Home Gujarat Ahmedabad Ahmedabad Online Cricket Betting Racket Cyber Fraud 324 Crore

IPL સટ્ટાથી કરોડોની છેતરપિંડી : અમદાવાદમાંથી ઝડપાયેલા રેકેટના તાર દુબઈ સુધી પહોંચ્યા

આરોપીઓની છબી
Image Credit: OBS Bureau
Published by: Niraj Chokshi
Last Updated: Jun 21, 2026, 01:23 PM IST

ગુજરાતમાં ગેરકાયદેસર ઓનલાઈન ક્રિકેટ સટ્ટાબાજી અને સાયબર ફ્રોડ સામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા કરવામાં આવેલી મોટી કાર્યવાહીમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી ઓનલાઈન IPL ક્રિકેટ સટ્ટા બેટિંગનું સંચાલન કરતા એક મોટા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને અનેક આરોપીઓની ધરપકડ કરીને કરોડો રૂપિયાની શંકાસ્પદ નાણાકીય લેવડદેવડના તાર શોધ્યા છે.

સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે નિકોલ વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન આરોપી વિજયકુમાર વલ્લભભાઈ કરડાણીને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પાસેથી ટેબલેટ, ત્રણ મોબાઇલ ફોન, ટીવી, સેટઅપ બોક્સ, કેલ્ક્યુલેટર, રોકડ રકમ, ચાર્જર, વાહન સહિત કુલ ₹15.73 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

47 લોકો સામે ગુનો નોંધાયો

પોલીસ તપાસમાં માત્ર એક વ્યક્તિ નહીં પરંતુ સમગ્ર સંગઠિત નેટવર્ક કાર્યરત હોવાનું સામે આવ્યું છે. પોલીસે મુખ્ય આરોપી રાજવીરસિંહ સહિત કુલ 47 લોકો સામે ગુનો નોંધ્યો છે. આ કેસમાં જુગારધારા હેઠળની કલમ 4 અને 5 ઉપરાંત ભારતીય ન્યાય સંહિતા (BNS) અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. હાલ સમગ્ર કેસની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર એ.વાય. બલોચ કરી રહ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદના મુસાફરો માટે રાહતના સમાચાર : સાબરમતીથી ચાલતી 3 એક્સપ્રેસ ટ્રેન હવે ગાંધીગ્રામ સ્ટેશનથી દોડશે

મ્યુલ એકાઉન્ટ દ્વારા કરોડોની લેવડદેવડ

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપીઓ ગેરકાયદેસર ક્રિકેટ સટ્ટામાંથી થતી આવકને છુપાવવા માટે અન્ય લોકોના નામે ખોલાયેલા બેંક ખાતાઓનો ઉપયોગ કરતા હતા. આવા ખાતાઓને સામાન્ય ભાષામાં “મ્યુલ એકાઉન્ટ” કહેવામાં આવે છે. પોલીસને વિજય કરડાણીના મોબાઇલ ફોનમાંથી વોટ્સએપ ગ્રુપ મારફતે 281 જેટલા બેંક એકાઉન્ટની વિગતો મળી આવી હતી. આ એકાઉન્ટોની NCCRP પોર્ટલ પર ચકાસણી કરતાં 50 એકાઉન્ટ પહેલેથી જ ફ્રીઝ હોવાનું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત આરોપી અનિલ ગોકળદાસ ઉર્ફે ગોપાલદાસ કોટકના મોબાઇલમાંથી 1907 બેંક એકાઉન્ટની વિગતો મળી આવી હતી. જેમાંથી 304 એકાઉન્ટ વિવિધ એજન્સીઓ દ્વારા અગાઉથી જ ફ્રીઝ કરવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે.

