બનાસકાંઠાના કાંકરેજમાં કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલી અને જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંસદ ગેનીબેન ઠાકોર, ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા, તુષાર ચૌધરી સહિતના કોંગ્રેસના અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા. રેલી અને સભાના માધ્યમથી કોંગ્રેસે ભાજપ સરકાર સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો અને સરકારી નીતિઓ પર તીખી ટિપ્પણીઓ કરી હતી.
''કોંગ્રેસના 12 ધારાસભ્ય 165 બરાબર''
સભા સંબોધતા અમિત ચાવડાએ કહ્યું કે, ''ધારાસભામાં કોંગ્રેસના માત્ર 12 ધારાસભ્યો હોવા છતાં તેઓ 165 ભાજપના ધારાસભ્યોનો સામનો કરવા સક્ષમ છે''. વધુમાં જણાવ્યું કે, "સમગ્ર ગુજરાતમાં વિધાનસભા વાઇઝ જન આક્રોશ સભાઓ યોજાઈ રહી છે અને આ રેલી પણ એ જ અભિયાનનો એક ભાગ છે."
''જેને સાયકલ ન હતી, આજે એ લોકો કારમાં ફરે છે''
તેમણે જીએસટી, મોંઘવારી, અને ભ્રષ્ટાચારના મુદ્દે ભાજપ સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું કે, "આજના સમયમાં બજારમાંથી જે પણ વસ્તુ ખરીદીએ, તેની પર જીએસટી લાગે છે. આપણા પૈસાથી સરકાર તિજોરી ભરે છે, અને પણ આપણને કોઈ રાહત નથી આપતી, આ સરકારમાં પોલીસ તોડ કરે છે અને કે જેને સાયકલ ન હતી, આજે એ લોકો કારમાં ફરે છે''
''... તો વોટ ચોરી જેવી થશે"
બીજું મહત્વનું નિવેદન અમિત ચાવડાએ સીમાંકન મુદ્દે આપતા કહ્યું કે, "બનાસકાંઠાનું વિભાજન કરીને નવો વાવ-થરા જિલ્લો બનાવવામાં આવ્યો છે, જેમાં સીમાંકન થવાનું છે. જો આ પ્રક્રિયામાં લોકોને બેદરકારી રહેશે તો વોટ ચોરી જેવી થશે". તેમણે પૂર્વ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના મતવિસ્તારમાં પણ કોંગ્રેસે મત ચોરી પકડ્યાનું દાવો કર્યો. "આખા ગુજરાતમાં કોંગ્રેસ મત ચોરીના કેસ પકડીને વોટ ચોરોને ખુલ્લા પાડશે, એવું સ્પષ્ટ સંકેત પણ ચાવડાએ આપ્યું."
શા માટે કોંગ્રેસે આ સભા માટે કાંકરેજ પસંદ કર્યું?
કોંગ્રેસે કાંકરેજને જન આક્રોશ રેલી માટે કેમ પસંદ કર્યું જે મુદ્દે રાજરીય નિષ્ણાંતો માને છે કે, કાંકરેજ બેઠક હાલમાં કોંગ્રેસના કબજામાં છે, એટલે વિસ્તારના લોકો સાથે સીધી વાતચીત કરવી સરળ બને. તાજેતરમાં નવા જિલ્લાની જાહેરાતથી લોકોમાં ઉત્સાહ હતો, પરંતુ જિલ્લા વિભાજન, સીમાંકન અને વાવ-પૂર પ્રભાવિત મુદ્દાઓને લઈને અહીં રાજકીય રીતે નારાજગી જતાવી શકાય. વધુમાં, જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલાનો મતવિસ્તાર પણ કાંકરેજ છે, જે ભાજપ માટે રાજકીય દ્રષ્ટિએ મહત્વ ધરાવે છે. આ રેલી અને સભા દ્વારા કોંગ્રેસે પ્રદેશમાં પોતાનું આક્રમક રાજકીય વલણ દર્શાવ્યું છે.