Home Gujarat Chaudhary Community Ultimatum After Kinjal Rabaris Love Marriage Controversy

કિંજલ રબારીના પ્રેમલગ્ન વિવાદ બાદ ચૌધરી સમાજનું અલ્ટીમેટમ! : દીકરીને પરત લાવવા ઉગ્ર માંગ

કિંજલ રબારીના પ્રેમલગ્ન વિવાદ બાદ ચૌધરી સમાજનું અલ્ટીમેટમ!
Published by: OBS Bureau
Last Updated: Mar 18, 2026, 12:04 PM IST

ગુજરાતમાં તાજેતરમાં જ કિંજલ રબારીના પ્રેમ લગ્નનો વિવાદ થયો હતો. જેમાં ગુજરાતી ગાયિકાએ ચૌધરી સમાજના યુવક સાથે પ્રેમ લગ્ન કરતાં મોટો વિવાદ થયો હતો. આ મામલે રબારી સમાજે રોષ વ્યક્ત કર્યો હતો. જોકે, અંતે કિંજલ રબારી ઘરે પરત ફરી હતી. ત્યારે હવે ચૌધરી સમાજની એક યુવતી અને રબારી સમાજના યુવક વચ્ચેના પ્રેમ લગ્ન અથવા ભાગી જવાના કિસ્સાએ જોર પકડ્યું છે. આ ઘટનાને પગલે ચૌધરી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સમાજના અગ્રણીઓએ એકત્ર થઈને તંત્રને કડક અલ્ટીમેટમ આપ્યું છે.

શું છે સમગ્ર વિવાદ?

મળતી માહિતી મુજબ, બનાસકાંઠા પંથકની ચૌધરી સમાજની એક યુવતીએ રબારી સમાજના યુવક સાથે 1 વર્ષ પહેલા ભાગીને લગ્ન કર્યા હતા. તેને વર્તમાનમાં એક બાળક પણ છે. ત્યારે હવે આ મામલે આજે ભાભર તાલુકાના ઋણી ગામે ચૌધરી સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. સમાજનું માનવું છે કે આ પ્રકારની ઘટનાઓથી સામાજિક તાણાવાણા પર નકારાત્મક અસર પડે છે. રવિવારે યોજાયેલી એક બેઠકમાં સમાજના આગેવાનોએ સ્પષ્ટ કર્યું હતું કે, જો 5 દિવસમાં દીકરીને પરત લાવવામાં નહીં આવે તો આંદોલન વધુ તેજ કરવામાં આવશે.

તંત્રને અપાયેલી ચીમકી અને સુરક્ષાની માંગ

ચૌધરી સમાજે આ મામલે પોલીસ પ્રશાસન અને સ્થાનિક તંત્ર સમક્ષ પોતાની રજૂઆત કરી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે આ પ્રકારના કિસ્સાઓમાં કાયદાકીય પ્રક્રિયા ધીમી ચાલી રહી છે. જો 5 દિવસોમાં દીકરી હેમખેમ ઘરે પરત નહીં ફરે, તો બનાસકાંઠાના વિવિધ વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન અને રસ્તા રોકો આંદોલન જેવા પગલાં ભરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

સામાજિક શાંતિ જાળવવી પડકારરૂપ

બનાસકાંઠા હંમેશા સંવેદનશીલ જિલ્લો રહ્યો છે, જ્યાં જ્ઞાતિગત સમીકરણો ખૂબ મહત્વ ધરાવે છે. બે મોટા સમાજો વચ્ચે સર્જાયેલી આ તણાવપૂર્ણ સ્થિતિને પગલે સ્થાનિક પોલીસ સતર્ક થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર પણ આ બાબતે વિવિધ અફવાઓ ન ફેલાય તે માટે દેખરેખ રાખવામાં આવી રહી છે. સમાજના વડીલો અને તટસ્થ આગેવાનો પણ મામલો શાંતિપૂર્ણ રીતે ઉકેલાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now