Home Gujarat Vadodara Fire Breaks Out In Gas Line On Sama Chetak Bridge Flames Risehigh Causing Panic

વડોદરામાં ભયાનક આગથી મોટી દુર્ઘટના ટળી! : સમા-ચેતક બ્રિજ પાસે ગેસ લાઈનમાં બ્લાસ્ટ જેવો માહોલ, આકાશમાં ઉંચે સુધી જ્વાળાઓ દેખાઈ

વડોદરામાં ભયાનક આગથી મોટી દુર્ઘટના ટળી!
Published by: OBS Bureau
Last Updated: Mar 18, 2026, 02:47 PM IST

Vadodara News: વડોદરા શહેરમાં ઉનાળાના પ્રારંભ સાથે જ આગની ઘટનાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. શહેરના વ્યસ્ત ગણાતા સમા-ચેતક બ્રિજ ઉપરથી પસાર થતી ગેસની મુખ્ય પાઇપલાઇનમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. રોડની વચ્ચેથી નીકળતી આગની ઉંચી જ્વાળાઓ જોઈને વાહનચાલકો અને સ્થાનિક રહીશોમાં ફફડાટ ફેલાયો હતો. સદનસીબે, ફાયર બ્રિગેડ અને ગેસ વિભાગની સતર્કતાને કારણે મોટી હોનારત ટળી હતી.

ઘટનાની વિગત અને તંત્રની કામગીરી

મળતી માહિતી મુજબ, સમા-ચેતક બ્રિજ પર ગેસની લાઈનમાં આગ લાગ્યાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ તાબડતોડ ઘટનાસ્થળે દોડી આવી હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના પર પાણીનો મારો ચલાવવા છતાં ગેસનો પુરવઠો ચાલુ હોવાથી તે કાબુમાં આવતી નહોતી. ત્યારબાદ વડોદરા ગેસ લિમિટેડ (VGL) ની ટેકનિકલ ટીમ સ્થળ પર પહોંચી હતી અને લાઈનના બંને છેડે આવેલા વાલ્વ બંધ કર્યા હતા. ગેસનો પુરવઠો અટકતા જ કલાકોની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી શકાયો હતો.

શા માટે લાગી આગ?

વડોદરા ગેસ લિમિટેડના અધિકારી વિપુલ રાજપૂતે ઘટના અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, "પ્રાથમિક તપાસમાં એવું જણાય છે કે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા બાજુમાં કચરો સળગાવવામાં આવ્યો હતો. આ સ્થળે અન્ય કંપનીની ચેમ્બર બનાવતી વખતે ગેસ લાઈન એક્સપોઝ (ખુલ્લી) થઈ ગઈ હતી. કચરાની આગ ધીમે-ધીમે આ ખુલ્લી પાઇપ સુધી પહોંચી અને પ્લાસ્ટિકની પાઇપ સળગતા ગેસ લીકેજ સાથે આગ લાગી હતી."

જનજીવન પર અસર

આ ઘટનાને પગલે સુરક્ષાના કારણોસર સ્થાનિક પોલીસ દ્વારા બ્રિજ પરનો વાહનવ્યવહાર તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો હતો. આગના કારણે આસપાસના વિસ્તારોમાં સાવચેતીના ભાગરૂપે વીજ પુરવઠો પણ કાપી નાખવામાં આવ્યો હતો, જેના કારણે સ્થાનિક રહીશોને કલાકો સુધી હાલાકી ભોગવવી પડી હતી. જોકે, કોઈ જાનહાનિ ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલમાં ગેસ લાઈનના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now