પાલનપુર-રાધનપુર નેશનલ હાઇવે પર એક દિલ દહોળી નાખનાર અકસ્માત સર્જાયો હતો. મુડેઠા ખાતે યોજાયેલા અશ્વ દોડ કાર્યક્રમ દરમિયાન એક ઘોડો અચાનક કાબૂ બહાર થઈ જતાં વિખૂટો પડી ગયો હતો. આ ઘોડો સીધો હાઇવે તરફ દોડી ગયો અને આશરે બે મિનિટ સુધી રોંગ સાઈડમાં દોડતો રહ્યો. હાઇવે પર દોડતા ઘોડાને જોઈને વાહનચાલકોમાં પણ અફરાતફરી મચી ગઈ હતી.
અંતે સામેથી હાઇવે પર ઝડપે આવતી એક કાર સાથે ઘોડો અથડાઇ જાય છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટનાસ્થળે જ ઘોડાનું મોત થઈ ગયું હતું. અકસ્માત બાદ હાઇવે પર થોડોક સમય ટ્રાફિક જામ જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ હતી.
આ આખી ઘટના રસ્તા પરથી પસાર થતાં લોકોએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી હતી. દોડતા ઘોડા અને પછી થયેલી અથડામણનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનાને લઈને લોકોમાં ભારે ચર્ચા ચાલી રહી છે તો બીજી તરફ અશ્વપ્રેમીઓમાં ઘોડાના અચાનક મોતથી શોકની લાગણી છવાઈ ગઈ છે.