીધું 445 ગ્રામ સોનું
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મહિધરપુરાના હરીપુરા વિસ્તારમાં પીછરડી રોડ પર આવેલા જી.સી. જવેલર્સ નામના વ્યવસાય સાથે સંકળાયેલા પશ્ચિમ બંગાળના રહેવાસી નયન ઉર્ફે બિંદુ કૃષ્ણ શિલ અને તેની પત્ની દીપા શિલ સામે છેતરપિંડીના ગંભીર આક્ષેપો થયા છે.
ફરિયાદ મુજબ શિલ દંપતિએ માર્ચ 2025 દરમિયાન દાગીનાની ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગનો વ્યવસાય કરતા હોવાનો વિશ્વાસ આપીને ત્રણ વેપારીઓ પાસેથી કુલ 445 ગ્રામ 24 કેરેટ સોનું લીધું હતું.
વેપારીઓને દાગીના તૈયાર કરી પરત આપવાની ખાતરી આપવામાં આવી હતી. જોકે સમય પસાર થવા છતાં દાગીના તૈયાર કરીને આપવામાં આવ્યા નહોતા અને મૂળ સોનું પણ પરત કરવામાં આવ્યું નહોતું.
આ પણ વાંચો: ડભોઈમાં પ્રેમલગ્નની અદાવતનો ખૂની ખેલ : 20 લોકોનું ટોળું ઘરમાં ઘૂસ્યું, પરિણીતાનું અપહરણ કરી પરિવારને લોહીલુહાણ કર્યો
ત્રણ વેપારીઓ બન્યા ભોગ
ફરિયાદમાં જણાવ્યા મુજબ લલીત અગ્રવાલ પાસેથી 290 ગ્રામ 24 કેરેટ સોનું લેવામાં આવ્યું હતું, જેની બજાર કિંમત અંદાજે 44.48 લાખ રૂપિયા થાય છે.
તે ઉપરાંત ઉમાકાંત ગુપ્તા પાસેથી 100 ગ્રામ 24 કેરેટ સોનું લેવામાં આવ્યું હતું, જેની કિંમત અંદાજે 15.50 લાખ રૂપિયા હતી.
જ્યારે અક્ષય બેરી પાસેથી 55 ગ્રામ સોનું લેવામાં આવ્યું હતું, જેની કિંમત લગભગ 7.80 લાખ રૂપિયા થાય છે.
આ રીતે કુલ 445 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 67.78 લાખ રૂપિયા જેટલી થાય છે.
આ પણ વાંચો: મોહરર્મ દરમિયાન મારામારીનો વીડિયો વાયરલ : ભોજન મુદ્દે સર્જાયો વિવાદ, મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો
વારંવાર માગણી છતાં આપતા રહ્યા ખોટા વાયદા
વેપારીઓએ આરોપી દંપતિને વારંવાર સોનું અથવા તૈયાર દાગીના પરત આપવા માટે સંપર્ક કર્યો હતો. શરૂઆતમાં આરોપીઓ વિવિધ કારણો દર્શાવી સમય માંગતા રહ્યા હતા.
ફરિયાદ મુજબ શિલ દંપતિ દ્વારા વારંવાર ખોટા વાયદા અને બહાનાં આપવામાં આવતા હતા. જોકે લાંબા સમય સુધી દાગીના કે સોનું પરત ન મળતા વેપારીઓને શંકા ગઈ હતી.
અંતે જ્યારે વેપારીઓએ ફરી સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપીઓ દુકાન અને રહેઠાણ બંને સ્થળેથી ગાયબ હોવાનું સામે આવ્યું હતું.
દુકાન બંધ કરી રફુચક્કર
સ્થાનિક વેપારીઓના જણાવ્યા મુજબ આરોપી દંપતિએ અચાનક પોતાનો વ્યવસાય બંધ કરી દીધો હતો. ત્યારબાદ તેમનો કોઈ સંપર્ક થયો ન હતો.
આ ઘટનાએ મહિધરપુરાના જ્વેલરી વેપારીઓમાં ચિંતા ઉભી કરી છે. સોનાના વ્યવસાયમાં વિશ્વાસના આધારે થતી લેવડદેવડમાં આ પ્રકારની ઘટનાએ વેપારીઓને વધુ સતર્ક રહેવા મજબૂર કર્યા છે.
આ પણ વાંચો: વડોદરાની સરદાર કોલોનીમાં તલવાર-હોકી સાથે ખુલ્લેઆમ યુદ્ધ! : બે જૂથો વચ્ચે હિંસક અથડામણ, અનેક ઈજાગ્રસ્ત
કર્મચારીએ નોંધાવી ફરિયાદ
આ સમગ્ર મામલે લલીત અગ્રવાલની પેઢીમાં કાર્યરત વિકાસ અશોકકુમાર અગ્રવાલ, રહે. રોયલ રેસીડેન્સી, આનંદમહલ રોડ, અડાજણ દ્વારા મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ફરિયાદના આધારે પોલીસે નયન ઉર્ફે બિંદુ કૃષ્ણ શિલ અને તેની પત્ની દીપા શિલ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.
પોલીસે શરૂ કરી તપાસ
મહિધરપુરા પોલીસ હવે આરોપી દંપતિના સંભવિત ઠેકાણાઓ અંગે તપાસ કરી રહી છે. આરોપીઓ પશ્ચિમ બંગાળના હોવાને કારણે અન્ય રાજ્યોમાં પણ તપાસનો વ્યાપ વધારવામાં આવી શકે છે.
પોલીસ વેપારીઓ પાસેથી લેવાયેલા સોનાની હેરફેર થઈ છે કે નહીં અને અન્ય કોઈ વેપારીઓ પણ આ પ્રકારની છેતરપિંડીના ભોગ બન્યા છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરી રહી છે.
જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોનું માનવું છે કે આ કેસમાં ઝડપથી કાર્યવાહી થાય તો અન્ય સંભવિત પીડિતો પણ સામે આવી શકે છે.





