Home Gujarat Banaskantha In Fierce Clash Between Rabari And Chaudhary Communities In Un Village 20 Vehicles

કિંજલ રબારીના પ્રેમલગ્ન વિવાદ બાદ બે સમાજમાં ફાટી નીકળ્યું ગૃહયુદ્ધ! : બનાસકાંઠાના આ ગામે રબારી અને ચૌધરી સમાજ વચ્ચે હિંસક અથડામણ, 20થી વધુ વાહનોમાં તોડફોડ

કિંજલ રબારીના પ્રેમલગ્ન વિવાદ બાદ બે સમાજમાં ફાટી નીકળ્યું ગૃહયુદ્ધ!
Published by: OBS Bureau
Last Updated: Mar 18, 2026, 12:29 PM IST

Love Marriage Dispute: બનાસકાંઠા જિલ્લાના થરાદ-વાવ પંથકમાં આવેલા ઉણ ગામે આજે સામાજિક વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. એક વર્ષ જૂના પ્રેમ લગ્નનો મામલો ફરી ગરમાતા રબારી અને ચૌધરી સમાજના લોકો સામસામે આવી ગયા હતા. આ જૂથ અથડામણમાં પથ્થરમારો અને લાકડીઓ વડે હુમલો કરવામાં આવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

બબાલનું મુખ્ય કારણ: એક વર્ષ જૂનો લગ્ન વિવાદ

આ સમગ્ર ઘટનાના મૂળમાં એક વર્ષ અગાઉ થયેલા આંતરજ્ઞાતીય લગ્ન હોવાનું સામે આવ્યું છે. એક વર્ષ પહેલા ઉણ ગામના રબારી સમાજના એક યુવકે ચૌધરી સમાજની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. ચૌધરી સમાજના આગેવાનો દ્વારા આ યુવતીને પરત સોંપવાની માગણી કરવામાં આવી રહી હતી, જે લાંબા સમયથી વિવાદનું કેન્દ્ર બની હતી.

રુણી ગામની બેઠક બાદ મામલો બિચક્યો

આ વિવાદના ઉકેલ માટે અથવા આક્રોશ વ્યક્ત કરવા માટે આજે રુણી ગામે ચૌધરી સમાજની એક મોટી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સમાજના લોકોએ ભારે આક્રોશ ઠાલવ્યો હતો. બેઠક પૂર્ણ થયા બાદ લોકોના ટોળા ઉણ ગામ તરફ રવાના થયા હતા, જ્યાં મામલો વધુ વણસ્યો હતો. વાહનોમાં તોડફોડ અને પથ્થરમારો થયો હતો. ઉણ ગામે જ્યારે બંને પક્ષો સામસામે આવ્યા ત્યારે વાતચીતને બદલે હિંસા શરૂ થઈ ગઈ હતી. આક્રોશિત ટોળાએ ગામમાં રહેલી 20 થી 25 જેટલી ગાડીઓના કાચ તોડી નાખ્યા હતા. લાકડીઓ અને પથ્થરો વડે બંને સમાજના લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં કેટલાક લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હોવાના પણ અહેવાલ છે.

પોલીસનો કાફલો ઘટનાસ્થળે

ઘટનાની જાણ થતા જ બનાસકાંઠા જિલ્લા પોલીસ સજ્જ થઈ ગઈ હતી. વાવ અને થરાદ પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ઉણ ગામે દોડી ગયો હતો. હાલમાં ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પોલીસે બંને પક્ષે શાંતિ જાળવવા અપીલ કરી છે અને તોડફોડ કરનારા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now