Home Gujarat Bhavnagar Ssc Result 2026 86 Percent Growth

ભાવનગર જિલ્લામાંથી 30,109 વિદ્યાર્થીઓએ આપી હતી ધો.10ની પરીક્ષા : 2434 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો, જાણો છેલ્લા 3 વર્ષનું પરિણામ

વિદ્યાર્થીઓની છબી
Image Credit: OBS bureau
Published by: Niraj Chokshi
Last Updated: May 06, 2026, 10:21 AM IST

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2026માં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આજે સવારે 8 વાગ્યાથી ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ભાવનગર જિલ્લાએ ફરી એક વખત સારું પ્રદર્શન કર્યું છે. ભાવનગર જિલ્લાનું 86.06 ટકા પરિણામ નોંધાવ્યું છે. ભાવનગર જિલ્લામાં આ વર્ષે કુલ 30,109 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 29,757 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાંમાંથી 2434 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી ઉત્તમ સિદ્ધિ હાંસલ કર્યો છે.

ત્રણ વર્ષમાં સતત સુધારો

જો છેલ્લા ત્રણ વર્ષના પરિણામ પર નજર કરીએ તો ભાવનગર જિલ્લામાં સતત સુધારો નોંધાઈ રહ્યો છે. વર્ષ 2024માં 84.61 ટકા, 2025માં 85.17 ટકા અને હવે 2026માં 86.06 ટકા પરિણામ નોંધાયું છે. એટલે કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 0.89 ટકાનો વધારો નોંધાયો છે. જિલ્લામાં કુલ 67 શાળાઓએ 100 ટકા પરિણામ મેળવી ગૌરવ મેળવ્યું છે, જ્યારે એક શાળાનું પરિણામ શૂન્ય ટકા નોંધાયું છે.

આ પણ વાંચો: વડોદરામાં SSC પરિણામનો દબદબો : છેલ્લા 3 વર્ષનો રેકોર્ડ તોડતું 78.38% પરિણામ, 1582 વિદ્યાર્થીઓ બન્યા 'સ્ટાર'

પ્રેરણાદાયી સફળતા

આ પરિણામમાં કેટલીક પ્રેરણાદાયી સફળતાઓ પણ સામે આવી છે. સ્વામિનારાયણ ગુરુકુળમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની આયુષી મોરીએ 95.28 ટકા મેળવી ઉત્તમ સિદ્ધિ મેળવી છે. સામાન્ય પાનનો ગલ્લો ચલાવતા પિતાની દીકરી આયુષીએ મહેનત અને લગનથી આ સફળતા હાંસલ કરી છે. તે જ રીતે, કપડાંની દુકાન ચલાવતા પરિવારમાંથી આવતી આફિયા સૌયાદએ 99.43 ટકા મેળવી જિલ્લામાં શ્રેષ્ઠ પરિણામોમાં સ્થાન મેળવ્યું છે.

આ પણ વાંચો: નર્મદા જિલ્લાએ SSC પરિણામમાં ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવી રચ્યો ઈતિહાસ : જાણો જિલ્લાનું કેટલા ટકા આવ્યું પરિણામ

વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ

પરિણામ જાહેર થતાં જ જિલ્લામાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. શાળાઓમાં ઉજવણી અને અભિનંદનનો માહોલ જોવા મળ્યો, જ્યાં વિદ્યાર્થીઓએ પોતાની સફળતાનો આનંદ વ્યક્ત કર્યો.

આ પરિણામ સાથે ભાવનગર જિલ્લાએ ફરી સાબિત કર્યું છે કે યોગ્ય માર્ગદર્શન, મહેનત અને સંકલ્પથી વિદ્યાર્થીઓ સતત ઉત્તમ પરિણામ મેળવી શકે છે. ભવિષ્યમાં વધુ સારા પરિણામોની અપેક્ષા સાથે શિક્ષણ ક્ષેત્રે નવી ઊંચાઈઓ હાંસલ કરવાની દિશામાં જિલ્લો આગળ વધી રહ્યો છે.

આ રીતે ભાવનગર જિલ્લામાં આ વર્ષે ધોરણ 10નું પરિણામ ઉત્સાહજનક રહ્યું છે. સારા પરિણામને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, અને વિદ્યાર્થીઓના ચહેરા પર સફળતાનું સ્મિત ઝળહળી ઉઠ્યું હતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now