Home Gujarat Unseasonal Rains Were Recorded In Rural Areas Of Lalpurtaluka Jamnagar

જામનગર અને અમરેલી પંથકમાં ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ : કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો, વાતાવરણમાં ઠંડક, પણ ખેડૂતોમાં ફફડાટ

જામનગર અને અમરેલી પંથકમાં ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 18, 2026, 02:40 PM IST

Jamnagar Rains: રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીની સચોટ અસર જોવા મળી રહી છે. જામનગર જિલ્લાના વાતાવરણમાં આજે અચાનક પલટો આવ્યો હતો. ખાસ કરીને લાલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદી ઝાપટાં પડતા જનજીવન પ્રભાવિત થયું હતું.

કરા અને પવન સાથે વરસાદની એન્ટ્રી

લાલપુર તાલુકાના વાતાવરણમાં બપોર બાદ એકાએક પલટો આવ્યો હતો અને આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું. ઉનાળાની ઋતુની વચ્ચે જ અપિયા, બબરજર, ટેભડા અને ગોવાણા સહિતના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ અને જોરદાર પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. કેટલાક સ્થળોએ તો કરા પણ પડ્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.

વાતાવરણમાં ઠંડક, પણ ખેડૂતોમાં ફફડાટ

ભર ઉનાળે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં તાત્કાલિક ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી. જોકે, આ આકાશી આફતે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. કેટલાક વિસ્તારોમાં ટૂંકા સમય માટે અત્યંત જોરદાર વરસાદ નોંધાયો હતો, જેના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. તૈયાર થયેલા ઉનાળુ પાક અને ખેતરમાં પડેલા માલ-સામાનને લઈને ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. માવઠાને કારણે કૃષિ પેદાશોને નુકસાન થવાની ભય સતાવી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી હજુ પણ અમુક વિસ્તારો માટે યથાવત હોવાથી તંત્ર અને સ્થાનિકો સતર્ક બન્યા છે.

અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ: ખેડૂતોની ચિંતામાં વધારો

અમરેલી જિલ્લાના વાતાવરણમાં આજે અચાનક પલટો જોવા મળ્યો છે, જેના કારણે વડિયા અને બગસરા પંથકમાં કમોસમી વરસાદનું આગમન થયું છે. વડિયા શહેરમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે, જ્યારે બગસરામાં પણ વરસાદી છાંટા પડ્યા છે. આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાયા બાદ શરૂ થયેલા આ માવઠાને કારણે ખેતીના પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

ખાસ કરીને ખેતરોમાં તૈયાર ઉભેલા ચણા, ધાણા અને ઘઉં જેવા રવી પાકો પર આ વરસાદી છાંટા પડવાથી ગુણવત્તા બગડવાનું અને ઉત્પાદન ઘટવાનું અનુમાન છે. એક તરફ પાક લણણીની તૈયારીમાં છે, ત્યાં બીજી તરફ કુદરતનો આ પ્રકોપ ખેડૂતો માટે 'પડ્યા પર પાટુ' સમાન સાબિત થઈ રહ્યો છે. આ અચાનક આવેલા પરિવર્તનને કારણે વડિયા અને બગસરા પંથકના ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે અને જગતનો તાત ભારે મુશ્કેલીમાં મુકાયો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now