અરબી સમુદ્રમાં સર્જાયેલ શક્તિશાળી ચક્રવાત ‘શક્તિ’ હવે ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગના તાજા અહેવાલ મુજબ, આ વાવાઝોડું 6 ઓક્ટોબરે દિશા બદલીને યુ-ટર્ન લેશે. જો કે, વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ગુજરાત રાજ્ય પર તેની અસર ઓછી રહેવાની શક્યતા છે.
હાલ માટે ભારે વરસાદની શક્યતા નથી
હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના મોટા ભાગમાં ભારે વરસાદની સંભાવના નબળી છે.
ફક્ત કેટલીક જગ્યાએ હળવા ઝાપટા પડવાની શક્યતા છે.
8 ઓક્ટોબર આસપાસ તટવર્તી જિલ્લાઓ જેમ કે દ્વારકા, જામનગર, પોરબંદર, સુરત, નવસારી અને વલસાડમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે, જ્યારે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં છૂટાછવાયા હળવા વરસાદની શક્યતા જણાઈ રહી છે.
ચક્રવાતની દિશા અને પવનની ઝડપ
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણએ જણાવ્યું કે,
“શક્તિ ચક્રવાત હાલમાં અરબી સમુદ્રના મધ્ય ભાગમાં સક્રિય છે અને 6 ઓક્ટોબર પછી દિશા ફેરવશે. તેમ છતાં, તેની મુખ્ય અસર ગુજરાત સુધી પહોંચવાની શક્યતા ખૂબ ઓછી છે.”
ચૌહાણના જણાવ્યા મુજબ, દરિયાકાંઠે પવનની ગતિ 40 થી 55 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયામાં ન ઉતરવાની ચેતવણી અપાઈ છે.
માંગરોળ બંદરે ચેતવણી સિગ્નલ
જૂનાગઢ જિલ્લાના માંગરોળ બંદરે તંત્રે નંબર 3નું ચેતવણી સિગ્નલ ફહેરાવ્યું છે.
આ સિગ્નલ સૂચવે છે કે દરિયાકાંઠે ખરાબ હવામાનની શક્યતા છે.
3 ઓક્ટોબરે અરબી સમુદ્રમાં ભારે કરંટ અને ઉગ્ર તરંગો નોંધાતા જ તંત્રએ સતર્કતા અપનાવી હતી.
હાલમાં સ્થાનિક વહીવટી તંત્ર એલર્ટ સ્થિતિમાં છે અને દરિયાકાંઠા વિસ્તારની સ્થિતિ પર લગાતાર દેખરેખ રાખી રહ્યું છે.
સાવચેતી માટેની સૂચના
તંત્ર દ્વારા નાગરિકોને દરિયા કિનારેથી દૂર રહેવાની અને હવામાન વિભાગની તમામ સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.
વિભાગે જણાવ્યું છે કે હાલ કોઈ ગંભીર જોખમ નથી, પરંતુ પરિસ્થિતિમાં કોઈપણ ફેરફાર થાય તો તાત્કાલિક ચેતવણી આપવામાં આવશે.