જામનગર: જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક દરમિયાન શહેર કોંગ્રેસ સમિતિએ મહાનગરપાલિકા કચેરી બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે પ્રિ-મોન્સૂન કામગીરીમાં અનિયમિતતા અને ભ્રષ્ટાચારના આક્ષેપો કરતાં પારદર્શક રીતે કામગીરી કરવાની માંગ ઉઠાવી હતી. વિરોધ દરમિયાન કાર્યકરો સ્ટેન્ડિંગ કમિટીના બહાર બેસી ધરણા પર પણ બેઠા હતા.
કોંગ્રેસે શહેરમાં ચોમાસા પહેલાં કેનાલો અને પેટા કેનાલોની યોગ્ય રીતે સફાઈ કરાવવા, ડ્રેનેજ વ્યવસ્થા સુધારવા તેમજ વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે અસરકારક આયોજન કરવાની માંગ કરી હતી. પક્ષના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે પ્રિ-મોન્સૂન કામગીરી કાગળ પર દર્શાવવામાં આવી છે, જ્યારે અનેક સ્થળોએ વાસ્તવિક સફાઈ થઈ નથી.
આ પણ વાંચો: યુપી ભાજપની નવી ટીમ જાહેર : રાજનાથ સિંહના પુત્ર નીરજ સિંહ અને પૂજા પાલને ઉપાધ્યક્ષ બનાવાયા
રંગમતી-નાગમતી નદીની સફાઈ મુદ્દે પણ ઉઠ્યો અવાજ
જામનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ અગાઉ પણ રંગમતી અને નાગમતી નદીના પટમાં ધરણાં કરી ચૂકી છે. તેમના જણાવ્યા અનુસાર હાલમાં નદીમાં ગંદકી, ભૂગર્ભ ગટરના પાણી તેમજ અન્ય કચરાના કારણે સ્થિતિ ગંભીર બની છે. તેમણે નદીની તાત્કાલિક સફાઈ કરાવવા માંગ કરી હતી. જાડેજાએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે શહેરની અનેક કેનાલો અને પેટા કેનાલોમાં યોગ્ય રીતે સફાઈ કરવામાં આવી નથી. તેમણે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને સ્થળ મુલાકાત માટે ખુલ્લો પડકાર આપતા કહ્યું કે વાસ્તવિક સ્થિતિ સ્થળ પર જ સ્પષ્ટ થઈ જશે.
કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતનો આક્ષેપ
વિરોધ દરમિયાન કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે કોન્ટ્રાક્ટરો અને કેટલાક અધિકારીઓની મિલીભગતના કારણે કામગીરીમાં પારદર્શિતા જળવાઈ નથી. પક્ષના જણાવ્યા મુજબ જો ચોમાસા પહેલાં યોગ્ય સફાઈ નહીં થાય તો શહેરની અનેક વસાહતોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ શકે છે. કોંગ્રેસે માંગ કરી હતી કે જ્યાં કામગીરી અધૂરી હોય ત્યાં સંબંધિત કોન્ટ્રાક્ટરોના બિલો રોકવામાં આવે અને સંપૂર્ણ ચકાસણી બાદ જ ચુકવણી કરવામાં આવે.
આ પણ વાંચો: ગુજરાતના ત્રણ જિલ્લાને મળશે પાણી અને કનેક્ટિવિટીનો મોટો લાભ : મહી નદી પર રૂ. 1,700 કરોડનો બદલપુર-કારેલી બેરેજ કમ બ્રિજ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી
સંકલન બેઠક અંગે પણ ઉઠાવ્યા સવાલ
વિરેન્દ્રસિંહ જાડેજાએ મહાનગરપાલિકામાં યોજાતી સંકલન બેઠકો અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે મહાનગરપાલિકા જાહેર જનતાની સંસ્થા છે અને તેનો ઉપયોગ કોઈ એક રાજકીય પક્ષના હિત માટે ન થવો જોઈએ. તેમણે આ મુદ્દે પણ વિરોધ નોંધાવતા કહ્યું કે જરૂર પડશે તો આગામી સમયમાં વધુ ઉગ્ર કાર્યક્રમો પણ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અંગે મહાનગરપાલિકા અથવા સ્ટેન્ડિંગ કમિટીની તરફથી આ અહેવાલ લખાય ત્યાં સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.





