Mehsana News: ગુજરાતના શિક્ષણ વિભાગમાં ફરજ પ્રત્યે બેદરકારી દાખવતા અને ગેરહાજર રહેતા ગુલ્લીબાજ શિક્ષકો સામે સરકારે લાલ આંખ કરી છે. મહેસાણા જિલ્લાની એક શાળામાં બનેલી ચોંકાવનારી ઘટના સામે આવ્યા બાદ રાજ્યના શિક્ષણ વિભાગમાં ભારે ખળભળાટ મચી ગયો છે. શિક્ષણમંત્રી રિવાબા જાડેજાએ આ મામલાને અત્યંત ગંભીરતાથી લઈને ત્વરિત અને કડક તપાસના આદેશ આપ્યા છે.
શું છે સમગ્ર મામલો?
મહેસાણા જિલ્લાની દિતાસણ પ્રાથમિક શાળાનો એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેણે શિક્ષણ જગતને ચોંકાવી દીધું છે. શાળાના મુખ્ય આચાર્ય છેલ્લા બે વર્ષથી પોતાની ફરજ પર હાજર રહ્યા નથી અને તેઓ વિદેશ (કેનેડા/અમેરિકા) સ્થાયી થયા હોવાની વિગતો સામે આવી છે.
ગુજરાતના 18 અધિકારીઓને IASમાં પ્રમોશન : કેન્દ્ર સરકારની સત્તાવાર મંજૂરી
સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે, છેલ્લા ૨૪ મહિનાથી આચાર્ય ગેરહાજર હોવા છતાં સ્થાનિક તંત્ર કે શિક્ષણ વિભાગના ધ્યાન પર આ બાબત કેમ ન આવી? આ ઘટના સામે આવતા જ વાલીઓ અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે આનાથી બાળકોના ભવિષ્ય અને શિક્ષણ પર સીધી અસર પડી રહી છે.
શિક્ષણમંત્રી એક્શન મોડમાં: રિપોર્ટ તલબ કર્યો
આ ચકચારી કિસ્સો સામે આવતા જ રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી રિવાબા જાડેજાએ તાત્કાલિક એક્શન લીધા છે. તેમણે આ મામલે કડક વલણ અપનાવતા સમગ્ર ઘટનાનો વિગતવાર રિપોર્ટ (તપાસ અહેવાલ) મંગાવી લીધો છે.શિક્ષણમંત્રી રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે ગુજરાતના બાળકોના ભવિષ્ય સાથે રમત કરનાર કોઈપણ વ્યક્તિને બક્ષવામાં નહીં આવે. દિતાસણ શાળાના આચાર્ય મામલે સંપૂર્ણ અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે. જો આચાર્ય નિયમોનું ઉલ્લંઘન કરીને વિદેશ ગયા હોવાનું અને દોષિત સાબિત થશે, તો તેમની સામે નોકરીમાંથી બરતરફી સહિતની કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે."
તંત્રની ઢીલી નીતિ સામે સવાલો
આ ઘટનાએ શિક્ષણ વિભાગના વહીવટી તંત્ર પર પણ અનેક સવાલો ઊભા કર્યા છે..
કોઈ સરકારી કર્મચારી બે વર્ષ સુધી ગેરહાજર રહે અને તંત્રને ખબર પણ ન પડે તે કેવી રીતે શક્ય બને?
શું આ આચાર્ય વિદેશમાં હોવા છતાં તેમનો પગાર ચાલુ હતો?
આટલા સમય સુધી સ્થાનિક સી.આર.સી. (CRC) કે બી.આર.સી. (BRC) કો-ઓર્ડિનેટરે કેમ કોઈ રિપોર્ટ ન કર્યો?
આગળ શું કાર્યવાહી થશે?
શિક્ષણમંત્રીના આદેશ બાદ મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (DPEO) દ્વારા આ મામલે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. પ્રાથમિક અહેવાલના આધારે આગામી દિવસોમાં જવાબદાર આચાર્ય સામે કારણદર્શક નોટિસ અને સસ્પેન્શન સુધીની કડક કાર્યવાહી થઈ શકે છે. આ ઉપરાંત, આ સમગ્ર કૌભાંડમાં મદદગારી કરનાર અન્ય સ્થાનિક અધિકારીઓ પણ તપાસના દાયરામાં આવી શકે છે.
સરકારના આ કડક વલણથી રાજ્યભરની સરકારી શાળાઓમાં લાંબા સમયથી ગેરહાજર રહેતા કે વિદેશ જતા રહેલા અન્ય 'ગુલ્લીબાજ' શિક્ષકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.






