Home Gujarat Food Department Raids In Raigad Himmatnagar Large Scale Scam Of Making Fake Ghee Caugh

ભેળસેળ કરનારા તત્વો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની લાલ આંખ : હિંમતનગરના રાયગઢમાં ફૂડ વિભાગના દરોડા, મોટા પાયે નકલી ઘી બનાવવાનું કૌભાંડ ઝડપાયું

ભેળસેળ કરનારા તત્વો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની લાલ આંખ
Published by: OBS Bureau
Last Updated: Mar 18, 2026, 01:46 PM IST

Himmatnagar News: સાબરકાંઠા જિલ્લામાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારા તત્વો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લાલ આંખ કરી છે. હિંમતનગર તાલુકાના રાયગઢ ગામે એક વેપારીના રહેણાંક મકાનમાં ચાલતી નકલી ઘી બનાવવાની ફેક્ટરી પર દરોડો પાડીને તંત્રએ મોટી સફળતા મેળવી છે.

વેપારીના ઘરે ચાલતું હતું કૌભાંડ

મળતી માહિતી મુજબ, રાયગઢ ગામના સ્થાનિક વેપારી ખુબીરામ શર્માના ઘરે નકલી ઘી બનાવવામાં આવતું હોવાની બાતમી ફૂડ વિભાગને મળી હતી. આ બાતમીના આધારે અધિકારીઓની ટીમે અચાનક દરોડો પાડતા ઘરની અંદર જ ભેળસેળનો કાળો કારોબાર જોઈને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.

કેવી રીતે તૈયાર કરાતું હતું નકલી ઘી?

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે વેપારી અત્યંત જોખમી રીતે નકલી ઘી તૈયાર કરી રહ્યો હતો. આ ઘી બનાવવા માટે નીચે મુજબની સામગ્રીનો ઉપયોગ થતો હતો. જેમાં લુઝ ઘી (ઓછી ગુણવત્તાવાળું), વનસ્પતિ ઘી (ડાલડા), સોયાબીન તેલ અને સફેદ પાવડર (ઘી જેવી સુગંધ અને ટેક્સચર લાવવા માટે). આ તમામ પદાર્થોનું મિશ્રણ કરીને તેને અસલી ઘી તરીકે બજારમાં પધરાવવાની પેરવી કરવામાં આવતી હતી.

208 કિલો જથ્થો જપ્ત

ફૂડ વિભાગે સ્થળ પરથી આશરે 208 કિલોગ્રામ જેટલો શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો જપ્ત કર્યો છે. તંત્ર દ્વારા આ જથ્થાના નમૂના (સેમ્પલ) લેવામાં આવ્યા છે અને તેને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ વેપારી સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તહેવારોના સમય પહેલા જ આ પ્રકારનું કૌભાંડ પકડાતા ચકચાર મચી ગઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now