અમદાવાદ: સુરતના નાસીરનગર વિસ્તારમાં થયેલી ડિમોલિશન કાર્યવાહીને પડકારતી 26 અસરગ્રસ્ત અરજદારોની અરજી પર ગુજરાત હાઇકોર્ટે પ્રાથમિક સુનાવણી દરમિયાન અનેક મહત્વપૂર્ણ સવાલો ઉઠાવ્યા છે. અરજીમાં રાજ્ય સરકાર, સુરત મહાનગરપાલિકા (SMC), સુરત શહેર પોલીસ કમિશનર, સુરત SOGના DCP રાજદીપસિંહ નકુમ, પોલીસ અધિકારીઓ, SMCના કર્મચારીઓ તેમજ ટોરેન્ટ પાવરને પક્ષકાર બનાવવામાં આવ્યા છે.
સુનાવણી દરમિયાન હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું કે, "જો SOGના DCP રાજદીપસિંહ નકુમ ત્યાં અનઓફિશિયલ હાજર હતા તો આવતી મુદતે કોર્ટ સમક્ષ ઉપસ્થિત થાય. જો ઓફિશિયલ હાજર હોય તો ઉપસ્થિત રહેવાની જરૂર નથી." કોર્ટે સાથે જ નોંધ્યું કે "રાજ્ય સરકાર પણ આ બાબતમાં જવાબદારીમાંથી હાથ ખંખેરી શકે નહીં." સમગ્ર મામલાને સંવેદનશીલ ગણાવતા કોર્ટે તમામ પક્ષકારોને જવાબ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે અને વધુ સુનાવણી સોમવારે રાખી છે.
અરજદારોની રજૂઆત: "કોઈ નોટિસ કે પંચનામા વગર 150થી વધુ મકાનો તોડી પડાયા"
અરજદારોના વકીલે કોર્ટમાં રજૂઆત કરતાં જણાવ્યું હતું કે 30 મેના રોજ સુરતના નાસીરનગર વિસ્તારમાં કોઈપણ પૂર્વ નોટિસ, રજૂઆત કરવાની તક અથવા પંચનામા વગર 150થી વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. અરજદારોના જણાવ્યા મુજબ ડિમોલિશન દરમિયાન SMCના અધિકારીઓ તથા 20થી 25 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સ્થળ પર હાજર હતા.
અરજદારોએ વધુમાં જણાવ્યું કે 1 જૂને તેમણે SMC કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી, ત્યારે તેમને જણાવવામાં આવ્યું હતું કે કોર્પોરેશને આ ડિમોલિશન માટે કોઈ સત્તાવાર આદેશ કર્યો નથી. અરજદારોના જણાવ્યા પ્રમાણે નાસીરનગર વસાહત વર્ષ 1969થી અસ્તિત્વમાં છે અને તેમના પૂર્વજો પણ વર્ષોથી ત્યાં રહેતા આવ્યા છે. તેમ છતાં 30 મેના રોજ અચાનક બુલડોઝર લાવીને મકાનો તોડી પાડવામાં આવ્યા.
"ડિમોલિશન SMCએ કર્યું હોવાનું તમે કેવી રીતે કહી શકો?"
સુનાવણી દરમિયાન હાઇકોર્ટે અરજદારોને પૂછ્યું હતું કે, "આ ડિમોલિશન SMC દ્વારા કરાયું તેવું તમે કેવી રીતે કહી શકો?"
તેના જવાબમાં અરજદારોએ જણાવ્યું કે ડિમોલિશન દરમિયાન SMCના અધિકારીઓ, કર્મચારીઓ અને સુરત SOG તેમજ ચોક બજાર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ સ્થળ પર હાજર હતા. કોર્ટે ત્યારબાદ વધુ સવાલ કરતાં પૂછ્યું કે, "ડિમોલિશનની ડ્યુટીમાં હાજર મશીનરી અને માણસો કોના હતા?"
