કચ્છના પડાણા ગામ નજીક આવેલી રુદ્રાક્ષ કેમિકલ કંપનીમાં થયેલી દુર્ઘટનાએ ફરી એકવાર ઔદ્યોગિક સુરક્ષા વ્યવસ્થાની કમજોરીઓને ખુલ્લી પાડી છે. મળતી માહિતી પ્રમાણે આ દુર્ઘટનામાં કંપનીમાં કામ કરતા બે શ્રમિકોના મોત થયા છે. દુઃખદ બાબત એ છે કે, આ ઘટના વેલ્ડિંગ કાર્ય દરમિયાન બની હોવાનું પ્રાથમિક તારણ છે.
'બોઈલર ફાટવાથી જોરદાર ધડાકો થયો હતો'
સૂત્રોના જણાવ્યા મુજબ, 'કંપનીમાં બોઈલર ફાટવાથી જોરદાર ધડાકો થયો હતો, સ્થાનિક લોકોએ પણ ઘટનાસ્થળે ભારે અવાજ થવાનો અનુભવ કર્યો હતો, આ જોરદાર ધડાકાથી આસપાસના વિસ્તારમાં અફરા-તફરી ફેલાઈ ગઈ હતી'.
ઘટનાઓને છુપાવવાનો પ્રયાસ
ઘટનાની ગંભીરતા એ રીતે પણ વધી છે કે, સ્થળ પર હાજર લોકોનો આરોપ છે કે કંપની દ્વારા બહારના લોકો કે મીડિયાને અંદર પ્રવેશ કરવાની મંજૂરી આપવામાં આવી નહોતી. આ રીતે ઘટનાઓને છુપાવવાનો પ્રયાસ શંકાને જન્મ આપે છે.
શ્રમિકો પાસે યોગ્ય સુરક્ષા સાધનો કેમ નહોતા?
આ દુર્ઘટનાને લઈને સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થયો છે કે શ્રમિકો પાસે યોગ્ય સુરક્ષા સાધનો કેમ નહોતા? જેમ કે સેફ્ટી હારનેસ, હેલ્મેટ શ્રમિકોને કેમ પૂરા પાડવામાં આવ્યા નહોતા? સ્થાનિક સ્તરે સલામતી માટે જવાબદાર સેફ્ટી ઓફિસર તથા ઔદ્યોગિક નિયામન તંત્રની ભૂમિકા પર પણ સવાલ ઊભા થયા છે.