પાટણ જિલ્લાના રાધનપુર નજીક આવેલી મોટી પીપળી પાસે આજે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક ટ્રેલર, એક બોલેરો પિકઅપ, એક જીપ અને બે બાઇક સહિત કુલ પાંચ વાહનો અથડાયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટનાસ્થળ પર જ 4 લોકોનું દર્દનાક મોત થયું હતું, જ્યારે 15થી વધુ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘાયલોમાંથી 3 વ્યક્તિઓની હાલત અત્યંત ગંભીર છે અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
રાધનપુર પાસે એકસાથે પાંચ વાહનો ટકરાયા
પ્રાપ્ત વિગતો મુજબ, એક ટ્રેલર રાધનપુરથી વારાહી તરફ જઈ રહ્યું હતું, ત્યારે સામે તરફથી આવી રહેલી બોલેરો પિકઅપ સાથે તેની પહેલા ટક્કર થઈ હતી. એ પછી પાછળથી આવી રહેલી જીપ અને બે બાઇક પણ ભટકાયા હતા. બાઈક પર કુલ 4 લોકો સવાર હતા.
રાધનપુરના PI આર.કે. પટેલે શું કહ્યું?
રાધનપુરના PI આર.કે. પટેલે કહ્યું કે, ''પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે સૌ પ્રથમ ટ્રેલર અને બોલેરો પિકઅપ વચ્ચે ટક્કર થઈ હતી. ત્યારબાદ અન્ય વાહનો અથડાતા શ્રેણીબદ્ધ અકસ્માત સર્જાયો હતો."
ધારાસભ્ય હોસ્પિટલ પહોંચ્યા
આ ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. અકસ્માતનાં પગલે મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. સ્થાનિક લોકો અને બચાવ ટીમે ઘાયલોને બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડ્યા હતા. ઘટનાની ગંભીરતા જોતાં સ્થાનિક ધારાસભ્ય લવિંગજી ઠાકોર પણ હોસ્પિટલ પહોંચી ગયા હતા અને ઘાયલોના સ્વાસ્થ્ય વિશે માહિતી મેળવી હતી.