Home Gujarat Ahmedabad Heatwave Traffic Police Cooling Jackets Initiative

અમદાવાદમાં ગરમીનો પ્રકોપ : ટ્રાફિક પોલીસ માટે 'કૂલિંગ જેકેટ્સ' ની નવી વ્યવસ્થા

અમદાવાદમાં ગરમીનો પ્રકોપ
Published by: OBS Bureau
Last Updated: Mar 18, 2026, 11:56 AM IST

અમદાવાદ શહેરમાં ઉનાળાની ગરમી દિવસેને દિવસે ગંભીર બની રહી છે. હાલ તાપમાન 40 ડિગ્રી પાર પહોંચી ગયું છે અને હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં તે 44 થી 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. આ વધતી ગરમીનો પ્રભાવ સામાન્ય જનજીવન સાથે ખાસ કરીને ટ્રાફિક પોલીસ જવાનો પર વધુ જોવા મળી રહ્યો છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. ટ્રાફિક જવાનોને ગરમીથી બચાવવા માટે ખાસ “કૂલિંગ જેકેટ્સ” આપવામાં આવી રહી છે. આ આધુનિક જેકેટ્સમાં બે કૂલિંગ ફેન અને કોલર ભાગમાં કૂલિંગ જેલનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે શરીરને ઠંડક આપે છે.

ટ્રાફિક એડમિન ચિરાગ પટેલના જણાવ્યા મુજબ, આ જેકેટ્સ પહેરવાથી આસપાસના તાપમાન કરતાં 7 થી 8 ડિગ્રી ઓછું તાપમાન અનુભવાય છે. સાથે જ એક વખત ચાર્જ કર્યા પછી બેટરી લગભગ 10 કલાક સુધી કાર્યક્ષમ રહે છે, જે લાંબા સમય સુધી ફરજ બજાવતા જવાનો માટે ઉપયોગી સાબિત થાય છે.
હાલ આ પ્રોજેક્ટ પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવ્યો છે અને પસંદ કરેલા જંક્શન પર તેનો અભ્યાસ કરવામાં આવશે. આગળ જઈને જરૂરી સુધારા સાથે સમગ્ર શહેરમાં આ જેકેટ્સ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને ગ્રીન નેટ લગાવવાની યોજના પણ બનાવાઈ રહી છે, જેથી ટ્રાફિક સિગ્નલ પર ઉભેલા લોકોને ગરમીથી રાહત મળી શકે.

આ પહેલ ટ્રાફિક જવાનોની આરોગ્ય સુરક્ષા માટે મહત્વપૂર્ણ સાબિત થશે અને ઉનાળાની કઠિન પરિસ્થિતિમાં તેમની કાર્યક્ષમતા વધારવામાં મદદરૂપ બનશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now