Home Gujarat Nia Isis Bio Terror Rizin Conspiracy Chargesheet

ISIS જોડાયેલા બાયો-ટેરર કાવતરામાં NIAની મોટી કાર્યવાહી : ત્રણ આરોપીઓ સામે ચાર્જશીટ

અડાલજથી ઝડપાયેલા આતંકવાદી
Published by: Chintan Chavda
Last Updated: May 06, 2026, 06:44 AM IST

દેશમાં જેહાદી બાયો-ટેરરિઝમના ગંભીર કાવતરાનો પર્દાફાશ કરતાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ISIS સાથે જોડાયેલા ત્રણ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. આરોપીઓ જાહેર સ્થળોએ નિર્દોષ લોકો પર જીવલેણ ઝેરનો ઉપયોગ કરીને મોટા પાયે આતંક ફેલાવવાનો ઇરાદો ધરાવતા હોવાનો NIAનો દાવો છે.

આ કેસમાં મુખ્ય આરોપી તરીકે હૈદરાબાદના ડો. સૈયદ અહેમદ મોહિયુદ્દીનનું નામ સામે આવ્યું છે, જ્યારે ઉત્તર પ્રદેશના આઝાદ અને મોહમ્મદ સુહેલ સહ-આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે. અમદાવાદ સ્થિત NIAની સ્પેશિયલ કોર્ટમાં ત્રણેય વિરુદ્ધ UAPA, ભારતીય ન્યાય સંહિતા (BNS) તથા આર્મ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, આરોપીઓ એરંડાના બીજમાંથી અત્યંત ઝેરી પદાર્થ તૈયાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ પદાર્થ ‘રાઈઝીન’ તરીકે ઓળખાય છે, જે વિશ્વના સૌથી ખતરનાક બાયોલોજિકલ ઝેરોમાં ગણાય છે. તપાસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે તેનો ઉપયોગ જાહેર સ્થળોએ સામૂહિક હુમલા માટે થવાનો હતો.

વિદેશી ISIS હેન્ડલર્સના માર્ગદર્શન હેઠળ ચાલતું કાવતરું

NIAના જણાવ્યા મુજબ, ત્રણેય આરોપીઓ વિદેશમાં બેઠેલા ISIS હેન્ડલર્સના સીધા સંપર્કમાં હતા. તેઓ સોશિયલ મીડિયા અને ગુપ્ત નેટવર્ક મારફતે યુવાનોને કટ્ટરપંથી બનાવવાનો પ્રયાસ કરતા હતા. સાથે જ ગેરકાયદેસર હથિયારો અને ઝેરી રસાયણોના ઉપયોગ દ્વારા દેશમાં આતંકી હુમલા કરવાની તૈયારી ચાલી રહી હતી.

તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ પોતાના કથિત એજન્ડાને આગળ વધારવા માટે કેમિકલ અને બાયોલોજિકલ ઝેરનો ઉપયોગ કરવાની યોજના ઘડી હતી. એરંડાના બીજમાંથી મળતું ‘રાઈઝીન’ ઝેર કેમિકલ વેપન્સ કન્વેન્શનના શેડ્યૂલ-1 હેઠળ અત્યંત જોખમી પદાર્થ તરીકે સૂચિબદ્ધ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેની હેરફેર અને ઉપયોગ પર કડક નિયંત્રણ છે.

ATS ની કાર્યવાહીથી ખુલ્યો આખો મામલો

આ કેસની શરૂઆત ગુજરાત ATS ની કાર્યવાહીથી થઈ હતી. નવેમ્બર 2025 માં ATS એ હૈદરાબાદના ડો. મોહિયુદ્દીનને એક ટોલ પ્લાઝા પરથી ઝડપી પાડ્યો હતો. તેની કારમાંથી ગેરકાયદેસર હથિયારો, ચાર લિટર એરંડાનું તેલ અને અન્ય શંકાસ્પદ સામગ્રી મળી આવી હતી.

પ્રાથમિક પૂછપરછ અને તપાસના આધારે ATS એ એ જ દિવસે અન્ય બે આરોપીઓ આઝાદ અને સુહેલની પણ ધરપકડ કરી હતી. ત્યારબાદ કેસની ગંભીરતા અને આંતરરાષ્ટ્રીય આતંકવાદી કડી સામે આવતા તપાસ NIAને સોંપવામાં આવી હતી.

રાજસ્થાનથી હથિયારો અને નાણાં મેળવ્યાનો આરોપ

તપાસમાં જાણવા મળ્યું છે કે આઝાદ અને સુહેલે રાજસ્થાનના હનુમાનગઢ વિસ્તારમાં એક ડેડ-ડ્રોપ સાઇટ પરથી ગેરકાયદેસર હથિયારો અને નાણાં મેળવ્યા હતા. બાદમાં આ સામગ્રી ગુજરાતના છત્રાલ ખાતે ડો. મોહિયુદ્દીન સુધી પહોંચાડવામાં આવી હતી.

તપાસ એજન્સી મુજબ, આ સમગ્ર નેટવર્ક ખૂબ ગોપનીય રીતે કામ કરતું હતું. અલગ-અલગ રાજ્યોમાં રહેલા આરોપીઓ એકબીજાના સંપર્કમાં રહી કામગીરી વહેંચીને કરતા હતા, જેથી સુરક્ષા એજન્સીઓને શંકા ન જાય.

‘દક્ષિણ એશિયાનો ISIS અમીર’ બનાવવાનું વચન

NIA એ જાન્યુઆરી 2026માં તપાસ હાથમાં લીધા બાદ વધુ ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. એજન્સીના જણાવ્યા અનુસાર, મોહિયુદ્દીનને તેના વિદેશી હેન્ડલર દ્વારા દક્ષિણ એશિયાનો ISIS અમીર બનાવવાનું વચન આપવામાં આવ્યું હતું.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તેણે હૈદરાબાદ સ્થિત પોતાના નિવાસસ્થાનને ગુપ્ત પ્રયોગશાળામાં ફેરવી દીધું હતું, જ્યાં એરંડાના બીજમાંથી ‘રાઈઝીન’ તૈયાર કરવાનો પ્રયાસ ચાલી રહ્યો હતો. સુરક્ષા એજન્સીઓ આ બાબતને અત્યંત ગંભીર બાયો-ટેરર ખતરા તરીકે જોઈ રહી છે.

સુહેલ ભરતી અને ફંડિંગ નેટવર્કની મુખ્ય કડી

ચાર્જશીટ મુજબ, મોહમ્મદ સુહેલ સમગ્ર નેટવર્કમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતો હતો. તે હેન્ડલર્સ અને અન્ય આરોપીઓ વચ્ચે ભરતી, ફંડિંગ અને હથિયારોના સંચાલન માટે મુખ્ય કડી તરીકે કામ કરતો હતો.

તપાસમાં એવો પણ દાવો છે કે તેણે આતંકવાદી પ્રવૃત્તિઓ માટે નાણાં એકત્રિત કર્યા, રેકી કરી, ગેરકાયદેસર હથિયારો પહોંચાડ્યા અને વફાદારીના શપથના વીડિયો પણ રેકોર્ડ કર્યા હતા.

હાલ NIA દ્વારા કેસની વધુ તપાસ ચાલુ છે. એજન્સી આ કાવતરામાં સંડોવાયેલા અન્ય હેન્ડલર્સ, ફંડિંગ ચેનલ અને સંભવિત સાગરીતોની શોધખોળ કરી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now