Home Gujarat Baroda Dairy Election Results Declared New Faces Win In Four Zones Amid Winds Of Change

બરોડા ડેરીની ચૂંટણીનું પરિણામ જાહેર : પરિવર્તનના પવન વચ્ચે ચાર ઝોનમાં નવા ચહેરાઓનો વિજય, દિગ્ગજોની હાર

બરોડા ડેરીની ચૂંટણીનું પરિણામ જાહેર
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 18, 2026, 02:30 PM IST

Vadodara News: વડોદરા જિલ્લાની સહકારી ક્ષેત્રની સૌથી મોટી સંસ્થા ગણાતી 'બરોડા ડેરી'ની ચૂંટણી પ્રક્રિયા ગઇકાલે પૂર્ણ થઈ હતી. ભારે રસાકસી બાદ જાહેર થયેલા પરિણામોમાં સત્તાધારી પક્ષ અને સ્થાપિત હિતો સામે પરિવર્તનનો પવન જોવા મળ્યો છે. 13 ઝોનમાંથી 9 ઝોનના ઉમેદવારો અગાઉ જ બિનહરીફ જાહેર થયા હતા, જ્યારે બાકીના 4 ઝોન (ઝોન 3, 6, 8 અને 12) માટે યોજાયેલા મતદાનમાં 98 ટકા જેટલું ભારે મતદાન નોંધાયું હતું.

દિગ્ગજોની હાર અને નવા ચહેરાઓનો ઉદય

ચૂંટણીના પરિણામોમાં સૌથી મોટો ઉલટફેર ડેસર બેઠક પર જોવા મળ્યો છે. અહીં ચાર ટર્મથી ડિરેક્ટર તરીકે સેવા આપતા અને દિગ્ગજ નેતા કુલદીપસિંહ રાઉલજીને હારનો સામનો કરવો પડ્યો છે. ધારાસભ્ય કેતન ઇનામદારના નજીકના ગણાતા સૂરપાલસિંહ પરમારને 43 મત મળ્યા હતા, જ્યારે રાઉલજીને 37 મત મળતા 6 મતોથી તેમની હાર થઈ છે. વડોદરા તાલુકા ઝોનમાં પણ નવો ચહેરો ઉભરી આવ્યો છે. પાર્થિવ પટેલે (પાર્થ પટેલ) હિતેશ પટેલ સામે 8 મતોની લીડથી ભવ્ય વિજય મેળવ્યો છે. પાર્થિવ પટેલને કુલ 88 મતોમાંથી 48 મત પ્રાપ્ત થયા હતા.

ડભોઇ અને પાવી જેતપુરમાં ભાજપનો દબદબો

ડભોઇ બેઠક પર ભાજપ પ્રેરિત ઉમેદવાર દિક્ષિત પટેલનો એકતરફી વિજય થયો છે. તેઓને 52 મતો મળ્યા હતા, જ્યારે હરીફ કોંગ્રેસના ઉમેદવાર પ્રહલાદ પટેલને માત્ર 25 મતો મળતા 27 મતોની સરસાઈથી દિક્ષિત પટેલ વિજેતા બન્યા હતા. વિજય બાદ ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાએ વિજેતા ઉમેદવારને આશીર્વાદ આપ્યા હતા. પાવી જેતપુર બેઠક પર પણ રણજીતસિંહ રાઠવાએ વિજય મેળવી પોતાની પકડ મજબૂત કરી છે.

હવે પ્રમુખ-ઉપપ્રમુખની વરણી પર નજર

ચૂંટણી અધિકારી ઐશ્વર્યા દુબે દ્વારા તમામ વિજેતા ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ડેરીના વર્તમાન પ્રમુખ દિનેશ પટેલ (દિનુમામા) અને ઉપપ્રમુખ જી.બી. સોલંકી અગાઉ જ બિનહરીફ થયા છે, જોકે તેમને મળેલી 'શો કોઝ' નોટિસની સુનાવણી 23 માર્ચે થવાની છે. દિનુમામાએ જણાવ્યું હતું કે, પદ મળે કે ન મળે, તેઓ પશુપાલકો માટે કાર્યરત રહેશે. હવે નિયમ મુજબ, એક મહિના બાદ ચૂંટાયેલા ડિરેક્ટરોની બેઠક મળશે જેમાં બરોડા ડેરીના નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now