Home Gujarat Surat Nasir Nagar Demolition Case Surat Bjp Kanu Desai Press Conference

સુરત ભાજપની પ્રેસ કોન્ફરન્સમાં ગરમાયો માહોલ : કચરા કૌભાંડથી નાસીરનગર સુધી, પત્રકારોના સવાલો સામે નેતાઓ રહ્યા મૌન

Surat Ghost Demolition
Published by: Nirali Gohil
Last Updated: Jun 20, 2026, 11:27 AM IST

Surat Ghost Demolition Case: સુરતના નાસીરનગર વિસ્તારમાં ચર્ચાસ્પદ બનેલા 'ભૂતિયા' ડિમોલિશન કાંડને લઈને રાજકીય ગરમાવો વધતો જઈ રહ્યો છે. આ મામલે શહેર ભાજપ દ્વારા આયોજિત પત્રકાર પરિષદ દરમિયાન પત્રકારોએ સીધા અને તીખા પ્રશ્નો ઉઠાવ્યા હતા. જોકે, ઉપસ્થિત ભાજપના મોટા ભાગના આગેવાનો સવાલોના સીધા જવાબ આપવાનું ટાળતા જોવા મળ્યા હતા. પત્રકારોના સતત સવાલો વચ્ચે કેટલાક નેતાઓએ ગોળગોળ જવાબ આપ્યા બાદ પરિષદમાંથી નીકળી જવાનું પસંદ કર્યું હતું. તાજેતરમાં નાસીરનગર ડિમોલિશન મામલો અને કચરા કૌભાંડને લઈને શહેરના રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે. આ બંને મુદ્દાઓને લઈને વિપક્ષ પણ સત્તાધારી પક્ષ પર સતત પ્રહાર કરી રહ્યો છે. આવી સ્થિતિમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં મીડિયાએ ભાજપના નેતાઓ પાસેથી સ્પષ્ટતા માંગવાનો પ્રયાસ કર્યો હતો.

નાણામંત્રી કનુ દેસાઈને પૂછાયા સીધા પ્રશ્નો

પત્રકાર પરિષદ દરમિયાન ગુજરાત સરકારના નાણામંત્રી કનુ દેસાઈ સહિત ભાજપના અન્ય આગેવાનો હાજર રહ્યા હતા. નાસીરનગરના કથિત ડિમોલિશન કાંડ અંગે પ્રશ્ન પૂછાતા કનુ દેસાઈએ જણાવ્યું હતું કે મામલો હાલ કોર્ટમાં વિચારાધીન હોવાથી તેના વિશે કોઈ ચોક્કસ અથવા સત્તાવાર નિવેદન આપવું યોગ્ય રહેશે નહીં. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "મામલો કોર્ટમાં હોવાથી અમે તેના પર કોઈ વૈજ્ઞાનિક કે તથ્ય આધારિત ટિપ્પણી કરી શકીએ નહીં." તેમના આ નિવેદન બાદ પણ પત્રકારોએ વધુ સ્પષ્ટતા માંગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અન્ય નેતાઓએ આ મુદ્દે મૌન જાળવ્યું હતું.

આ પણ વાંચો: સુરતના નાસીર નગર કથિત નકલી ડિમોલિશન મામલે રાજનીતિ ગરમાઈ! : કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ CM ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર, જાણો શું માગ કરી

કચરા કૌભાંડ મુદ્દે પણ સવાલોનો મારો

પત્રકારોએ શહેરમાં ચર્ચાસ્પદ બનેલા કચરા કૌભાંડ મુદ્દે પણ ભાજપના નેતાઓને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. આ મુદ્દે જવાબ આપતા નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે અને તપાસ પૂર્ણ થયા બાદ જવાબદાર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, "તપાસ એજન્સીઓ પોતાનું કામ કરી રહી છે. તપાસના અંતે જો કોઈ દોષિત સાબિત થશે તો તેને છોડવામાં નહીં આવે." જોકે, તપાસની સ્થિતિ, સમયમર્યાદા અથવા સંભવિત જવાબદારો અંગે વધુ માહિતી આપવામાં આવી નહોતી.

રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ

પત્રકાર પરિષદ દરમિયાન સવાલોના સ્પષ્ટ જવાબ ન મળતા રાજકીય વર્તુળોમાં અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ છે. વિરોધ પક્ષો આ ઘટનાને લઈને ભાજપ પર પ્રહાર કરી રહ્યા છે, જ્યારે સત્તાધારી પક્ષ કોર્ટ પ્રક્રિયા અને ચાલુ તપાસનો હવાલો આપી રહ્યો છે. નાસીરનગર ડિમોલિશન કાંડ અને કચરા કૌભાંડ બંને મુદ્દાઓ આગામી દિવસોમાં સુરતની રાજનીતિમાં વધુ ગરમાવો લાવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે તપાસના પરિણામો અને કોર્ટની કાર્યવાહી બાદ જ સમગ્ર મામલે વધુ સ્પષ્ટ ચિત્ર સામે આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now