ધોલેરા હાઈવે પર એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. સુરતથી ભાવનગર તરફ જઈ રહેલી બે લકઝરી બસ, નટરાજ ટ્રાવેલ્સ અને બદ્રીનાથ ટ્રાવેલ્સ એકબીજા સાથે ટક્કરાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે નટરાજ ટ્રાવેલ્સની એક લકઝરી બસ પલટી ગઈ હતી.
10 ઘાયલ, 3ની હાલત ગંભીર
આ અકસ્માતમાં 10 લોકો ઘાયલ થયા છે. જેમાંથી 3 વ્યક્તિઓની હાલત ગંભીર હોવાનું પોલીસે જણાવ્યું છે. અકસ્માત બાદ ઘાયલ લોકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત લોકોને વધુ સારવાર માટે રિફર કરવામાં આવ્યા છે. દૂરથી આવી રહેલી બંને બસો હાઈવે પર પૂરજોશમાં ચાલી રહી હતી ત્યારે અચાનક એકબીજા સાથે જોરદાર ટક્કર થતા બસ પલટી ગઈ. ઘટના દરમિયાન મુસાફરોમાં દહેશત છવાઈ ગઈ હતી. બસ પલટાતાની સાથે લોકોની ચીસો ઊઠી હતી અને સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પોલીસે તપાસ હાથધરી
ઘટનાની જાણ થતાં જ નજીકની પોલીસ ટુકડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને રાહદારીઓની મદદથી બચાવ કામગીરી શરૂ કરી હતી. હાલ પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે શા માટે અને કેવી રીતે આ ટક્કર થઈ. આ ઘટનાથી ફરી એકવાર પૂરતી ઝડપ અને માર્ગ સુરક્ષા અંગે સવાલ ઊભા થયા છે.