રાજ્યના માહિતી ખાતા દ્વારા દર વર્ષે પ્રકાશિત કરવામા આવતાં દીપોત્સવી અંકની પરંપરામાં આ વર્ષે ગુજરાતના સાહિત્ય, કલા, ઇતિહાસ, સાંસ્કૃતિક વિરાસત, સંસ્કાર વારસાને ‘ગુજરાત દીપોત્સવી અંક’ના માધ્યમથી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.
સાહિત્યકૃતિઓ દીપોત્સવી અંકમાં પ્રસિધ્ધ કરવામાં આવી
આ દીપોત્સવી અંકના વિમોચન અવસરે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, મુખ્યમંત્રીના અધિક અગ્રસચિવ અને માહિતી - પ્રસારણ વિભાગના સચિવ મતી અવંતિકા સિંઘ, માહિતી નિયામક કે. એલ. બચાણી, અધિક માહિતી નિયામક અરવિંદભાઇ પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ વર્ષે ગુજરાત દીપોત્સવી – 2081માં ગુજરાતના મુર્ધન્ય સાહિત્યકારોની સર્જનશીલ કલમે રજૂ થયેલા સાહિત્યની સૌરભથી વાચક મિત્રોનું મન પ્રફુલ્લિત બને તેવા ચિંતનાત્મક વિચારો, કાવ્યો, નવલિકાઓ, વિનોદિકાઓ, નાટિકાઓ સાથેનો સાહિત્ય રસથાળ પીરસવામાં આવ્યો છે. એટલું જ નહિં, ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકારોની સર્જનશીલ કલમે લખાયેલી સાહિત્યકૃતિઓ દીપોત્સવી અંકમાં પ્રસિધ્ધ કરવામાં આવી છે.
97 જેટલી કાવ્ય રચનાઓથી સંપન્ન
આ દળદાર અંક 27 અભ્યાસલેખો, 31 નવલિકાઓ, 17 વિનોદિકાઓ, 11 નાટિકા અને 97 જેટલી કાવ્ય રચનાઓથી સંપન્ન છે. સાથેસાથે પ્રકૃતિ, લોકજીવન અને માનવીય સંવેદનાઓને અભિવ્યક્ત કરતી 51 જેટલી રંગીન તસવીરો અને મનમોહક ચિત્રો આ અંકને વધુ નયનરમ્ય બનાવે છે.