સાયબર ફ્રોડ સાથે પણ જોડાયેલા તાર

તપાસમાં સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે આ બેંક એકાઉન્ટોનો ઉપયોગ માત્ર ક્રિકેટ સટ્ટા માટે જ નહીં પરંતુ સાયબર ફ્રોડ અને ઓનલાઈન છેતરપિંડી માટે પણ થતો હતો. NCCRP પોર્ટલ પર થયેલી તપાસ દરમિયાન કુલ 354 બેંક એકાઉન્ટો સામે દેશના વિવિધ રાજ્યોમાં ઓનલાઈન ફરિયાદો નોંધાયેલી હોવાનું બહાર આવ્યું છે. આ તમામ એકાઉન્ટો વિરુદ્ધ કુલ 542 સાયબર ફ્રોડ ફરિયાદો નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે. ફરિયાદોના આધારે અંદાજે ₹324.58 કરોડથી વધુની છેતરપિંડી કરવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ આંકડો સમગ્ર કેસને વધુ ગંભીર બનાવે છે અને સટ્ટા નેટવર્કની વ્યાપકતા દર્શાવે છે.

આ પણ વાંચો: ભાવનગરમાં યુવાનના મોત બાદ વન વિભાગની કાર્યવાહી તેજ : વધુ એક નર સિંહ પકડાયો

દુબઈથી સંચાલિત થતું નેટવર્ક?

તપાસમાં વધુ એક મહત્વપૂર્ણ ખુલાસો થયો છે. પોલીસના જણાવ્યા મુજબ આકાશ રત્નાકર નાયક નામના આરોપીને દુબઈમાં રહેતા "યુઆન" નામના વ્યક્તિ દ્વારા 40 ટકા કમિશનના આધારે સટ્ટાની નાણાકીય લેવડદેવડ સંભાળવાની ફ્રેન્ચાઇઝી આપવામાં આવી હતી. આકાશ નાયકે પોતે ભારતના વિવિધ રાજ્યોમાં અન્ય લોકોને 20થી 25 ટકા કમિશન પર બ્રાન્ચ ચલાવવા આપી હતી. જેના કારણે દેશભરમાં એક વિશાળ નેટવર્ક ઉભું થયું હતું.

પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ ગેરકાયદેસર કમાણીનો કેટલો ભાગ દેશની બહાર મોકલવામાં આવ્યો હતો અને તેમાં આંતરરાષ્ટ્રીય હવાલા અથવા મની લોન્ડરિંગના કોઈ તત્વો સંકળાયેલા છે કે નહીં.

આ પણ વાંચો: "મારી પાછળ મરણોત્તર વિધિઓ ના કરતા" : પરિવારને આટલું કહીં થરાદના વૃદ્ધની ગંગામાં જળસમાધિ! નદી સાથે હતો ખાસ સંબંધ

17 મુખ્ય આરોપીઓની ઓળખ

તપાસ દરમિયાન પોલીસ દ્વારા વિજય કરડાણી, મિત જયેશભાઈ કાલકરિયા, જય ઉર્ફે રાજા અઘેરા, અનિલ કોટક, હર્ષલ દાફડા, નિકુંજ, કરણ ઠાકોર, ચેતન વાછાણી, પ્રફુલ, આકાશ નાયક, રોહન થાપા, રાજવીરસિંહ, યુઆન (દુબઈ), સમ્રાટ પટેલ, નિથિનસિંહ, ટોમ ઠક્કર અને હાર્દિક ડાભી સહિત કુલ 17 મુખ્ય આરોપીઓની ઓળખ કરવામાં આવી છે. પોલીસના મતે આ તમામ આરોપીઓ છેલ્લા બે વર્ષથી વધુ સમયથી ગેરકાયદેસર ઓનલાઈન ક્રિકેટ સટ્ટા અને ગેમિંગ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હતા અને મ્યુલ એકાઉન્ટ મારફતે કરોડોની લેવડદેવડ કરતા હતા.

હજુ તપાસ ચાલુ

સ્ટેટ મોનિટરિંગ સેલ હવે મની ટ્રેઇલ, બેંક ખાતાઓના વાસ્તવિક માલિકો, દેશ-વિદેશમાં ગયેલી રકમ અને અન્ય સંકળાયેલા લોકોની ભૂમિકા અંગે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. હજુ અનેક આરોપીઓ ફરાર હોવાનું માનવામાં આવે છે અને તેમની ધરપકડ માટે કાર્યવાહી ચાલુ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now