સુરતમાં તાજેતરમાં બનેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની બેંકમાં લૂંટની ઘટનાએ બેંકિંગ સુરક્ષા મુદ્દે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. આ ઘટનાના પગલે ઓલ ઇન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સ્ટાફ ફેડરેશન મેદાનમાં આવી છે અને દેશભરના SBI કર્મચારીઓ માટે હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. ફેડરેશન દ્વારા જાહેર કરાયું છે કે આગામી 25 અને 26 તારીખે સમગ્ર દેશમાં SBI બેંકના કર્મચારીઓ હડતાળ પર જશે. આ હડતાળ પાછળ કુલ 16 મુખ્ય માંગણીઓ છે, જેમાં સુરક્ષા, ભરતી અને કર્મચારી હિતના મુદ્દાઓ સામેલ છે.
લૂંટની ઘટનાએ વધારી ચિંતા
સુરતમાં 27 તારીખે બનેલી લૂંટની ઘટનામાં લાખો રૂપિયાની ચોરી થઈ હતી. લૂંટારૂઓએ બેંક સ્ટાફ અને ગ્રાહકોને બંધક બનાવી આ ઘટનાને અંજામ આપ્યો હતો. મહત્વની વાત એ છે કે આ બ્રાન્ચમાં કોઈ સિક્યોરિટી ગાર્ડ નહોતો, જેનાથી લૂંટ સરળ બની ગઈ. ખાસ કરીને વરાછા વિસ્તારમાં આવેલી આ બ્રાન્ચ ગોલ્ડ લોન માટે જાણીતી છે અને બીજા નંબરની મોટી ગોલ્ડ લોન બ્રાન્ચ ગણાય છે. છતાં પણ અહીં શરૂઆતથી જ સિક્યોરિટી ગાર્ડની વ્યવસ્થા ન હોવાનો આક્ષેપ થયો છે.
આ પણ વાંચો: AAP ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો : કોર્ટે ફટકારી બદનક્ષીની નોટિસ, 23 જૂને હાજર રહેવા નોટિસ
સુરક્ષા વ્યવસ્થા પર સવાલ
ફેડરેશનનો આક્ષેપ છે કે 2022થી સિક્યોરિટી ગાર્ડની ભરતી બંધ છે. હાલમાં પ્રાઇવેટ સિક્યોરિટી પર આધાર રાખવામાં આવે છે, પરંતુ તેઓ નિયમોનું પાલન કરતા નથી અને બેંકની અંદર પ્રવેશ પણ કરતા નથી. આ કારણે ગોલ્ડ અને નાણાંની લેવડદેવડ કરતી બેંકોમાં જોખમ વધ્યું છે. ફેડરેશનએ ઝારખંડમાં બનેલી એક સમાન ઘટનાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે ત્યાં બેંક ઓફ મહારાષ્ટ્રમાં લૂંટ દરમિયાન લગભગ 5 કરોડનું સોનુ લૂંટી લેવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: ડીસામાં ACBનો સપાટો : તલાટીને ફિલ્મી ઢબે રંગે હાથ દબોચ્યો!
મુખ્ય માંગણીઓ શું છે?
મેસેન્જર અને આર્મ્ડ ગાર્ડની તાત્કાલિક ભરતી
29 વર્ષથી બંધ ભરતી પ્રક્રિયા ફરી શરૂ કરવી
NPS કર્મચારીઓને પેન્શન ફંડ મેનેજર બદલવાનો વિકલ્પ
2019 બાદ જોડાયેલા કર્મચારીઓને ઇન્ટર-સર્કલ ટ્રાન્સફર
પરમેનન્ટ નોકરીનું આઉટસોર્સિંગ બંધ કરવું
પગાર સમાનતા માટે કરિયર પ્રોગ્રેશન સ્કીમની સમીક્ષા
7th BPS નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં તમામ ઘટકોનો સમાવેશ
મેડિકલ રીઇમ્બર્સમેન્ટમાં 100% ખર્ચ અને પંચકર્મ સારવારનો સમાવેશ
HRMS પોર્ટલની સમસ્યાઓ ઉકેલવી
બોર્ડમાં વર્કમેન ડાયરેક્ટરની નિમણૂક
ક્રોસ-સેલિંગ હેઠળ વીમા મિસ-સેલિંગ બંધ કરવી
યુનિયનનો આક્ષેપ
ફેડરેશનએ આક્ષેપ કર્યો છે કે દ્વિપક્ષીય સમજૂતીઓનું યોગ્ય અમલીકરણ થતું નથી અને સેટલમેન્ટનો ભંગ થઈ રહ્યો છે, જેના કારણે કર્મચારીઓને હડતાળનો રસ્તો અપનાવવો પડ્યો છે. સાથે જ, છેલ્લા 29 વર્ષથી સબઓર્ડિનેટ કેડરમાં ભરતી ન થવાને કારણે ક્લાર્ક અને અન્ય સ્ટાફ પર વધારાનો બોજ આવી રહ્યો છે, જે સીધી રીતે ગ્રાહક સેવામાં અસર પેદા કરી રહ્યો છે.






