Devbhumi Dwarka: રોજીરોટી કમાવવા અને પરિવારના ઉજ્જવળ ભવિષ્ય માટે સાત સમંદર પાર ગયેલા દેવભૂમિ દ્વારકા જિલ્લાના એક આશાસ્પદ યુવાનનો વિદેશની ધરતી પર કરુણ અંત આવ્યો છે. ખંભાળિયા તાલુકાના હર્ષદપુર ગામના ૩૧ વર્ષીય યુવાન કિરીટ જયંતીભાઈ કણજારીયાનું કતારમાં આવેલા એલએનજી (LNG) પ્લાન્ટમાં થયેલા ભયાનક બ્લાસ્ટમાં ગંભીર ઈજાઓ થવાના કારણે દુઃખદ અવસાન થયું છે. આ આઘાતજનક સમાચાર મળતા જ સમગ્ર પંથક સહિત સતવારા સમાજમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે.
ભરણપોષણ માટે બે વર્ષ પહેલાં કતાર ગયો હતો યુવાન
મળતી માહિતી મુજબ, હર્ષદપુરના રહેવાસી કિરીટભાઈ કણજારીયા પોતાના પરિવારના આર્થિક ભરણપોષણ અને સજ્ધરતા માટે છેલ્લા બે વર્ષથી કતારમાં નોકરી કરી રહ્યા હતા. તેઓ કતાર સ્થિત એક એલએનજી (લિક્વિફાઇડ નેચરલ ગેસ) પ્લાન્ટમાં ફરજ બજાવતા હતા. રોજની જેમ તેઓ પ્લાન્ટ પર પોતાની ફરજ પર હતા, તે દરમિયાન અચાનક ત્યાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો.
સારવાર દરમિયાન તોડ્યો દમ
આ ભયાનક વિસ્ફોટની ઝપેટમાં આવી જતાં કિરીટભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ તેમને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબો દ્વારા તેમને બચાવવાના પૂરતા પ્રયાસો કરવામાં આવ્યા હોવા છતાં, ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
પરિવાર પર આભ તૂટી પડ્યું
માત્ર ૩૧ વર્ષની નાની ઉંમરે ઘરના કમાઉ દીકરાએ જીવ ગુમાવતા કણજારીયા પરિવાર પર વજ્રઘાત થયો છે. પરિવારના ભરણપોષણની મુખ્ય જવાબદારી જેના શિરે હતી, તે યુવાનના મોતના સમાચાર સાંભળીને માતા-પિતા અને પરિવારજનો આઘાતમાં સરી પડ્યા છે.
સતવારા સમાજ અને હર્ષદપુરમાં શોકનું મોજું
કિરીટભાઈના અકાળે અવસાનથી હર્ષદપુર વિસ્તાર તેમજ સમગ્ર સતવારા સમાજમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે. એક શાંત અને મહેનતુ યુવાને વિદેશમાં જીવ ગુમાવતા સ્થાનિક લોકોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. હાલ પરિવારજનો દ્વારા યુવાનના મૃતદેહને વતન પરત લાવવા માટે જરૂરી વહીવટી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.






