Home Gujarat Ahmedabad Gujarat Cyber Crime 53 Crore Fraud 10 Accused Arrested

ગુજરાતમાં 53 કરોડથી વધુની સાયબર ઠગાઈનો પર્દાફાશ : આંતરરાજ્ય રેકેટના 10 આરોપી ઝડપાયા

સાયબર ક્રાઇમમાં પકડાયેલા આરોપી
Published by: Chintan Chavda
Last Updated: May 05, 2026, 10:18 AM IST

ગુજરાતમાં વધતા સાયબર ક્રાઇમ સામે મોટી સફળતા મળતી સામે આવી છે. CID ક્રાઇમના Cyber Centre of Excellence દ્વારા 53 કરોડથી વધુની રકમની સાયબર ઠગાઈ સાથે સંકળાયેલા આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન કુલ 10 મુખ્ય આરોપીઓને અમદાવાદ અને આણંદ જિલ્લામાંથી ઝડપી પાડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, ટેકનિકલ સર્વેલન્સ અને માનવ સૂત્રોના આધારે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તપાસમાં સામે આવ્યું છે કે આ રેકેટ દેશના વિવિધ રાજ્યોમાં નોંધાયેલા 132 સાયબર ગુનાઓ સાથે સીધો સંબંધ ધરાવે છે, જેમાં અંદાજે રૂ.53.55 કરોડની ઠગાઈ થઈ છે. આ કેસોમાં ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ સહિત અનેક રાજ્યોનો સમાવેશ થાય છે.

197 બેંક એકાઉન્ટ્સનો ઉપયોગ, કમિશન આધારિત નેટવર્ક

તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી મળેલા મોબાઇલ ફોનમાંથી 197 બેંક એકાઉન્ટ્સની વિગતો મળી આવી હતી. જેમાંથી ઓછામાં ઓછા 60 એકાઉન્ટ્સનો ઉપયોગ દેશભરમાં નોંધાયેલા 132થી વધુ સાયબર ઠગાઈ કેસોમાં થયો હોવાનું ખુલ્યું છે.

આરોપીઓ કમિશન આધારિત કામ કરતા હતા, જેમાં તેઓ અન્ય લોકો પાસેથી બેંક એકાઉન્ટ ભાડે લઇને તેમાં ઠગાઈની રકમ ટ્રાન્સફર કરતા હતા. બાદમાં આ નાણાં અલગ-અલગ ચેનલ મારફતે હેરફેર કરવામાં આવતા હતા. આ મોડસ ઓપરંડીમાં ખાસ કરીને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, UPI ફ્રોડ અને ટ્રેડિંગ ફ્રોડનો સમાવેશ થાય છે.
અમદાવાદમાં બાઇક ચોરી ગેંગનો પર્દાફાશ!: 12 બાઇક સાથે રાજસ્થાનના 3 આરોપી ઝડપાયા, ચોંકાવનારી હકીકત આવી સામે!

અનેક રાજ્યોમાં ફેલાયેલો નેટવર્ક

આ કેસ માત્ર ગુજરાત પૂરતો મર્યાદિત નથી. મળતી માહિતી મુજબ, આ રેકેટનો સંપર્ક દેશના અનેક રાજ્યોમાં હતો. ગુજરાતમાં 22 કેસ, કર્ણાટકમાં 14, મહારાષ્ટ્રમાં 13, ઉત્તર પ્રદેશમાં 10 અને કેરળમાં 10 કેસો નોંધાયા છે. આ ઉપરાંત રાજસ્થાન, તમિલનાડુ, હરિયાણા, પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં પણ કેસ નોંધાયા છે.

તમને જણાવી દઈએ કે, હાલના પકડાયેલ કુલ-10 આરોપીઓ પૈકી સાહિલમિયા શબ્બિરમિયા મલેક નાઓએ પેટલાદના સલમાન વ્હોરાના કર્ણાટકા બેંકનું એકાઉન્ટ મહારાષ્ટ્ર રાજ્યના ચકાચારી બાબા સિદીકી મર્ડર કેસના આરોપીઓને પુરુ પાડેલું હતું, જે ગુના હેઠળ મહારાષ્ટ્ર પોલીસે સલમાન વ્હોરાની ધરપકડ કરેલ છે.

આરોપીઓ પાસેથી જપ્ત કરાયેલા સાધનો

પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી 11 મોબાઇલ ફોન, 3 ચેકબુક, 3 પાસબુક અને 3 ડેબિટ કાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ તમામ વસ્તુઓ સાયબર ગુનાઓમાં ઉપયોગમાં લેવાતી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
GSEB ધોરણ 10નું પરિણામ કાલે સવારે 8 વાગ્યે જાહેર થશે: Whatsapp દ્વારા પણ જોઈ શકાશે રિઝલ્ટ, જાણો કેવી રીતે

તપાસમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે, ખાસ કરીને આ નેટવર્કના મુખ્ય સૂત્રધારો અને અન્ય સંકળાયેલા લોકો સુધી પહોંચવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.

જનતાને ચેતવણી: બેંક એકાઉન્ટ ભાડે ન આપો

તંત્ર દ્વારા જનતાને ખાસ અપીલ કરવામાં આવી છે કે કોઈપણ અજાણી વ્યક્તિને પોતાના બેંક એકાઉન્ટ, ATM કાર્ડ અથવા ચેકબુક ભાડે ન આપવી. સાયબર ઠગો સામાન્ય રીતે લાલચ આપી આવા એકાઉન્ટ્સનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે કરે છે.

સાથે જ, સોશિયલ મીડિયા પર ટૂંકા સમયમાં વધારે નફો આપવાની લાલચ આપતી સ્કીમ્સથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. કોઈપણ સાયબર ગુનો બને ત્યારે તાત્કાલિક 1930 હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવા પણ અપીલ કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now