મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના લડોલ પોલીસ સ્ટેશનની હદમાં આવતા રણસીપુર ગામે દારૂ વિરુદ્ધ લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. ગામમાં ફેલાયેલ દેશી દારૂના દુષણથી ત્રસ્ત બની ગામના લોકોએ ‘જનતા રેડ’ કરી, અને દેશી દારૂનો નાશ કર્યો હતો.
"દારૂ બંધ"ના સૂત્રોચ્ચાર કર્યા!
ગ્રામજનોએ દારૂ વેચાણ થતું હતું તે સ્થળોએ ધમકીભર્યા નારા લગાવ્યા અને "દારૂ બંધ"ના ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન ગામના લોકોનો ઉત્સાહ અને રોષ બંને જોવા મળ્યા હતા. દારૂના ડબ્બાઓ અને બીજું દુષિત સામાન વેર વિખરે કર્યો હતો. ગ્રામજનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, "હવે ગામમાં દારૂ વેચાણ ચાલશે નહીં, અને જો ફરીથી આવા અડ્ડા શરૂ થશે તો વધુ કડક પગલા લેવામાં આવશે."
પોલીસ કામગીરી પર સવાલ ઉઠ્યા
આ ઘટના બાદ પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠવા લાગ્યા છે. ગ્રામજનોનું કહેવું છે કે, "દરેકને ખબર છે કે ગામમાં દારૂનું વેચાણ થાય છે, છતાં પોલીસ કોઈ કડક પગલાં લેતી નથી. ત્યારે આખરે ગામના લોકો જ કાર્યવાહી કરવા મજબૂર બન્યા છે"