અરજદારોના જણાવ્યા મુજબ, ડિમોલિશન કરનાર એજન્સી SMCની હતી. સાથે જ ડિમોલિશન પહેલાં ટોરેન્ટ પાવરે વિસ્તારનો વીજ પુરવઠો બંધ કર્યો હતો. અરજદારોના જણાવ્યા પ્રમાણે સ્થળ પર SMCના લગભગ સાત અધિકારીઓ અને અન્ય કર્મચારીઓ ઉપરાંત સુરત SOG વિભાગ તથા ચોક બજાર પોલીસ સ્ટેશનના અંદાજે 20થી 25 પોલીસ કર્મચારીઓ હાજર હતા.
ખાનગી વ્યક્તિઓ અંગે પણ કરવામાં આવ્યા આક્ષેપ
અરજદારોએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે પાલિયા બિલ્ડરના આદેશથી શ્રીરામ એજન્સી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી અને સ્થળ પર આર્કિટેક્ટ રજનીકાંત પણ હાજર હતા. તેમણે એવો પણ દાવો કર્યો કે સ્થાનિકોએ વિરોધ કરતાં તેમને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.
અરજદારોના જણાવ્યા મુજબ રહેવાસીઓને માત્ર એક કલાકમાં મકાન ખાલી કરવાની સૂચના આપવામાં આવી હતી, જેના કારણે બાળકોના પુસ્તકો સહિતનો કિંમતી ઘરવખરીનો સામાન કાટમાળ નીચે દબાઈ ગયો હતો.
આ પણ વાંચો: ગુજરાતના ત્રણ જિલ્લાને મળશે પાણી અને કનેક્ટિવિટીનો મોટો લાભ : મહી નદી પર રૂ. 1,700 કરોડનો બદલપુર-કારેલી બેરેજ કમ બ્રિજ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી
"કોર્ટમાં અરજી આટલી મોડી કેમ કરવામાં આવી?"
હાઇકોર્ટે અરજદારોને વધુ એક મહત્વપૂર્ણ સવાલ પૂછ્યો હતો: "30 મેના રોજ ડિમોલિશન થયું તો કોર્ટમાં અરજીમાં આટલું મોડું કેમ કરવામાં આવ્યું?"
તેના જવાબમાં અરજદારોએ જણાવ્યું હતું કે તેમણે સૌપ્રથમ SMC કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી. ત્યાંથી તેમને જવાબ મળ્યો હતો કે SMC દ્વારા ડિમોલિશનનો કોઈ ઓર્ડર આપવામાં આવ્યો નથી. ત્યારબાદ પોલીસે તેમની ફરિયાદ પણ સ્વીકારી નહોતી.
અરજદારોએ કોર્ટને વધુમાં જણાવ્યું કે 21 જૂને SMC કમિશનરે પોલીસ સમક્ષ સ્વીકાર્યું હતું કે ડિમોલિશન સમયે કોર્પોરેશનના કર્મચારીઓ સ્થળ પર હાજર હતા. ત્યારબાદ તેમણે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી.
"જો SMCએ ડિમોલિશન નથી કર્યું તો તેના કર્મચારીઓ ત્યાં શું કરતા હતા?"
અરજદારોની રજૂઆત બાદ હાઇકોર્ટે અનેક સવાલો ઉઠાવ્યા. કોર્ટે પૂછ્યું: "જો ડિમોલિશન SMCએ નથી કર્યું તો ત્યાં તેના કર્મચારીઓ શું કરતા હતા? તેમની સામે શું પગલાં લેવામાં આવ્યા છે? સુરત શહેર પોલીસ કમિશનરને ફરિયાદ અપાઈ તો તે ફરિયાદ લીધી કેમ નહીં? કયા કયા અધિકારીઓ ડિમોલિશન સ્થળે ઉપસ્થિત હતા? અરજદારે ડિમોલિશન સ્થળે હાજર પોલીસ કર્મચારીઓના નામ કે હોદ્દા કેમ નથી જણાવ્યા?"
આ સવાલો દ્વારા કોર્ટે SMC તથા પોલીસ તંત્રની ભૂમિકા અંગે સ્પષ્ટતા માંગતા બંને સત્તાધિકારીઓની જવાબદારી પર ભાર મૂક્યો હતો.
DCP રાજદીપસિંહ નકુમ અંગે કોર્ટની ટિપ્પણી
અરજદારો તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે ડિમોલિશન સમયે સુરત SOGના DCP રાજદીપસિંહ નકુમ પણ હાજર હતા.
