Home Gujarat A Woman End Ed Her Life By Hang Ing Her Self From A Banyan Tree In Warsia Vadodara

વડોદરાના વારસિયામાં વડના ઝાડ પર ગળેફાંસો ખાઈ મહિલાએ જીવન ટૂંકાવ્યું : પરિવારમાં શોકનો માહોલ

વડોદરાના વારસિયામાં વડના ઝાડ પર ગળેફાંસો ખાઈ મહિલાએ જીવન ટૂંકાવ્યું
Published by: OBS Bureau
Last Updated: Mar 17, 2026, 10:43 AM IST

Vadodara : સંસ્કારી નગરી વડોદરાના વારસિયા રિંગ રોડ વિસ્તારમાં આજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વારસિયાના નિધિ ફ્લેટ પાછળ રહેતી 33 વર્ષીય પરિણીતાએ શ્રી માઈમાતા મંદિર પાસે આવેલા વડના ઝાડ પર દોરડું બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ભરચક વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

ઘટનાની વિગત

મળતી માહિતી અનુસાર, મૃતક ધનસાબેનના પતિ હસમુખભાઈ ચુનારા જૂના સોફા ખરીદી, તેને રિપેર કરીને વેચવાનો વ્યવસાય કરે છે. પત્ની ધનસાબેન પણ આ કામમાં તેમને પૂરતી મદદ કરતા હતા. આ ઉપરાંત આ પરિવાર પશુપાલન સાથે પણ જોડાયેલો છે. સોમવારે (16 મી માર્ચ) જ હસમુખભાઈ હૈદરાબાદથી અઢી લાખ રૂપિયાની કિંમતની બકરી અને તેનું બચ્ચું ખરીદીને લાવ્યા હતા. તેઓ તેમના પરિવાર સાથે નિધિ ફ્લેટ પાછળના વિસ્તારમાં રહેતા હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ધનસાબેન અવારનવાર પશુઓના ઘાસચારા માટે મંદિર પાસે આવેલા ઝાડની ડાળખીઓ કાપવા આવતા હતા. જોકે, આજે સવારે તેમણે અકળ કારણોસર વડના ઝાડ પર ગળેફાંસો ખાઈ લેતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું.

પોલીસની ત્વરિત કાર્યવાહી

ઘટનાની જાણ થતાં જ 112 જનરક્ષક અને વારસિયા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. સ્થાનિક સામાજિક કાર્યકર મોરેશ્વર ઇંગ્લેએ જણાવ્યું હતું કે, "ઘટનાની જાણ થતાં જ મેં પોલીસને સૂચના આપી હતી. પોલીસની હાજરીમાં મૃતદેહને નીચે ઉતારવામાં આવ્યો હતો." પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

પરિવારમાં આક્રંદ : ચાર બાળકો નિરાધાર

ધનસાબેનના લગ્ન વર્ષ 2011 માં થયા હતા અને તેમને ચાર સંતાનો છે. માતાના આ અચાનક અને આઘાતજનક પગલાથી ચારેય બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે. હોસ્પિટલ અને ઘટનાસ્થળે પરિવારજનોના હૈયાફાટ રુદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.

તપાસનો વિષય

પરિણીતાએ આટલું અંતિમ પગલું કેમ ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. વારસિયા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આપઘાત પાછળના સાચા કારણો શોધવા તપાસ હાથ ધરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now