સાબરકાંઠાના હિંમતનગર વિસ્તારમાં વિઝા કૌભાંડનો મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે હિંમતનગરના સિકંદર લોઢા અને તેના પુત્ર સહિત ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ વધુ એક નવી ફરિયાદ નોંધાઈ છે. હિંમતનગર ગ્રામ્ય પોલીસે આ મામલે અત્યાર સુધી કુલ પાંચ ફરિયાદો નોંધી છે. તાજેતરની ફરિયાદ બંગાળના એક યુવકે નોંધાવી છે. યુવકનો આક્ષેપ છે કે તેને વિદેશમાં મોકલી વર્ક પરમિટ વિઝા અપાવવાનું બહાનું બતાવીને તેની સાથે રૂ. 84.47 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, સિકંદર લોઢા અને તેની ટીમ દેશભરના અનેક યુવાનોને વિદેશમાં વર્ક પરમિટ અપાવવાની લાલચ આપતી હતી. આકર્ષક ઓફર અને ખોટા દાવા કરીને યુવાનો પાસેથી મોટી રકમ વસૂલ કરવામાં આવતી હતી. પરંતુ વિઝા કે વિદેશ મોકલવાની કોઈ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવતી નહોતી. પરિણામે અનેક યુવાનો આ ગેરકાયદેસર પ્રવૃત્તિનો ભોગ બન્યા છે.
આ મામલાની ગંભીરતા સામે આવતા SIT એ અગાઉ સિકંદર લોઢા અને તેના પુત્રની પ્રયાગરાજમાંથી ધરપકડ કરી હતી. એક બાદ એક સતત પાંચ ફરિયાદો નોંધાતા આ કૌભાંડનો વ્યાપ કેટલો મોટો છે તે બહાર આવી રહ્યું છે. પોલીસે હાલમાં વધુ તપાસ હાથ ધરી છે અને આવનારા દિવસોમાં હજુ વધુ પીડિતો આગળ આવીને ફરિયાદ નોંધાવશે તેવી શક્યતા છે. હિંમતનગરના આ વિઝા કૌભાંડને કારણે સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે અને યુવાનોમાં ભયનો માહોલ સર્જાયો છે.