Home Gujarat Attack With Knife On Student Who Passed Class 12th Exam In Deodar

સમગ્ર ઘટના CCTVમાં કેદ : દિયોદરમાં ધોરણ-12ની પરીક્ષા આપી બહાર નીકળેલા વિદ્યાર્થી પર છરી વડે હિંસક હુમલો

સમગ્ર ઘટના CCTVમાં કેદ
Published by: OBS Bureau
Last Updated: Mar 18, 2026, 12:18 PM IST

Banaskatha News: બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાંથી એક સનસનીખેજ ઘટના સામે આવી છે. દિયોદરના સોની ગામની હાઈસ્કૂલમાં બોર્ડની પરીક્ષા આપીને બહાર નીકળેલા એક વિદ્યાર્થી પર બે શખ્સોએ જાહેરમાં છરી વડે હિંસક હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. આ સમગ્ર હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

પરીક્ષા કેન્દ્રની બહાર જ ખેલાયો લોહિયાળ ખેલ

મળતી માહિતી મુજબ, ડીસાના નેસડા ગામનો 18 વર્ષીય વિદ્યાર્થી મહેશ ચૌધરી દિયોદરની સોની ગામની હાઈસ્કૂલમાં બોર્ડની પરીક્ષા આપવા આવ્યો હતો. ગઈકાલે પેપર પૂર્ણ કરીને જ્યારે મહેશ સ્કૂલની બહાર ઊભો હતો, ત્યારે અચાનક બે યુવકોએ તેના પર તીક્ષ્ણ હથિયાર (છરી) વડે હુમલો કરી દીધો હતો.

હુમલાનું કારણ અને ઈજાગ્રસ્તની હાલત

પ્રાથમિક અનુમાન મુજબ, આ હુમલો અંગત અદાવત રાખીને કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. હુમલામાં મહેશ ચૌધરીને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. ધોળા દિવસે થયેલા આ હુમલાને પગલે પરીક્ષા આપવા આવેલા અન્ય વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.

પોલીસ કાર્યવાહી

ઈજાગ્રસ્ત વિદ્યાર્થી મહેશ ચૌધરીએ હોસ્પિટલમાંથી જ હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. હુમલાખોરોના નામ વિષ્ણુ પરમાર અને રાહુલ રાઠોડ (રહે. નેસડા) છે. આ ઘટનાની ફરિયાદ દિયોદર પોલીસ મથકે નોંધાઈ છે. દિયોદર પોલીસે આ મામલે ગુનો નોંધી હુમલાખોરોની અટકાયત કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. જાહેરમાં થયેલા આ હુમલાના વીડિયોના આધારે પોલીસ વધુ પુરાવા એકઠા કરી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now