BZ પોન્ઝી કૌભાંડ બાદ હવે હિંમતનગરમાંથી વધુ એક મોટા પાયે નાણાંકીય છેતરપિંડીનો ખુલાસો થયો છે. હિંમતનગરની ‘એઆર કન્સલ્ટન્સી’ નામની કંપની સામે પોન્ઝી સ્કીમ ચલાવવાનો ગંભીર આક્ષેપ થયો છે. આ કંપનીએ લોકો પાસેથી મોંઘા વ્યાજ અને વળતરની લાલચ આપીને કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યાનો આક્ષેપ કરાયો છે. કંપની પર આરોપ છે કે તેણે થોડા સમય સુધી વ્યાજ આપ્યા બાદ પૈસા પાછા આપવાનું બંધ કરી દીધું અને સંચાલકો ઓફિસ બંધ કરી ભાગી છૂટ્યા છે.
વધુ એક પોન્ઝી સ્કીમ ફાટી નીકળી
એક ફરિયાદ મુજબ, હિંમતનગરના શખ્સના 4.46 લાખ રૂપિયા પોન્ઝી સ્કીમમાં ફસાયાં છે. ફરિયાદમાં જણાવાયું કે, BZ પોન્ઝી કૌભાંડમાં દરોડાની કાર્યવાહી થતાં જ એઆર ગ્રુપે પણ પૈસા આપવાનું બંધ કરી દીધું હતું. તેઓ મૂડી પર 3% થી 10% સુધીના વ્યાજ-વળતર આપવાની લાલચ આપતાં હતાં, જે થોડો સમય આપ્યા બાદ પૂરું થઈ ગયું.
જીપીઆઈડી એક્ટ હેઠળ ગુનો નોંધાયો
આ સમગ્ર મામલે હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકે PI પ્રકાશ ચૌધરીએ જીપીઆઈડી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપીઓમાં અજય રજુસિંહ મકવાણા, રજુસિંહ મકવાણા અને વનરાજ ઝાલાના નામ સામે આવ્યા છે.
સંચાલકો ભૂગર્ભમાં?
તપાસમાં ખુલ્યું છે કે આ સંચાલકો ડિસેમ્બર મહિનાથી જ ઓફિસ બંધ કરીને ગાયબ થઈ ગયા હતા. કેટલાક રોકાણકારોના જણાવ્યા મુજબ, જ્યારે તેઓ પૈસા માગવા ગયા તો કહેવામાં આવ્યું કે "સંચાલક અજય મકવાણા હાલ દુબઈ અથવા થાઈલેન્ડની ઓફિસમાં મીટિંગમાં છે"
લેપટોપ, કોમ્પ્યુટર અને અન્ય મહત્વના ડોક્યુમેન્ટ જપ્ત કરાયા
હિંમતનગર ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ પોલીસે આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અલગ-અલગ ટીમો બનાવી છે અને આરોપીઓની ધરપકડ માટે તપાસ તેજ કરી છે. લેપટોપ, કોમ્પ્યુટર અને અન્ય મહત્વના ડોક્યુમેન્ટ જપ્ત કરાયા છે, જેનાથી વધુ ખુલાસાની શક્યતા છે.