દિવાળી પહેલા રાજ્યમાં લાંચલૂંટ રોકવા માટે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) વધુ એક્ટિવ બની છે. આજે ACBએ રાજ્યમાં બે જુદી જુદી જગ્યાએ એક સાથે કાર્યવાહી કરીને બે સરકારી અધિકારીઓને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડયા છે. બંને કેસોમાં સરકારી કામ માટે લાંચ માગવામાં આવી હતી અને જેની ફરીયાદ ACBને મળતા છટકું ગોઠવીને આરોપીઓને દબોચી લીધા છે
રેવન્યુ ક્લાર્ક રૂ.9 લાખની લાંચ લેતા ઝડપાયો
મહેસાણાની કલેક્ટર કચેરીમાં જમીન શાખા (N.A.) ટેબલ પર ફરજ બજાવતા વર્ગ-૩ ના વિશ્વજીત ખેંગારભાઇ કમલેકર નામના રેવન્યુ ક્લાર્કે ફરીયાદીની ખેતીવાડી જમીનને બિનખેતી (N.A.) ધોરણે મંજૂરી આપવા માટે લાંચ માગી હતી. સૌપ્રથમ તેમણે એક ચોરસફૂટના રૂ.50 પ્રમાણે કુલ રૂ.23,00,000ની માંગણી કરી હતી. ફરીયાદીએ રકઝક કરતા આ રકમ ધીમે ધીમે ઘટાડીને અંતે રૂ.9,00,000 આપવા પર નક્કી થયું હતું. ACBએ કાર્યવાહી કરીને આર.ટી.ઓ. સર્કલ પાસે, સુભાષ બ્રીજ, અમદાવાદ ખાતે રેવન્યુ ક્લાર્કને રંગે હાથ પકડી લીધો.
સબ રજીસ્ટ્રાર રૂ.2.5 લાખ લેતા ઝડપાયો
બીજી ઘટના સુરત શહેરના અડાજણ વિસ્તારમાં બની હતી, જ્યાં મહેશકુમાર રણજીતસિંહ પરમાર, સબ-રજીસ્ટ્રાર (વર્ગ-૩), લાંચ લેતા ઝડપાયા છે. ફરીયાદીના અસીલને ખેતીની જમીન ખરીદીને દસ્તાવેજ નોંધણી કરાવવી હતી. નિયમ મુજબ તમામ ફી ભરાઈ ચૂકી હતી, છતાં અધિકારીએ દસ્તાવેજે કોઈ વાંધા નહીં કાઢવામાં આવે અને ઓર્ડર સરળતાથી કરાશે તેના માટે રૂ.3,00,000ની લાંચની માંગણી કરી હતી. ACBના ટ્રેપ દરમિયાન તેમણે રૂ.2,50,000ની રકમ સ્વીકારી લેતા તેમને રંગે હાથે ઝડપી લેવામાં આવ્યા હતા.