આજે ગુજરાત ભાજપ માટે એક ઐતિહાસિક દિવસ છે. ગુજરાત ભાજપ પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માએ પદગ્રહણ કર્યું છે. તેઓ ગુજરાત ભાજપના 14મા પ્રદેશ પ્રમુખ બન્યા છે. આ પ્રસંગે કમલમ ખાતે વિશાળ પદગ્રહણ સમારોહ યોજાયો, જેમાં પાર્ટીના અનેક આગેવાનો, કાર્યકર્તાઓ અને સમર્થકો હાજર રહ્યા હતા.
''હું દિલથી માફી માગું છું''
આ પ્રસંગે પૂર્વ પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના સંબોધનમાં બહુજ લાગણીસભર ક્ષણો જોવા મળી હતી. પાટીલે ખુલ્લેઆમ માફી માગી અને કહ્યું કે, "મારા કેટલાક નિર્ણયોથી કોઈ દુ:ખી થયું હોય તો હું દિલથી માફી માગું છું."
''હું સ્વીકારું છું કે મેં કેટલાક એવા નિર્ણયો લીધા...''
સી આર પાટીલે કહ્યું કે, "હું સ્વીકારું છું કે મેં કેટલાક એવા નિર્ણયો લીધા હશે જેના કારણે કેટલાકને લાભ થયો અને કેટલાકને નુકશાન પણ થયું હશે. પરંતુ દરેક નિર્ણય પાર્ટીના હિતને ધ્યાનમાં રાખીને જ લીધા."
''...જેનો અફસોસ મને હંમેશા રહેશે"
સી આર પાટીલે વિધાનસભા ચુંટણીને લઈને પણ થોડું દુઃખ વ્યક્ત કરત કહ્યું કે, "જો આપણે 3 લાખ મત વધુ લાવ્યા હોત તો આજે 182 બેઠક મેળવી શક્યા હોત. 156 બેઠકો સુધી પહોંચ્યા અને પેટા ચૂંટણી બાદ તે સંખ્યા 162 થઈ, પણ 182 સુધી પહોંચી શક્યા નહી, જેનો અફસોસ મને હંમેશા રહેશે"
''આજે અશ્વમેધ યજ્ઞનો ઘોડો આગળ વધી રહ્યો છે"
સી આર પાટીલે નવી લીડરશીપ વિશે પણ આત્મવિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, "હવે જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપના સુકાની બન્યા છે. દરેક કાર્યકર્તા તેમનાં માર્ગદર્શન હેઠળ કાર્ય કરશે, આજે અશ્વમેધ યજ્ઞનો ઘોડો આગળ વધી રહ્યો છે."