Home Gujarat Uniform Civil Code Approved In Gujarat Rules From Marriage To Live In Will Change

ગુજરાતમાં ઐતિહાસિક UCC બિલને કેબિનેટની લીલી ઝંડી : લગ્ન, વારસો અને લિવ-ઈન માટે આવશે નવા કડક નિયમો!

ગુજરાતમાં ઐતિહાસિક UCC બિલને કેબિનેટની લીલી ઝંડી
Published by: OBS Bureau
Last Updated: Mar 18, 2026, 01:11 PM IST

ગુજરાત સરકાર હવે ઉત્તરાખંડના માર્ગે ચાલીને રાજ્યમાં સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code) લાગુ કરવા માટે સજ્જ થઈ ગઈ છે. તાજેતરમાં મળેલી કેબિનેટ બેઠકમાં UCC બિલના ડ્રાફ્ટને સત્તાવાર લીલી ઝંડી આપી દેવામાં આવી છે. આ ઐતિહાસિક કાયદાનો મુખ્ય હેતુ તમામ ધર્મ અને જ્ઞાતિના નાગરિકો માટે લગ્ન, છૂટાછેડા અને વારસા જેવા વ્યક્તિગત વિષયોમાં એકસમાનતા લાવવાનો છે.

લગ્ન અને છૂટાછેડાના નિયમોમાં મોટો ફેરફાર

નવા ડ્રાફ્ટ મુજબ, હવે દરેક ધર્મના લોકો માટે 'એક જ લગ્ન'નો નિયમ લાગુ થશે. કુલ 2 ભાગ અને 7 પ્રકરણોમાં વહેંચાયેલા આ કાયદામાં લગ્નની નોંધણી (Registration) ફરજિયાત બનાવવામાં આવી છે. જોકે, નોંધણી ન કરાવવાથી લગ્ન અમાન્ય નહીં ગણાય, પરંતુ નિયત સમયમાં રજિસ્ટ્રેશન ન કરાવનાર પક્ષકારોને દંડ ભરવો પડશે. સામાજિક સ્થિરતા જાળવવા માટે લગ્નના એક વર્ષ સુધી છૂટાછેડાની અરજી કરી શકાશે નહીં. તે સાથે જ, સંતાનોના ભરણપોષણ અને કસ્ટડી માટે કડક જોગવાઈઓ કરવામાં આવી છે જેથી બાળકોનું ભવિષ્ય સુરક્ષિત રહે.
લિવ-ઈન રિલેશનશિપ માટે રજિસ્ટ્રેશન ફરજિયાત

UCC હેઠળ લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા યુગલો માટે નવા નિયમો અમલી બનશે. હવે આવા સંબંધોની સ્થાનિક રજિસ્ટ્રાર પાસે નોંધણી કરાવવી અનિવાર્ય રહેશે. જો કોઈ વિગતો છુપાવશે તો જેલ કે દંડની સજા થઈ શકે છે. મહત્વની વાત એ છે કે, લિવ-ઈન સંબંધોથી જન્મેલા બાળકોને પિતાની મિલકતમાં સમાન હક અને કાયદેસરની માન્યતા મળશે. સંબંધનો અંત લાવવા માટે પણ રજિસ્ટ્રાર પાસેથી પ્રમાણપત્ર મેળવવું જરૂરી બનશે.

મિલકત અને વારસામાં મહિલાઓને સમાન હક

વારસા હક બાબતે આ કાયદો ક્રાંતિકારી સાબિત થશે. અત્યાર સુધી ધર્મ મુજબ અલગ કાયદા હતા, પરંતુ હવે પુત્ર અને પુત્રી બંનેને પિતાની મિલકતમાં સમાન અધિકાર મળશે. વસિયતનામું (Will) બનાવવાની પ્રક્રિયા પણ સરળ કરવામાં આવી છે, જેનાથી કાયદાકીય વિવાદો ઘટશે અને મહિલાઓને આર્થિક સુરક્ષા મળશે.

આદિવાસી પરંપરાઓનું રક્ષણ

ગુજરાત સરકારે આ કાયદામાં સામાજિક વિવિધતાનું પૂરતું ધ્યાન રાખ્યું છે. અનુસૂચિત જનજાતિ (ST) અને ચોક્કસ વિશિષ્ટ સમુદાયોને તેમની પરંપરાઓ જાળવી રાખવા માટે આ કાયદાની કેટલીક જોગવાઈઓમાંથી મુક્તિ આપવામાં આવી છે. જો 25 માર્ચના રોજ વિધાનસભામાં આ બિલ પસાર થશે, તો ઉત્તરાખંડ બાદ ગુજરાત UCC લાગુ કરનાર દેશનું બીજું રાજ્ય બનશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now