Home Gujarat Farmers In Surendranagar Demand To Shift Their Crop To Rann Due To The Menace Of Ghudkhaa

સુરેન્દ્રનગરમાં ઘુડખરના ત્રાસથી ખેડૂતો પાયમાલ! : 25 તારીખ સુધીમાં ઉકેલ નહીં આવે તો મહાસંમેલન અને આંદોલનની ચીમકી

સુરેન્દ્રનગરમાં ઘુડખરના ત્રાસથી ખેડૂતો પાયમાલ!
Published by: OBS Bureau
Last Updated: Mar 17, 2026, 01:09 PM IST

Surendranagar News: જિલ્લાના લખતર અને પાટડી તાલુકાના સરહદી ગામોમાં ખેડૂતો હાલ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આ વિસ્તારમાં જંગલી ગધેડા એટલે કે ઘુડખરના ત્રાસને કારણે તૈયાર પાકનો સોથ વળી રહ્યો છે. તંત્ર સમક્ષ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા, હવે ખેડૂતોએ આરપારની લડાઈ લડવાનો નિર્ણય કર્યો છે.

એકીસાથે 300ના ટોળા ઉતરી આવે છે ખેતરમાં

પાટડી અને લખતર તાલુકાના ધણાદ સહિતના આસપાસના ગામોમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, રાત્રિના સમયે એકીસાથે 300 જેટલા ઘુડખરના ટોળા ખેતરોમાં ત્રાટકે છે. લાખો રૂપિયાના ખર્ચે અને અથાગ મહેનતથી કરેલી વાવણી પર આ પ્રાણીઓ ફરી વળે છે, જેના કારણે ખેડૂતોને આર્થિક પાયમાલીનો સામનો કરવો પડી રહ્યો છે.

કાયદાના કારણે ખેડૂતો લાચાર

ઘુડખર એ વન્યજીવ સંરક્ષણ ધારા હેઠળ રક્ષિત પ્રાણી હોવાથી ખેડૂતો તેમને ઈજા પહોંચાડી શકતા નથી કે પજવણી કરી શકતા નથી. આ કાયદાકીય મર્યાદાનો લાભ લઈને ઘુડખરો બેફામ બન્યા છે અને ખેડૂતો લાચાર બનીને પોતાનો પાક ઉજ્જડ થતો જોઈ રહ્યા છે. સ્થાનિક ખેડૂતે જણાવ્યું હતું કે અમે અવારનવાર RFO, DFO, કલેક્ટર અને મામલતદારને લેખિતમાં રજૂઆત કરી છે કે આ ઘુડખરોને તેમના અસલ રહેઠાણ એટલે કે કચ્છના રણમાં ખસેડવામાં આવે. પરંતુ તંત્ર માત્ર આશ્વાસન આપે છે, કોઈ નક્કર કાર્યવાહી કરતું નથી."

25 તારીખનું અલ્ટીમેટમ: મહા આંદોલનની તૈયારી

તંત્રની નિષ્ક્રિયતા સામે રોષે ભરાયેલા ખેડૂતોએ હવે આખરી નિર્ણય લીધો છે. જો આગામી 25 તારીખ સુધીમાં વન વિભાગ દ્વારા ઘુડખરોને રણ વિસ્તારમાં ખસેડવા માટે કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે, તો ખેડૂતો દ્વારા મહા ખેડૂત સંમેલન બોલાવવામાં આવશે. ખેડૂતોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો પાક નહીં બચે તો ખેતી છોડવા સિવાય કોઈ રસ્તો નથી, અને આ માટે તેઓ ઉગ્ર આંદોલન પણ કરશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now