તેના પર હાઇકોર્ટે પૂછ્યું: "તેમના સામે અરજીમાં આક્ષેપ ક્યાં છે? આ અરજીમાં ઘણા ખાનગી વ્યક્તિઓને જોડવામાં આવ્યા છે, તેમની સામેના આક્ષેપ ક્યાં છે? કયા આધાર ઉપર કોર્ટ અધિકારીઓને જવાબ આપવા બોલાવે?"
કોર્ટે સ્પષ્ટ કર્યું કે માત્ર કોઈ અધિકારીનું નામ અરજીમાં ઉમેરવાથી પૂરતું નથી, તેમની સામે ચોક્કસ આક્ષેપ અને આધાર પણ રજૂ કરવો જરૂરી છે.
આ પણ વાંચો: યુપી ભાજપની નવી ટીમ જાહેર : રાજનાથ સિંહના પુત્ર નીરજ સિંહ અને પૂજા પાલને ઉપાધ્યક્ષ બનાવાયા
પોલીસ કમિશનર અને ટોરેન્ટ પાવર પાસેથી પણ સ્પષ્ટતા માંગાઈ
હાઇકોર્ટે સુરત શહેર પોલીસ કમિશનરને નિર્દેશ આપતાં કહ્યું: "પોલીસ કમિશનર જવાબ આપે કે ડિમોલિશન SMCએ કર્યું કે બીજા કોઈ વ્યક્તિએ?"
કોર્ટે વધુમાં નોંધ્યું: "એક પણ મકાન કાનૂની પ્રક્રિયા અનુસર્યા વગર તોડી શકાય નહીં. રાજ્ય પણ આ બાબતમાં જવાબદારીમાંથી હાથ ખંખેરી શકે નહીં."
ટોરેન્ટ પાવર અંગે પણ કોર્ટે સવાલ ઉઠાવ્યો: "ટોરેન્ટ પાવર પણ જણાવે કે કોના આદેશથી તેઓએ નાસીરનગરમાં વીજ કનેક્શન કાપ્યા હતા?"
સાથે જ કોર્ટે પૂછ્યું કે આટલા દિવસોમાં સંબંધિત સત્તાધિકારીઓએ ડિમોલિશન મામલે શું કાર્યવાહી કરી છે.
આ પણ વાંચો: સતવારા સમાજ અને હર્ષદપુરમાં શોકનું મોજું : કતારના LNG પ્લાન્ટમાં બ્લાસ્ટ થતાં ખંભાળિયાના 31 વર્ષીય યુવાનનું કરુણ મોત, પરિવારમાં માતમ
ગેરકાયદે કાર્યવાહી સાબિત થશે તો જવાબદારી નક્કી થશે
હાઇકોર્ટે નોંધ્યું કે જો સુરત મહાનગરપાલિકા અથવા તેના અધિકારીઓ દ્વારા કાયદાકીય પ્રક્રિયા અનુસર્યા વગર ડિમોલિશન કરવામાં આવ્યું હશે તો "તેમની સીધી અને અમર્યાદિત જવાબદારી રહેશે."
સુનાવણી દરમિયાન અસરગ્રસ્તોને પુનર્વસન અંગે પણ ચર્ચા થઈ હતી. કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે જો ડિમોલિશન ગેરકાયદેસર હોવાનું સાબિત થાય તો અસરગ્રસ્તોને રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાવવાનો અધિકાર કોર્ટ પાસે છે અને આ મુદ્દે સુપ્રીમ કોર્ટના અગાઉના આદેશોનો પણ આધાર લેવામાં આવ્યો હતો.
સોમવારે ફરી સુનાવણી
હાઇકોર્ટે જણાવ્યું કે સમગ્ર મામલે સંબંધિત તમામ સત્તાધિકારીઓ પાસેથી સ્પષ્ટ અને વિગતવાર જવાબ જરૂરી છે. આગામી સુનાવણી દરમિયાન ટોરેન્ટ પાવર તરફથી પણ જવાબ રજૂ કરવામાં આવશે. કેસની વધુ સુનાવણી સોમવારે હાથ ધરવામાં આવશે.





