આણંદ : ગુજરાત સરકારે મહી નદી પર આણંદ જિલ્લાના ધુવારણ નજીક બદલપુર-કારેલી બેરેજ કમ બ્રિજના નિર્માણ માટે અંદાજિત રૂ. 1,700 કરોડના પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. રાજ્ય સરકારના જણાવ્યા મુજબ, આ પ્રોજેક્ટ પાણીના સંગ્રહ, પીવાના પાણીની ઉપલબ્ધતા, જમીનની ખારાશમાં ઘટાડો અને મધ્ય તથા દક્ષિણ ગુજરાત વચ્ચેના માર્ગવ્યવહારને વધુ સરળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. હવે આગામી તબક્કામાં પ્રોજેક્ટ માટે વિગતવાર સર્વે અને અન્ય તકનીકી પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવશે.
રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીના પ્રયાસોથી આ યોજના આગળ વધી હોવાનું જણાવાયું છે. સરકારના જણાવ્યા મુજબ, આ પ્રોજેક્ટ માત્ર બેરેજ પૂરતો મર્યાદિત નહીં રહે, પરંતુ તેના પર માર્ગસેતુ (કમ બ્રિજ) પણ બનાવવામાં આવશે, જેના કારણે આણંદ, વડોદરા અને ભરૂચ જિલ્લાઓ વચ્ચેનું જોડાણ વધુ મજબૂત બનશે.
183 મિલિયન ઘન મીટર પાણીના સંગ્રહની ક્ષમતા
આણંદ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર રજત ચૌધરીના જણાવ્યા મુજબ, મહી નદીના આશરે 4.5 કિલોમીટર પહોળા પટમાં લગભગ 2 કિલોમીટર લાંબું બ્રિજ સ્ટ્રક્ચર બનાવાશે. બેરેજમાં અંદાજે 70 જેટલા દરવાજા હશે, જ્યારે બાકીના ભાગમાં પ્રોટેક્શન બંધનું નિર્માણ કરવામાં આવશે. પૂર નિયંત્રણ અને પાણીના સંચાલન માટે આધુનિક સિવિલ એન્જિનિયરિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.
સરકારના અંદાજ મુજબ, બેરેજ પૂર્ણ થયા બાદ આશરે 183 મિલિયન ઘન મીટર મીઠા પાણીનો સંગ્રહ શક્ય બનશે. હાલમાં મહી નદીનું નોંધપાત્ર મીઠું પાણી દરિયામાં વહી જાય છે, જેને રોકીને કૃષિ, પીવાના પાણી અને અન્ય ઉપયોગ માટે ઉપલબ્ધ કરાવવાનો હેતુ છે.
પીવાના પાણી અને ખેતીને મળશે ફાયદો
હાલમાં વિસ્તારના ઘણા ગામો પીવાના પાણી માટે કડાણા ડેમ પર આધારિત છે. સરકારના જણાવ્યા મુજબ, નવા બેરેજમાં સંગ્રહિત પાણી ઉપલબ્ધ થતાં કડાણા ડેમ પરનો નિર્ભરતા ભાર ઘટી શકે છે અને ભવિષ્યમાં સ્થાનિક સ્તરે પાણીની ઉપલબ્ધતા વધુ મજબૂત બનવાની શક્યતા છે. સરકારી માહિતી અનુસાર, આ યોજના અમલમાં આવ્યા બાદ આણંદ જિલ્લાના 42, વડોદરા જિલ્લાના 30 અને ભરૂચ જિલ્લાના 8 સહિત કુલ અંદાજે 80 ગામોના 15 લાખથી વધુ લોકોને પીવાના પાણીનો લાભ મળી શકે છે.
જમીનની ખારાશમાં ઘટાડો થવાની અપેક્ષા
મહી નદીના નીચાણવાળા વિસ્તારમાં દરિયાઈ ભરતીના કારણે જમીનમાં વધતી ખારાશ ખેડૂતો માટે લાંબા સમયથી પડકારરૂપ રહી છે. સરકારના જણાવ્યા મુજબ, બેરેજના કારણે મીઠા પાણીનો સંગ્રહ વધતાં દરિયાના ખારા પાણીની અસર ઘટી શકે છે અને આશરે 16 હજાર હેક્ટર વિસ્તારને તેનો સીધો લાભ મળવાની અપેક્ષા છે. ભૂગર્ભ જળની ગુણવત્તામાં સુધારો થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. પરિણામે ખેડૂતોને વધુ પાક લેવાની તક મળશે અને કૃષિ ઉત્પાદન વધારવામાં મદદ મળી શકે છે.
75 કિલોમીટર ઓછું થશે મુસાફરીનું અંતર
આ યોજના પરિવહન ક્ષેત્રે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. સરકારના જણાવ્યા મુજબ, બદલપુર-કારેલી કમ બ્રિજ તૈયાર થયા બાદ ખંભાત અને તારાપુર વિસ્તારથી જંબુસર તેમજ દહેજ ઔદ્યોગિક વિસ્તારમાં જવા માટેનું અંતર અંદાજે 75 કિલોમીટર જેટલું ઘટી શકે છે. તેના કારણે સમય અને ઇંધણ બંનેની બચત થશે તેમજ દહેજ PCPIR અને ખંભાત-તારાપુર ઔદ્યોગિક પટ્ટા વચ્ચે માલસામાનની હેરફેર વધુ ઝડપી બનશે, જેના કારણે વેપાર અને ઉદ્યોગોને પણ પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે.
409 ગામો અને 32 તળાવો પર પરોક્ષ અસર
સરકારી અંદાજ મુજબ, આણંદના 152, વડોદરાના 164 અને ભરૂચના 81 સહિત કુલ 409 ગામો તેમજ 32 તળાવો પર આ યોજનાની સીધી અથવા પરોક્ષ અસર પડશે. પાણીની ઉપલબ્ધતા વધતાં કૃષિ, રોજગારી અને સ્થાનિક અર્થતંત્રને વેગ મળવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. નદીમાં વર્ષભર પાણીનો સંગ્રહ રહેતાં ભવિષ્યમાં આ વિસ્તાર પ્રવાસન વિકાસ માટે પણ યોગ્ય બની શકે છે, જોકે તે માટે અલગ આયોજન અને રોકાણની જરૂર રહેશે.
આગામી તબક્કો
હાલમાં પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. હવે વિગતવાર સર્વે, ટેક્નિકલ ડિઝાઇન, પર્યાવરણીય અને અન્ય જરૂરી મંજૂરીઓ સહિતની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ બાંધકામના તબક્કા તરફ આગળ વધી શકાશે. પ્રોજેક્ટની અમલીકરણ સમયરેખા અંગે સરકારે હજુ સત્તાવાર જાહેરાત કરી નથી.






