Home Gujarat Important Bjp Meeting Chaired By State President Jagadish Vishwakarma At Kamala

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગુજરાતમાં ભાજપનો શંખનાદ : ‘કમલમ’ ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ભાજપાની મહત્વની બેઠક

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગુજરાતમાં ભાજપનો શંખનાદ
Published by: OBS Bureau
Last Updated: Mar 18, 2026, 02:40 PM IST

Gandhinagar News: ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ભારતીય જનતા પાર્ટીએ પોતાની કમર કસી લીધી છે. ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપા કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં એક મહત્વની પ્રદેશ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી ચૂંટણી જીતવા માટેની વ્યૂહરચના, માઇક્રોપ્લાનિંગ અને સંગઠનાત્મક માળખાને વધુ મજબૂત કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

બુથ સ્તર સુધીનું માઇક્રોપ્લાનિંગ અને વિકાસનું રિપોર્ટ કાર્ડ

બેઠક અંગે માહિતી આપતા પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલ પટેલે જણાવ્યું કે, જગદીશભાઈ વિશ્વકર્માએ જિલ્લા, મહાનગર, મંડલ અને છેક બુથ સ્તર સુધીની સંગઠન વ્યવસ્થા પર ભાર મૂક્યો છે. પ્રદેશ અધ્યક્ષશ્રીએ કાર્યકર્તાઓને આહ્વાન કર્યું કે: પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી અને ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં થયેલા કાર્યો તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના વિકાસકામોનું 'રિપોર્ટ કાર્ડ' લઈને કાર્યકર્તાઓ જનતા વચ્ચે જશે. વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટીના કાર્યકર્તાઓની વિશાળ ફોજ 'ઘર-ઘર સંપર્ક' દ્વારા જન-જન સુધી પહોંચશે. જગદીશભાઈએ પ્રવાસ, પરિચય અને પરિશ્રમ** થકી સંવાદ, સંપર્ક અને સંકલનને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો.

સચોટ વ્યૂહરચના અને સંગઠન શક્તિ

પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપતા જણાવ્યું કે ગુજરાત ભાજપા હંમેશા વિજયની પરંપરા જાળવી રાખવા માટે જાણીતી છે. તેમણે “સંઘે શક્તિ કલયુગે” ના મંત્ર સાથે સામૂહિક પ્રયાસો દ્વારા ચૂંટણી મેદાનમાં ઉતરવા પર ભાર મૂક્યો હતો. સચોટ વ્યૂહરચના અને કાર્યકર્તાઓના સમર્પણથી જ ફરી એકવાર ભવ્ય વિજય નિશ્ચિત બનશે તેમ તેમણે ઉમેર્યું હતું.

આગામી કાર્યક્રમો અને મહત્વની જાહેરાતો

પ્રદેશ ચૂંટણી સંચાલન સમિતિના ઇન્ચાર્જ ગોરધન ઝડફિયાએ ચૂંટણી વ્યવસ્થાપન અંગે વિગતો આપતા જણાવ્યું કે 26 માર્ચ સુધીમાં તમામ જિલ્લા અને મંડલ સ્તરની બેઠકો પૂર્ણ કરી લેવામાં આવશે. 29 માર્ચના રોજ પ્રધાનમંત્રીના ‘મન કી બાત’ કાર્યક્રમને મંડલ સ્તરે ‘ટિફિન બેઠક’ તરીકે રાજ્યવ્યાપી સ્વરૂપે ઉજવવામાં આવશે. 6 એપ્રિલે ‘ભાજપા સ્થાપના દિવસ’ અને 14 એપ્રિલે ‘ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતી’ ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.

આ બેઠકમાં પ્રદેશ પદાધિકારીઓ, જિલ્લા-મહાનગરના પ્રભારીઓ, પ્રમુખઓ અને ચૂંટણી સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપાના નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે પક્ષની સુનિયોજિત વ્યવસ્થા અને કાર્યકર્તાઓના પરિશ્રમથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપા પ્રચંડ વિજય હાંસલ કરશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now