Amreli News: અમરેલી જિલ્લામાં ચાર પગવાળા હિંસક વન્યજીવોનો આતંક યથાવત છે ત્યારે છેલ્લા 20 દિવસમાં અમરેલી જિલ્લામાં સિંહ હુમલાની ચોથી ઘટના ઘટી હતી. ખાંભાના ચતુરી ગામે કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે, જ્યાં વન વિભાગની ઘોર નિષ્ક્રિયતા વચ્ચે વધુ એક માસૂમ બાળક કાળનો કોળિયો બની ગયો હતો. રાત્રિના દૂધની ડેરીએ દાદાની આંગળી પકડીને જઈ રહેલા 5 વર્ષના માસૂમ જીયાનને સિંહણ નજર સામેથી આંચકી ગઈ હતી ને બાળકને ફાડી ખાધો હતો જેને પગલે સમગ્ર ગીર નજીકના ગામડાઓમાં ભારે રોષ વ્યાપ્યો છે.
આ છે અમરેલી જીલ્લાના ખાંભાનું ચતુરી ગામ.......
ચતુરી ગામનો 5 વર્ષનો માસૂમ જીયાન દેવકુંભાઈ સીધા જ્યારે રાત્રિના સમયે પોતાના દાદા સાથે ઘર ની નજીક આવેલી ડેરી પર દૂધ આપવા જઈ રહ્યો હતો, ત્યારે જ અંધારામાંથી કાળ બનીને આવેલી સિંહણે તેના પર તરાપ મારી હતી. દાદા કંઈ સમજે તે પહેલાં જ સિંહણ બાળકને હાથમાંથી ખેંચીને સીમ તરફ ભાગી ગઈ હતી. પોતાના ઘરથી માત્ર 20 ફૂટ દૂર બનેલી આ ગંભીર ઘટનાથી સ્થાનિકોમાં કંપારી છૂટે તેવું વાતાવરણ સર્જાયું હતું દોઢ બે કલાકની જહેમત બાદ ગામથી એક કિલોમીટર દૂર જંગલ વિસ્તારમાંથી માસૂમ બાળકનો લોહીલુહાણ મૃતદેહ મળી આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું ને પરિવારનો એક ના એક દીકરો છીનવાઈ ગયો હતો જ્યારે આ ઘટના કેમ ઘટી તે અંગે આંગળી પકડીને પૌત્રને સાથે લઈ જતા દાદાએ ઘટનાક્રમ વર્ણવાયો હતો.
ચતુરી ગામના નાના બાળક lne ગાડી ખાવાની ગંભીર ઘટનાના ઘેરા પડઘા પડ્યા હતા ને પરિવારનો એક ના એક દીકરાનો દીપક અકાળે બુઝાઈ ગયેલો હતો આથી પરિવાર અને સ્થાનિકોમાં વન વિભાગ સામે ભારે નારાજગી જોવા મળી હતી ને સવારે દીકરાના અંતિમક્રિયા વખતે લોકો આક્રંદ કરતા જોવા મળ્યા હતા ને મૃતકના કાકાએ વનવિભાગ અને સરકાર સામે સવાલો કર્યા હતા.
અમરેલી જિલ્લામાં છેલ્લા એક જ મહિનાની અંદર સિંહના હુમલાની આ ચોથી ઘટના ઘટી હતી બગસરાના ઘંટીયાળ ગામે 7 વર્ષના પરપ્રાંતીય ખેતમજૂરના બાળકને સિંહે ફાડી ખાધો, સાવરકુંડલાના જૂના સાવર ગામે વ્યીવૃધ્ધ ખેડૂત સિંહ હુમલાનો ભોગ બનેલા તો રાજુલાનું કોવાયા ગામે ઉત્તરાખંડના પરપ્રાંતીય મજૂરને સિંહોએ ફાડી ખાધની ઘટનાની શાહી સુકાઈ નથી ત્યાં ચોથી ઘટના ચતુરી ગામે ઘટી હતી ને સિમ વિસ્તાર નહીં પણ ગામની અંદર અને ઘરથી માત્ર 20 ફૂટ દૂર દાદાની આંગળીમાં રહેલા બાળકને સિંહણ ઉપાડીને લઈ ગઈ ને ફાડી ખાધો હતો ત્યારે વારંવાર બનતા આવા બનાવો છતાં તંત્ર કેમ ઘોર નિદ્રામાં છે તે મોટો સવાલ છે. સિંહ-સિંહણ હવે છેક ઘરના આંગણા સુધી આવી ચડે છે અને ગ્રામજનો આખી રાત જાગવા મજબૂર બને છે. લોકો હવે વનમંત્રી સમક્ષ માનવ રક્ષણની સરકાર જવાબદારી કયારે લેશે તેવો સવાલ ચતુરી તાલુકા પંચાયત સીટના સદસ્ય આલિગભાઈ ભૂકણે કર્યો હતો.
હાલ તો માસૂમ જીયાનના મોતના પગલે ચતુરી ગામમાં સિંહણના ભયથી ભારે ફફડાટ અને માતમનો માહોલ છે. ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વન વિભાગ દ્વારા વનરાજોના આતંકથી કાયમી છુટકારો અને માનવ રક્ષણ માટે નક્કર પગલાં લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા પણ ચાતુરી ગામે આવવાના છે તેને જ સિંહોના ગંભીર પ્રશ્નો નિવારણ કરે જેથી ખેતી પણ ખેડૂતો કરી શકે ને માલધારીઓ પશુપાલન કરી શકે તેવું નિવેદન ચતુરીના સરપંચ કમલેશ જાનીએ જણાવ્યું હતું.
સિંહ હુમલાની ઘટના બાદ વનવિભાગે 1 સિંહણને પાંજરે પૂરીને અન્ય સિંહોને પકડવાની તજવીજ શરૂ કરી હોવાની વિગતો વનવિભાગના અધિકારીએ આપી હતી જ્યારે રાત્રિના ગીર પંથકના ગામડાના લોકોને પણ લાકડી ટોર્ચ સાથે રાખે તેથી વન્યપ્રાણીઓના હુમલાથી બચવાની અપીલ વનવિભાગે કરી હતી.
સિંહ હુમલાઓની ઘટનાઓથી ગીર પંથકના ગામડાંઓમા ભયનું વાતાવરણ છે હાલ આ નરભક્ષી સિંહણના ગ્રુપના 5 સિંહોને પકડી લીધા છે ત્યારે હજુ પણ 2 સિંહો ગામની આસપાસ આંટાફેરા કરતું હોવાનું જાણવા મળે છે ત્યારે વનવિભાગ તાકીદે માનવ જિંદગી બચે તે અંગે પણ વિચારવાનો સમય આવી ગયો છે તે ચોક્કસ છે.





